________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪
આ પ્રમાણે તે બન્ને પરસ્પર પ્રેમવાર્તા કરતા હતા. તેવામાં હાથમાં ઉઘાડી તરવાર ઘારણ કરીને તાલ તમાલ વૃક્ષના પાંદડા જેવો શ્યામ અને ભયંકર કપાળવાળો એક રાક્ષસ એકદમ પ્રગટ થઈ કુમાર પ્રત્યે બોલ્યો કે,“હે કુમાર! હું સાત દિવસથી ભૂખ્યો છું, તું મારા ભક્ષ્યને પરણવાને કેમ ઇચ્છે છે?'' એમ કહીને તે રાક્ષસે મણિમંજરીને ઝાંઝર સહિત પગેથી ગળવા માંડી. તે જોઈ કુમારે તેના પર જોરથી ખડ્ગનો પ્રહાર કર્યો. પરંતુ તે ખડ્ગ રાક્ષસને કાંઈ પણ ઇજા કર્યા વિના બે કકડા થઈ ગયું. ત્યારે કુમારે તેની સાથે બાહુયુદ્ધ કરવા માંડ્યું. તેમાં રાક્ષસે તે કુમારને ભૂમિપર પાડીને બાંઘી લીધો. પછી રાક્ષસે તેને કહ્યું કે “હે રાજપુત્ર! જો તારે તારી પ્રિયાને છોડાવવી હોય, તો મને બીજી કોઈ સ્ત્રી અથવા તારી સ્થૂળ કાયા નામની દાસી ખાવા માટે આપ. કદી તે પણ તું ન કરી શકે તો મારા ગુરુ ચરક પરિવ્રાજકને તું પ્રણામ કર અથવા મારા પ્રાસાદમાં વિષ્ણુની મૂર્તિ સાથે જિનપ્રતિમા પણ છે તેને પ્રણામ કરીને તું પૂજા કર, અથવા મારી જ પ્રતિમા કરાવી તેનું હમેશાં પૂજન કર, નહીં તો આને હું આખી ખાઈ જઈશ.’’
૧૬૦
તે સાંભળી કુમાર બોલ્યો, “હે રાક્ષસ! મારા જીવિતનો અંત થાય, તોપણ જિનેશ્વરને અને સુસાધુને મૂકીને હું બીજાને નમસ્કાર કરીશ નહીં, તેમજ કારણ વિના સ્થાવર જીવની પણ હિંસા હું કરતો નથી તો બીજા જીવોની હિંસા કરવાની તો વાત જ શા માટે કરવી? હે દેવ! તારે પણ તે પ્રમાણે બોલવું યોગ્ય નથી.’’ તે સાંભળીને રાક્ષસ બોલ્યો કે,“હે રાજપુત્ર! ત્યારે તું આ જિનાલયને વિષે ચાલ, ત્યાં વીતરાગનું બિંબ છે, તેની તું પૂજા કર.” તે વાત કબૂલ કરી કુમાર હર્ષથી જિનાલયમાં ગયો, તો તે બિંબ બૌદ્ધ લોકોએ પૂજેલું હતું, તેથી તરત જ કુમાર ત્યાંથી પાછો વળીને બોલ્યો કે,“હે દેવ! શિરચ્છેદ થાય તોપણ હું તારું વચન કબૂલ કરીશ નહીં.'’ તેવો તેનો દૃઢ નિશ્ચય સાંભળીને રાક્ષસ મણિમંજરીને પગથી ગળવા લાગ્યો. તે વખતે તે બાળા અત્યંત કરુણ સ્વરે વિલાપ કરવા લાગી કે “હે પ્રાણપ્રિય! હે નાથ! મારું મરણથી રક્ષણ કરો, રક્ષણ કરો.’’ એ પ્રમાણે વિલાપ કરતી તે બાળાને કંઠ પર્યંત ગળીને રાક્ષસે કુમારને કહ્યું કે,‘હે મૂર્ખ શિરોમણિ! જો તું દાસીને પણ આપવા ના કહેતો હોય તો છેવટ એક બકરો જ આપ, નહીં તો આ સ્ત્રીનું ભક્ષણ કરીને પછી તારું પણ ભક્ષણ કરીશ.’’ તે સાંભળી કુમાર બોલ્યો,‘‘કલ્પાંત કાળે પણ તારા કહેવા પ્રમાણે હું કરનાર નથી, તો શા માટે વારંવાર પૂછ્યા કરે છે?’' આ પ્રમાણે તેના દૃઢ નિશ્ચયથી સંતુષ્ટ થયેલો તે રાક્ષસ તરત જ પોતાનું દિવ્ય રૂપ પ્રગટ કરીને બોલ્યો કે,“હે સાહસિક શિરોમણિ! દેવેંદ્રે કરેલી તારી પ્રશંસાને નહીં માનતો હું તારી પરીક્ષા કરવા આવ્યો હતો, તારા પ્રસાદથી મને પણ સમકિત પ્રાપ્ત થયું છે.’’ એમ કહી તે દેવ તેમના ગાંધર્વ લગ્ન કરી સ્વર્ગે ગયો. પછી કુમાર પણ મણિમંજરીને મહોત્સવપૂર્વક પરણી પોતાના નગરે આવ્યો. કુમારને રાજ્યપર બેસાડીને તેના પિતાએ દીક્ષા ગ્રહણ કરી. સંગ્રામશૂર રાજા પણ શ્રાવક ધર્મનું પ્રતિપાલન કરી પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી ચ્યવી એક અવતાર ધારણ કરી મોક્ષપદને પામશે.
‘‘રાજાઓને વિષે શ્રેષ્ઠ એવો સંગ્રામશૂર રાજા બે યતનાને વિષે સાવધાન ચિત્તવાળો થઈને કષ્ટમાં પણ અહિંસાદિક નિયમો પાળી પાંચમા બ્રહ્મ દેવલોકે ગયો.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org