________________
૧૩૬
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર—ભાગ ૧
[સ્તંભ ૩
બેસાડ્યો. તે ઉદાયી પણ નિરંતર પિતાના સ્નેહનું સ્મરણ કરી શોકાતુર રહેવા લાગ્યો. તેથી તેના શોકને દૂર કરવાના હેતુથી મંત્રીઓએ નવી રાજધાની કરવાનો વિચાર કરી શિલ્પશાસ્ત્રમાં નિપુણ એવા શિલ્પીઓને રાજધાનીને યોગ્ય એવા ક્ષેત્ર (ભૂમિ)ની શોધ કરવા માટે મોકલ્યા. તે શિલ્પીઓ પણ ઉત્તમ ભૂમિને શોધતાં શોધતાં ગંગા નદીને કાંઠે આવ્યા. ત્યાં અર્ણિકાસુત નામના મહામુનિએ કાળ કર્યો હતો. તેનાં અસ્થિ તે સ્થાને પડ્યાં હતાં. તેના પર એક પાટલ નામનું વૃક્ષ ઊગ્યું હતું. તે વૃક્ષ પર પોપટ બેઠા હતા. તે પોપટના મુખમાં આવી આવીને પતંગીઆઓ સ્વયમેવ પડતા હતા. તે જોઈને તે શિલ્પીઓએ વિચાર કર્યો કે,જેમ આ પતંગીઆઓ પોતાની મેળે જ પોપટોના આહાર માટે આવે છે તેમ જો અહીં નગર કર્યું હોય, તો તેના રાજાને પણ શત્રુઓની લક્ષ્મી આયાસ વિના જ ભોગવવા લાયક થાય, અર્થાત્ પ્રાપ્ત થાય.’ એમ વિચારીને તે શિલ્પીઓએ તે જ સ્થાને રાજધાનીનું ખાતમુહૂર્ત કરીને પાટલ વૃક્ષના નામથી પાટલીપુર નામનું નગર વસાવ્યું. પછી ઉદાયી રાજા ત્યાં આવીને રાજ્ય કરવા લાગ્યો.
જ્યારથી ઉદાયી રાજા પાટલીપુરમાં આવ્યો ત્યારથી તેના પ્રતાપરૂપી સૂર્યના ઉદયને નહીં સહન કરતા શત્રુરાજાઓ ઘુવડની જેમ અંધ થઈ ગયા. ઉદાયી રાજાએ પ્રતિદિન દાન, યુદ્ધ ને ઘર્મનો ઘણો વિસ્તાર કર્યો. જૈનધર્મની પૃથ્વી પર સર્વત્ર પ્રભાવના કરી. સદ્ગુરુ પાસે બાર વ્રતો અંગીકાર કર્યાં. તે વ્રતના ખંડનમાં કદાપિ પ્રવર્તો નહીં. તેનું સમકિત અત્યંત દૃઢ હતું. ચાર પર્વણીને વિષે કાયમ ચતુર્થભક્ત (ઉપવાસ) કરી, દેવગુરુને વંદના કરી, છ આવશ્યકની ક્રિયા કરી, પૌષધ ગ્રહણ કરીને તે આત્માને પવિત્ર કરતો હતો. તેણે અંતઃપુરમાં જ પૌષધશાળા કરાવી હતી. તેમાં રાત્રિને સમયે વિશ્રાંતિ લઈને તે સાધુની જેમ સંથારો કરતો હતો. આ પ્રમાણે તે જૈનધર્મની સર્વ ક્રિયાઓમાં અત્યંત કુશળ થયો હતો.
ઉદાયી રાજાએ રણસંગ્રામમાં કોઈ રાજાને માર્યો હશે, તેનો પુત્ર પિતાનું વેર લેવા માટે અહર્નિશ ચિંતા કર્યા કરતો હતો. પણ ઉદાયી રાજાને મારવાને તે શક્તિમાન થયો નહોતો. છેવટ અન્ય સ્થાન નહીં પામવાથી તે ઉજ્જયિનીમાં જઈને ત્યાંના રાજાની સેવા કરવા લાગ્યો. એકદા તેણે ઉજ્જયિનીના રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! જો આપની આજ્ઞા હોય તો આપના શત્રુ ઉદાયી રાજાને હું મારી નાખું. પરંતુ જો હું તેમ કરું તો મારા પર કૃપા કરીને આપે મને મારા પિતાનું રાજ્ય પાછું મેળવવામાં મદદ કરવી.’’ તે સાંભળીને તે રાજાએ હર્ષથી તેનું વચન કબૂલ કર્યું. પછી તેને કેટલુંક દ્રવ્ય આપીને ત્યાંથી વિદાય કર્યો. તે રાજપુત્ર પાટલીપુરમાં જઈને ઉદાયી રાજાનો સેવક થઈ નિરંતર તેનાં છિદ્ર જોવા લાગ્યો, પરંતુ તે કાંઈ પણ છિદ્ર પામ્યો નહીં. પરંતુ રાજાના ગૃહને વિષે નિરંતર અસ્ખલિત ગતિએ રોકટોક વગર જતા આવતા જૈનમુનિઓને તેણે જોયા; બીજા કોઈનો તેમાં પ્રવેશ થતો દીઠો નહીં. પછી ઉદાયી રાજાના ગૃહમાં પ્રવેશ કરવાની ઇચ્છાવાળા તે રાજપુત્રે કપટથી મુનિ થવાનો વિચાર કરીને ગુરુ પાસે જઈ વંદના કરીને વિજ્ઞપ્તિ કરી કે,“હે પૂજ્ય! હું સંસારથી વૈરાગ્ય પામ્યો છું, માટે મારા પર અનુગ્રહ કરીને મને દીક્ષા આપી કૃતાર્થ કરો.’’ તે સાંભળીને તે કૃપાળુ મહાત્માએ તેનો હૃદયગત ભાવ જાણ્યા વિના તેને દીક્ષા આપી. તે માયાવીએ કપટથી પોતાના ઓઘામાં ગુપ્ત રીતે એક કંકલોહની છરી સંતાડી રાખી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org