________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
તેવામાં ફરતા ફરતા શ્રમણ ભગવાન મહાવીર ચંપામાં આવીને પૂર્ણભદ્ર ચૈત્યમાં ઊતર્યા. તેમના આવ્યાના સમાચાર સાંભળી કામદેવે વિચાર્યું કે, ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી આવીને, ત્યાંથી પાછા ફર્યા બાદ આ પૌષધ વ્રત પૂરું કરું. આમ વિચારી તેણે બહાર જવા યોગ્ય શુદ્ધ વસ્ત્રો પહેર્યાં, તથા મોટા મનુષ્યસમૂહ સાથે તે પોતાને ઘરેથી નીકળી પૂર્ણભદ્ર ચૈત્ય તરફ ગયો.
ભગવાને ત્યાં ભેગી થયેલી પરિષદને અને કામદેવ શ્રમણોપાસકને ધર્મકથા કહી.
“સાધુને આવી પડતાં દુઃખો બે પ્રકારના હોય છે : અનુકૂળ અને પ્રતિકૂળ. તેવા પ્રસંગોએ થતી સર્વ કુશંકાઓ ત્યાગીને સંયમી પુરુષ શાંત દૃષ્ટિવાળો રહે. વીરપુરુષોએ તે દુ:ખો સારી પેઠે સહન કરવા જોઈએ એમ હું કહું છું.”
આટલું કહ્યા પછી, ‘કામદેવ !’ એમ કહીને શ્રમણભગવાન મહાવીરે શ્રમણોપાસકને, પિશાચરૂપ ધારણ કરીને આવેલા દેવની, તેણે આપેલી વિવિધ યાતનાની અને કામદેવે બતાવેલી સ્થિરતાની વાત કહી સંભળાવીને તેને પૂછ્યું, “આ વાત ખરી છે?”
“હા ! ભગવન્ ! ખરી છે !’’
પછી, ‘આર્યો !’ એમ કહીને નિગ્રંથ - નિગ્રંથીઓને સંબોધી, શ્રમણભગવાન મહાવીરે કહ્યું, “ઘરમાં વસતા આ શ્રમણોપાસકો જો, પોતાના વ્રતના પાલનને માટે દેવ, મનુષ્ય અને પશુએ કરેલા ઉપસર્ગો-વિઘ્નોને સારી રીતે સમભાવે સહન કરે છે, તેમનાથી ચલાયમાન થતા નથી અને પોતાના વ્રતમાં તત્પર રહે છે; તો હે આર્યો ! તમારે શ્રમણનિગ્રંથોએ કે જે બાર અંગોવાળા ગણિપિટકનું અધ્યયન કરનારા છો, તેમણે તો સ્વીકારેલા આચારોને બરાબર
(૬૫)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
સુરક્ષિત રાખવા માટે બરાબર તૈયાર રહેવું જોઈએ અને જરાપણ ચલિત ન થવું જોઈએ તથા માર્ગમાં જે જે યાતનાઓ આવે તે સહન કરવી જોઈએ.’ શ્રમણભગવાન મહાવીરની આ વાતને તે સૌએ વિનયપૂર્વક સ્વીકારી, અને માથે ચડાવી.
ત્યારબાદ કામદેવે શ્રમણોપાસકની મર્યાદા બરાબર સાચવી. તે પ્રમાણે ઉપાસકની અગિયારે પ્રતિમાઓને પાર કરીને, ત્યારબાદ એક મહિના સુધીની મારણાંતિક સંલેખનાના સાઠે ટંક જેટલા ઉપવાસ વડે પોતાની જાતને સારી રીતે તાવીને, તથા દોષોની કબૂલાત અને પ્રાયશ્ચિત્તની વિધિ પૂરી કરી, કામદેવ સમાધિપૂર્વક એ મહિનાને અંતે મરણ પામ્યો; અને સૌધર્મ કલ્પમાં ઈશાનખૂણે આવેલા અરુણાભ-વિમાનમાં દેવ થયો. ત્યાં તેનું આયુષ્ય ચાર પલ્યોપમ વર્ષ જેટલું છે. ત્યાંથી તે પોતાનું આયુષ્ય, ભવ અને સ્થિતિ પૂરા કરી, મહાવિદેહવાસ પામી, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે.
ઉપસર્ગ સહીને પણ વિચલિત ના થનાર કામદેવ શ્રમણોપાસકની પ્રશંસા સ્વયં શ્રમણ ભગવાન મહાવીરે કરી હતી.
(૬૬)