________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
દરેક આઘાત તેની કર્મોની નિર્જરામાં સહાયક બનતો ગયો. તેમણે દેહને છોડ્યો પણ ધૈર્ય ન છોડ્યું. અંતે નશ્વર દેહથી મુક્ત થઈ મુક્તિધામના વાસી બન્યા. એમની દઢતા અને તપની સમક્ષ વ્યંતરી પણ હારી ગઈ.
વર્તમાન સમયમાં સામાજિક વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલે એટલા માટે ઉપસર્ગ અને પરિષહ દ્વારા આપણને પ્રેરણા મળે છે. તેને યોગ્ય રીતે સમજવામાં આવે તો હાલમાં જે આપઘાતના બનાવો બને છે તેનાથી વ્યક્તિ બચી શકે છે. ઉપસર્ગ અને પરિષહ દ્વારા આપણને એ જોવા મળે છે કે વ્યક્તિ પરિવાર કે સમાજમાં રહીને પણ પરમ આત્મતત્ત્વને પ્રાપ્ત કરી શકે છે. તપ-આરાધનાની સાથે સાથે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો તથા પરિષહો ઉપર વિજય પામીને, પ્રાયશ્ચિત્ત કરીને ધર્મ આરાધનામાં પ્રવૃત્ત થઈ શકાય છે અને સમાજમાં કે પરિવારમાં રહીને પણ આત્મકલ્યાણ પ્રાપ્ત કરી શકાય છે.
સંદર્ભ:- તીર્થંકર મહાવીર, લે. પદ્મચંદ શાસ્ત્રી
(૧૪૫)
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
આર્યરક્ષિત સૂરી, સ્કંદકુમાર અને સુભદ્રાની કથા
- ડૉ. રશ્મિ ભેદા
(જૈન દર્શનના વિદ્વાન રશ્મિબહેન ભેદાએ જૈન યોગ વિષય પર સંશોધન કરી Ph.D. કર્યું છે અને તેઓ જૈન સાહિત્ય સત્રોમાં અવારનવાર શોધપત્રો પ્રસ્તુત કરે છે. જૈનોલોજીના કોર્સમાં જૈનદર્શનનો અભ્યાસ કરાવે છે. જૈન વિશ્વકોશના અધિકરણો માટે એમનું જ્ઞાનપ્રદાન છે.)
જૈન દર્શનમાં આપણે શ્રમણાચાર એટલે મુનિજીવનના આચાર જોઈએ તો એમાં પાંચ મહાવ્રત અને રાત્રિભોજન ત્યાગ સાથે ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૦પ્રકારના યતિધર્મ, ૧૨ અનુપ્રેક્ષા અને સાથે ૨૨ પરિષહ આવે છે. તત્ત્વાર્થ સૂત્રમાં પરિષહનો અર્થ કહ્યો છે કે સમ્યગ્ દર્શન આદિ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે તે માટે તથા નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરિષહ છે. તપ એ શરીર અને મનને મજબૂત કરવાની જાતે ઊભી કરેલી તક છે, તાલીમ છે; જ્યારે આવી પડેલ પ્રસંગમાં શાંતપણે, જિનાજ્ઞાના અલ્પ પણ ઉલ્લંઘન વિના પસાર થવારૂપ પરીક્ષા એ પરિષહ છે. તપ નિર્જરા અને પરિષહ સંવરનો હેતુ છે. પરિષહ એટલે ચારે તરફથી - સર્વ પ્રકારે સહન કરવું. જ્ઞાયક તત્ત્વના આશ્રયે સુખ અને દુઃખ બંનેને ચલિત થયા વિના સહેવા. પરિષહ એટલે વિશિષ્ટ પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોની ઉપસ્થિતિ. સમભાવની સાધના કરતા સાધુ માટે પરિષહજય કરવા માટે ત્રણ બાબતો છે –
(૧) પરિષહ વખતે દુ:ખ ન લાગે.
(૨) પરિસ્થિતિ બદલવાની ઇચ્છા થાય નહ.
(૩) અકાર્ય નહીં, આજ્ઞાભંગ કે મર્યાદાઓનું ઉલ્લંઘન કરી પરિષહને દૂર કરવાનો કોઈ પ્રયત્ન નહીં.
(૧૪૬)