________________
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો : ભોગાવો - કાંડ ડૂબી જાય તેવો રેતાળ પ્રદેશ પસાર કરવાનો છે. ત્યાં સુધી જો પહોંચી જાઓ તો ત્યાં તમારી બધી વ્યવસ્થા થઈ જશે. સહુએ વિચાર્યું કે વાત સાચી છે પણ મહાસતીજીને કઈ રીતે ચલાવવા. મહાસતીજીએ હિંમત કરી, ચાલો, હું તમારો હાથ પકડીને ચાલીશ.’ બે બાજુ બે મહાસતીજીએ હાથ પકડ્યા અને એક મહાસતીજીએ કમ્મરથી ટેકો આપીને ચાલવાનું શરૂ કર્યું અને તે ગામ સુધી પહોંચી ગયા. ત્યાં એકાદ મહિનો સ્થિરતા કરી.
આવી વિકટતમ પરિસ્થિતિમાં પણ તેઓએ ક્યારેય અપવાદમાર્ગના સેવનની અંશ માત્ર ઇચ્છા કરી ન હતી. તેઓ હંમેશાં કહેતા કે શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે જંગલમાં મૃગલા બીમાર પડે તો તેની સેવા કોણ કરે ? કોણ તેને ખવડાવે - પીવડાવે? તે શાંતિથી પડ્યા રહે છે. બસ ! શાસ્ત્રના આવા ભાવો જ તેમનું ઔષધ હતું. તેઓ હંમેશાં સમજાવતા હતા કે અશાતામાં ઉપચારની અપેક્ષા રાખવી તે આપણી કાયરતા છે.
ત્યારપછી ચૂડા ગામમાં એક રાત્રે મારણાંતિક ઉપદ્રવ ચાલુ થયો. જોર - જોરથી ઓડકાર આવવા લાગ્યા. તેનો અવાજ ભયંકર ચીસ જેવો, ત્રણ ઘર સુધી સંભળાય તેવો હતો. સાંભળનારા ડરી જતા હતા. આ સ્થિતિ કેટલાય દિવસો સુધી રહી. વૈદ્યરાજને બોલાવ્યા પણ તેને કાંઈ સમજાયું નહીં. ત્યાં એક ૧૦ વર્ષના યોગસાધક સંત આવ્યા. તેમણે મહાસતીજીની સ્થિતિ જોઈને કહી દીધું કે આ શારીરિક બીમારી નથી. રાતે જીવનમરણનો સંઘર્ષ ચાલુ થયો. ભાઈઓ-બહેનોએ નવકારમંત્રની ધૂન ચાલુ કરી, સહવર્તી સાધ્વીજીઓ સેવા સાથે સ્વાધ્યાય શ્રવણ કરાવી રહ્યા હતા. મહાસતીજી પૂર્ણપણે અંતર્મુખ બનીને આત્મભાવમાં સ્થિત હતા. ધીરે-ધીરે સહુની સભાવના ઔષધ બની ગઈ. રાત વ્યતીત થઈ મહાસતીજીનો જાણે નવો જન્મ શરૂ થયો.
-ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) આ રીતે શાતા-અશાતાના ચઢાવ-ઉતરાવ વચ્ચે બે-પાંચ વરસ નહીં પરંતુ ૨૦-૨૦વર્ષ સુધી ઘોર અશાતાના ઉદયને પૂ. મહાસતીજીએ સમભાવપૂર્વક સ્વીકાર્યો. શાતા કે અશાતામાં સ્વાધ્યાય જ એમનો પ્રાણ હતો. ઈ.સ. ૧૯૯૭-૯૮ માં ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. ની જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે પ્રકાશિત થતી ગુરુપ્રાણ આગમ બત્રીસીમાં તેઓએ પ્રધાન સંપાદિકા તરીકે અનુપમ યોગદાન આપ્યું. કઠિનતમ અભિગ્રહ સહિત પોતાના જ શિષ્યા પરિવારના સથવારે નવ-નવ વર્ષ અખંડ પુરુષાર્થે કાર્ય પૂર્ણ કરાવ્યું. શ્રતોપાસક સાધ્વીજીઓ દ્વારા થયેલું ગુજરાતી આગમ બત્રીસીનું આ મહત્તમ કાર્ય માત્ર ગોંડલ સંપ્રદાય માટે જ નહીં, પરંતુ સમગ્ર જિનશાસન માટે મહત્તમ કાર્ય હતું.
આટલા દીર્ધકાળ પર્યંત અશાતાને ભોગવવા છતાં અશાતા વેદનીય કર્મનું દેણું કંઈક શેષ રહી ગયું હતું. મહાસતીજીને છેલ્લા પાંચ વર્ષ અચાનક નસકોરી ફૂટવાનું અર્થાત્ નાકમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું. તેના કારણે અત્યંત નબળાઈ આવી જતી હતી. તેમાં વધારો થતાં જીવનના અંતિમ વર્ષમાં ઉદય પ્રબળ બન્યો. પૂ. મહાસતીજીને ચેસ્ટની નીચેના ભાગમાં એક ગૂમડું - ગાંઠ નીકળી. વર્તમાને શરીરના કોઈપણ ભાગમાં નાનકડી ગાંઠ દેખાય કે વ્યક્તિ તેના નિદાન માટે આતુર બની જતી હોય છે. પણ આ સતીજી નહીં પરંતુ ખમીરવંતા મહાસતીજી હતા. તેમનો નિર્ણય હતો કે મારે નિદાન કરાવવું નથી. હવે જીવનની ઢળતી સંધ્યાએ જે છે તે કર્મનું દેણું ચૂકવવું છે. ગાંઠ ધીરેધીરે વધતી જતી હતી અને તે પાકી ગઈ, આઠ મહિને અચાનક તે ગાંઠ છૂટી અને તેમાંથી લોહી-પરુના ફુવારા ઊડવા લાગ્યા. આવી ભયંકર સ્થિતિમાં કોઈ ડૉક્ટર નહીં કે ડ્રેસીંગ પણ નહીં સ્વયં તેને સાફ કરી લેતા. ગાંઠ ફૂટ્યા પછી તેમાં એક ઈંચનો ખાડો પડી ગયો હતો. વેદના ક્રમશઃ વધી રહી હતી.
(૪૨)