________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
જમાવી ગર્દભી વિદ્યા સિદ્ધ કરવા ધ્યાનારૂઢ થયા. હવે કાલકાચાર્યે શક સૈનિકોને ચેતવ્યા કે આ વિદ્યામાં એક યાંત્રિક ગર્દભ (ગધેડો) હોય છે. એ ગર્દભ, ગર્દભી વિદ્યાની પૂર્ણાહુતિ થતાં મોંમાંથી જોરશોરથી ધ્વનિના તરંગો પ્રવાહિત કરશે. આ તરંગો જે શ્રવણ કરે તે શત્રુઓને લોહીની ઊલટીઓ થતાં વહેલામોડા મરણ પામે છે. કાલકાચાર્યની વાત સાંભળતા શક સૈનિકોમાં ભય ફેલાયો. આચાર્યશ્રીએ બધાને દૂર સુરક્ષિત સ્થાન પર ખસેડ્યા. તેમણે લશ્કરમાંથી ઉત્તમ બાણવળીઓ શોધી તે સહુને વ્યુહાત્મક રીતે ગોઠવી તેમને કિલ્લાની ટોચ પર ઊભેલો યાંત્રિક ગર્દભ બતાવ્યો. આચાર્યશ્રીએ તેમને સૂચના આપી કે ગર્દભીલ રાજા તેની સાધના પૂરી થયા પછી બહાર આવશે અને ગર્દભનું મોં ખોલશે. જેવું તે યાંત્રિક પ્રાણી અવાજ કરવા માટે મોં ખોલે ત્યારે બધાએ એકીસાથે એના મોંમાં બાણોની વર્ષા કરવી. એકી સાથે પ્રવેશેલા તીરના મારથી ગર્દભ ધ્વનિના તરંગો ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જશે અને શકસૈનિકોની સાથે આચાર્યની પણ જીત થશે.
ગર્દભીલ રાજા કિલ્લાની ટોચની જગ્યા પર વિદ્યા સાધના બાદ પહોંચ્યો. તેણે જેવું ગર્દભનું મોં ખોલ્યું કે શક સૈનિકોએ આચાર્યના કથનનું અક્ષરશઃ પાલન કર્યું અને જીતી ગયા. આચાર્યના સમજાવટથી ગર્દભીલને જીવતો પકડી કેદમાં પૂર્યો. સાધ્વીને મુક્ત કરવામાં આવી. તેને પરાધીનતામાં લાગેલા પાપોનું પ્રાયશ્ચિત્ત આપી પુનઃ સાધ્વી સમુદાયમાં દાખલ કરી. આચાર્યે શકરાજાઓને ઉજ્જૈન અને આસપાસના પ્રદેશો આપ્યા.
આ શૌર્યકથા ધર્મરક્ષા કાજે કેવી કુનેહથી કામ લેવું તેનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે. અહીં સાધ્વી પર આવી પડેલ વિપત્તિઓના વાદળોને દૂર કરવા સંપૂર્ણ જૈનસમાજ એકજૂટ થાય છે. સાધ્વીના ઉપસર્ગ - કષ્ટ નિવારણ હેતુ (૮૩)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
આચાર્ય બાણવિદ્યા અન્યોને શીખવાડી શાસનરક્ષા કરે છે. સાધુભગવંતની અનેક મર્યાદાઓ હોવા છતાં તેઓ રાજાના અનુચિત કાર્યને પડકારવા સિંધદેશમાં જઈ શકરાજાઓને લશ્કર સહિત તેડી લાવે છે. આચાર્યશ્રી તેમના વર્તન થકી અહિંસાનો સાચો મર્મ સમજાવે છે. રાજા-મહારાજાઓ પણ જો જૈનસંઘના ઘટકો સાથે ગેરવર્તણૂંક કરે તો તે અસહ્ય જ હોય. રાજાની પાસે અથાગ સૈન્ય બળ હોય અને વિદ્યા પણ હોય છતાં એના તરફથી કરાતો અન્યાય સાખી લેવો એ કાયરતા છે. અહીં જૈન સંઘ અને આચાર્ય મહારાજ, સાધ્વી સરસ્વતીને કેદમાંથી મુક્ત કરાવે છે. આ બાબત ભવિષ્યની પ્રજા માટે અહિંસાનું સાચું સ્વરૂપ દર્શાવે છે. મહાપુરુષો પોતાના પર આવી ચઢેલ જવાબદારીઓ સુપેરે નિભાવે છે.
જૈનધર્મે કદી પણ સ્ત્રીઓ પ્રત્યે અન્યાય થવા દીધો નથી. ચંદનબાળા દાસીના વેશમાં હતી ત્યારે મહાવીરપ્રભુએ તેના હાથે આહાર ગ્રહણ કર્યો. ઉદયન રાજાની રાણી સંજોગોવશાત્ દીક્ષા લે છે ત્યારે ગર્ભવતી હતી. ગુરુણી મૈયાને આની જાણ થતાં બાળકના જન્મ પછી એને ફરી સ્વીકારે છે અને બાળકની જવાબદારી એક શ્રેષ્ઠી કુટુંબને આપે છે. અહીં નારી સન્માનની ભાવના હોવાથી એને ગુનેગાર હોય તોપણ તરછોડી નથી, પરંતુ પ્રાયશ્ચિત્ત આપી ફરી સમુદાયમાં દાખલ કરાય છે.
જૈનાચાર્ય વીર હોય છે. જો રાજા અન્યાયી હોય તો એને દૂર કરવાનું સામર્થ્ય એમનામાં હોય છે. એ પોતાની શક્તિ દ્વારા દુરાચારી દુષ્ટ રાજાને પદભ્રષ્ટ પણ કરી શકે છે.
(૮૪)