________________
વ્યાખ્યાન ૩૬]
સમકિતનું પહેલું ભૂષણ-સ્વૈર્ય
૧૩૧
થઈને બોલી કે,“હે દાસી! આ રાજા મારો પતિ થાય, તેવી તું કાંઈ પણ યુક્તિ કર' તે સાંભળીને દાસીએ તે વાત અભયકુમારને જણાવી. ત્યારે અભયે તેના અન્તઃપુરથી આરંભીને રાજગૃહી નગરી સુધી સુરંગ કરાવી. પછી તે રસ્તે પિતાને અમુક દિવસે ત્યાં આવવાનું જણાવ્યું. તે જ વખતે શ્રેણિક રાજા પોતાના બત્રીશ અંગરક્ષકોને લઈને ત્યાં આવી પહોંચ્યા. તે ખબર જાણી મોહિત થયેલી સુજ્યેષ્ઠા શ્રેણિકની સાથે જવા તૈયાર થઈ. તે વખતે તેની નાની બહેન ચેલણા બોલી કે,‘“હે બહેન! મારો પણ એ જ સ્વામી થાઓ.’' એમ કહી તે બન્ને બહેનો સુરંગના દ્વાર પાસે આવી. તેવામાં સુજ્યેષ્ઠા પોતાના આભૂષણનો કંડીઓ (દાબડો) ભૂલી ગઈ હતી તે લેવા જવા ઉત્સુક થઈ, અને બોલી કે—“હે બહેન! હું મારો અલંકારનો કંડીઓ લેવા જાઉં છું, મારા વિના તું આગળ જઈશ નહીં.'' એમ કહીને સુજ્યેષ્ઠા પાછી ગઈ. તે વખતે સુલસાના પુત્રો કે જેઓ શ્રેણિક રાજાની સાથે અંગરક્ષક તરીકે આવ્યા હતા તેઓએ રાજાને કહ્યું કે,‘“હે સ્વામી! અહીં શત્રુના ઘરમાં ઘણી વાર રહેવું યોગ્ય નથી.'' તે સાંભળીને રાજા ચેલણાને લઈને ચાલતા થયા. થોડીવારે સુજ્યેષ્ઠા પોતાનો કંડીઓ લઈને આવી; પણ રાજાને કે પોતાની બહેનને કે કોઈને જોયાં નહીં, તેથી ઈર્ષ્યાને લીધે તેણે પોકાર કર્યો કે,દોડો, દોડો, મારી બહેન ચેલણાને કોઈ હરી જાય છે.’’ તે સાંભળીને ચેટક રાજાનું સૈન્ય તરત જ આવ્યું અને તે સુરંગમાં શ્રેણિકની પાછળ પડ્યું. તે સૈન્ય શ્રેણિકની નજીક આવી પહોંચ્યું, એટલે ત્યાં યુદ્ધ થયું. તેમાં ચેટક રાજાના સેનાપતિ વૈરંગિકે સુલસાના એક પુત્રને હણ્યો એટલે તે જ વખતે બીજા (બાકીના) એકત્રીશ પુત્રો પણ મૃત્યુ પામ્યા. શ્રેણિક રાજા ઉતાવળો ચાલી પોતાના નગરમાં આવી પહોંચ્યો અને તરત જ તેણે ચેલણાનું પાણિગ્રહણ કર્યું.
અહીં પોતાના બત્રીશે પુત્રોનું મરણ સાંભળીને નાગસારથિ તથા સુલસા અત્યંત રુદન કરવા લાગ્યા. તે વખતે અભયકુમારે તેમને કહ્યું કે,‘‘જૈનધર્મના તત્ત્વને જાણનારા તથા અનિત્યાદિક ભાવના ભાવનારા એવા તમારે અવિવેકી મનુષ્યોની જેમ શોકસાગરમાં પડવું યુક્ત નથી. કહ્યું છે કે– कुशकोटिगतोदकबिन्दुवत्, परिपक्वद्रुमपत्रवृन्दवत् ।
जलबुद्बुदवच्छरीरिणां, क्षणिकं देहमिदं च जीवितम् ॥ १ ॥ ભાવાર્થ–દર્ભના અગ્ર ભાગપર રહેલા જળના બિંદુની જેમ, વૃક્ષના પરિપક્વ થયેલા પત્રસમૂહની જેમ અને જળના બુદ્ધદ (પરપોટા)ની જેમ પ્રાણીઓનો આ દેહ તથા જીવિતવ્ય ક્ષણભંગુર છે.’’ તે સાંભળીને નાગસારથિ તથા સુલસા શોક રહિત થયા.
એકદા ચંપાનગરીમાં શ્રીમહાવીરસ્વામીને નમીને અંબડ નામનો પરિવ્રાજક જે જૈનધર્મ પામ્યો હતો તે રાજગૃહી નગરી તરફ ચાલ્યો. તે વખતે શ્રી જિનેશ્વરે તેને કહ્યું કે—“હે પરિવ્રાજક! તમે રાજગૃહી નગરીએ જાઓ છો તો ત્યાં સુલસા શ્રાવિકા રહે છે, તેને અમારો ધર્મલાભ કહેજો.’’ તે પ્રભુનું વાક્ય અંગીકાર કરી અંબડ પરિવ્રાજકે રાજગૃહી નગરીએ આવી વિચાર કર્યો કે,‘‘ભગવાને પોતે જે સુલસાને ધર્મલાભ કહેવરાવ્યો છે, તેની ઘર્મમાં સ્થિરતા કેવી છે તેની હું પરીક્ષા કરું.” એમ વિચારીને તે પરિવ્રાજકે નગરની પૂર્વદિશાના દરવાજા બહાર વૈક્રિય લબ્ધિથી ચાર મુખવાળા, હંસના વાહનવાળા, અને જેના અર્ધાંગમાં સાવિત્રી રહેલી છે, એવું સાક્ષાત્ બ્રહ્માનું સ્વરૂપ કર્યું. તે જોઈને નગરના સર્વ લોકો તે બ્રહ્માને વંદન કરવા ગયા, પરંતુ જૈનધર્મમાં દૃઢ અનુરાગવાળી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org