________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
કદરૂપો નંદિષણ અને મેતારજ મુનિની કથા
- ભારતી દીપક મહેતા
(રાજકોટ સ્થિત જૈન દર્શનના અભ્યાસુ ભારતીબહેનના ત્રણ પુસ્તકો પ્રગટ થયા છે. તેમાં પારસમણિ ગ્રંથ જૈન શ્રુત સંપદાને સમૃદ્ધ કરે છે. તેઓ પ્રોફેશનલ ડીઝાઈનર ટીમનું નેતૃત્વ કરે છે.)
મહાન આત્માઓના ઐતિહાસિક સંદર્ભો જોવા જઈએ તો અનેક આદર્શો નજર સમક્ષ તરવરે કે જેમણે જીવનના દરેક સુખને તિલાંજલિ અર્પીને જિનાજ્ઞા પાળવા અથવા જિનશાસનની રક્ષા કરવા અગણ્ય પરિષહો – ઉપસર્ગો આનંદપૂર્વક સહ્યા હોય ! સ્મરીએ મંત્રીશ્વર શ્રી કપર્દીને, જેઓને જૈનધર્મના કટ્ટર વિરોધી રાજા કુમારપાળનો આદેશ મળ્યો કે : ‘તમારા કપાળેથી તિલક મિટાવી દો, અન્યથા કટાર તમારી સગી નહીં થાય.’ પરંતુ “મસ્તક ઉપરનું તિલક તો મારા પરમાત્માની આજ્ઞાનું પ્રતીક છે, એમની આજ્ઞાની ઉપેક્ષા કરવા કરતાં જાનની પરવા ન કરવી સારી છે.” એમ કહ્યું તેથી રાજા અજયપાળના આદેશથી ઉકળતા તેલમાં તળાયા !
એ જ રીતે ક્રોધિત બનેલી કંટકેશ્વરી દેવીના આદેશ છતાં રાજા કુમારપાળે નવરાત્રિમાં પશુઓનો બલિ ન ચડાવ્યો અને દેવીના શ્રાપથી આખા શરીરે કોઢ નીકળ્યો, છતાં ધર્મપાલનમાંથી જરાયે ચ્યુત થયા નહીં. વળી પેઢાલપુરના શ્રીચૂલ રાજાના પગની ખોડથી સ્ટેજ વાંકા ચાલતા પુત્ર વંકચૂલે જ્ઞાનતુંગ નામના આચાર્ય સમીપ કાગડાનું માંસ ન ખાવાની પ્રતિજ્ઞા કરેલ તે યુદ્ધમાં થયેલા પ્રહારોની પીડા મટાડવા ત્યાંના વૈદ્યરાજે ઔષધ તરીકે કાગડાનું માંસ ખાવા કહ્યું છતાં અભિગ્રહ હોવાથી ન આરોગ્યું અને નવકારમંત્રના ધ્યાનમાં મરણને શરણ થઈ બારમા દેવલોકમાં ગયા, જે કાળે કરી મોક્ષે જશે. (૧૯)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
અહીં આવા જ અન્ય બે મહાન ચરિત્રના પરિષહમયી જીવનનું દર્શન કરીએ. ઃ કદરૂપો નંદિષણ :
અતિ દરિદ્ર બ્રાહ્મણ સોમિલ તથા માતા સોમિલાનો એકનો એક પુત્ર નંદિષણ જ્યારે જન્મ્યો ત્યારે તેની કુરૂપતા જોવા મગધ દેશના નંદી ગામના નગરજનો ટોળે વળીને રોજે રોજ આવવા લાગ્યા. દુર્ભાગ્યની હદ તો ત્યારે આવી કે જ્યારે માતા-પિતાનો પૂરો સ્નેહ મેળવે તે પહેલાં તે અનાથ બન્યો.સાત પુત્રીઓના પિતા એવા તેના મામા તેને પોતાના ઘરે લઈ ગયા તથા તેની પાસે ચારો-પાણી લાવવા વગેરેનું કામ કરાવવા લાગ્યા.
અન્યોને ચીતરી ચડે તેવી કદરૂપતા પોતે ધરાવે છે તે વાતે સદાયે ખિન્ન રહેતાં આ બાળને એકદા મામાએ કહ્યું કે :
“તારી મામી અને પુત્રીઓ ભલે તને શ્રાપરૂપ સમજતાં, પરંતુ હું પૂરો પ્રયત્ન કરીશ કે મારી સાતમાંથી એક પુત્રી તને પરણે.” આ સાંભળી હર્ષિત થયેલો નંદિષેણ ઘરનું ઘણું કાર્ય કરવા લાગ્યો. સમય જતાં સાતે દીકરીઓએ “આવા કદરૂપા માણસ સાથે પરણવા કરતાં તો આપઘાત કરીને મરી જવું સારું' એમ કહ્યું . તે સાંભળીને નંદિષણ ખેદ પામી ઘર છોડી નીકળી ગયો. ‘મારા દુર્ભાગ્યે આવા કર્મ ઉદયમાં આવ્યા છે, આ કરતાં તો મરી જવું જ સારું’ એમ નિશ્ચય કરી રત્નપુર નગર પાસેના એક વનમાં જઈ ચડ્યો. એક ઝાડની ડાળીએ ફાંસો ખાઈને મરી જવાનું હજુ વિચારતો હતો ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાનમાંથી બહાર આવી એક મુનિએ તેને વાર્યો અને ઉપદેશ આપ્યો કે :
“હે જીવતરથી વૈરાગી થયેલા જીવ, મોટા ચક્રવર્તીઓ પણ ભોગાવલી કર્મથી છૂટી શકતા નથી. આપઘાત કરવાથી કે અરણ્યમાં સંતાઈ રહેવાથી કૃતકર્મ આપણને મૂકી દે એ અસંભવિત છે. રૂપવાન કે કદરૂપા હોવું એ તો માત્ર બહારનો દેખાવ છે. ખરા તો આત્માના ગુણ છે. વિશ્વના જીવમાત્ર (૧૦૦)