________________
૧૫૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ 3 ગુરુ બે પ્રકારના હોય છે—તપસ્યાયુક્ત અને જ્ઞાનયુક્ત. તેમાં જે તપસ્યાયુક્ત હોય છે, તે વડના પાંદડાની જેમ કેવળ પોતાના આત્માને જ ભવસાગરથી તારે છે અને જે જ્ઞાનયુક્ત હોય છે તે વહાણની જેમ પોતાને તથા બીજા અનેક જીવોને તારે છે.
ઇત્યાદિક ગુરુના ગુણોનું વર્ણન કરીને તે રાજાએ ઘણા લોકોને ઘર્મમાં સ્થાપન કર્યા. પરંતુ તે નગરમાં એક જય નામનો વણિક નાસ્તિક મતવાળો રહેતો હતો. તે એમ કહેતો કે, “ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં સ્વાભાવિક રીતે જ પ્રવૃત્ત થાય છે, તે કોઈથી રોકી શકાતી જ નથી. તપસ્યા કરવી તે તો કેવળ આત્માનું શોષણ કરવાનું છે. તેથી કાંઈ પણ ફળ મળતું નથી. સ્વર્ગ તથા મોક્ષ કોણે જોયાં છે? તે સર્વ અસત્ય છે. કહ્યું છે કે
हत्थागया इमे कामा, कालिया ते अणागया ।
को जाणई परे लोऐ, अत्थि वा णत्थि वा पुणो ॥१॥ ભાવાર્થ-“આ કામભોગ તો હાથમાં આવેલા છે અને તપસ્યાદિથી મળવા ઘારેલા સુખ તો . અનાગત કાળમાં પ્રાપ્ત થવાના છે; પણ કોણ જાણે છે કે પરલોક છે કે નહીં?” એટલે પ્રાપ્ત થયેલાને છોડી દઈને આગળ મળશે કે નહીં તેવી શંકામાં કોણ પડે?
માટે જે છે તે અહીં જ છે. સ્વર્ગ, મોક્ષ, પુષ્ય, પાપ વગેરે સર્વ માનવા યોગ્ય નથી.” આ પ્રમાણે લોકો પાસે ઉપદેશ કરીને તે જય વણિકે ઘણા લોકોને ભરમાવ્યા હતા. એ રીતે તે નગરમાં પુણ્ય અને પાપનો ઉપદેશ આપવામાં કુશળ એવા તે રાજા અને વણિક બન્ને પ્રત્યક્ષ સુગતિ અને દુગતિના માર્ગરૂપ દેખાતા હતા.
એકદા રાજાએ જય વણિકનું સ્વરૂપ જાણ્યું, તેથી તેને બરાબર શિક્ષા આપવા માટે ગુપ્ત રીતે પોતાના સેવક પાસે પોતાનો લક્ષ મૂલ્યનો હાર તે વણિકને ઘરમાં તેના ઘરેણાના દાબડામાં નખાવ્યો. પછી આખા નગરમાં પડહ વગડાવી સર્વ લોકોને જણાવ્યું કે-“રાજાનો હાર કોઈ ચોરી ગયું છે, તે જો કોઈ તરત જ લાવીને રાજાને આપશે, તો તેને કાંઈ પણ શિક્ષા કરવામાં આવશે નહીં, અને જો પછી કોઈના ઘરમાંથી નીકળશે, તો તેને સખત દંડ થશે.” આ પ્રમાણે આઘોષણા કરાવી. પણ કોઈએ હાર લાવીને આપ્યો નહીં. પછી રાજાના હુકમથી રાજસેવકોએ ગામના ઘરોની જડતી લેવા માંડી. અનુક્રમે શોધ કરતાં કરતાં જય વણિકના ઘરમાંથી તે હાર નીકળ્યો. એટલે રાજપુરુષો તેને બાંધીને રાજા પાસે લાવ્યા. રાજાએ તેનો વઘ કરવાનો હુકમ કર્યો, તે વખતે તેને કોઈએ છોડાવ્યો નહીં, પરંતુ તેના સ્વજનો રાજાની ઘણી પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે રાજાએ કહ્યું કે, “જો મારે ઘેરથી તેલનું સંપૂર્ણ ભરેલું પાત્ર લઈને તે ચાલે, માર્ગમાં જરા પણ તેલનું બિંદુ પડવા ન દે, અને આખા નગરમાં ફરીને અહીં મારી પાસે આવે, તો હું તેને મરણની શિક્ષાથી મુક્ત કરું, તે વિના તેને મુક્ત કરીશ નહીં.” તે સાંભળીને જયશ્રેષ્ઠીએ મરણના ભયને લીધે તેમ કરવાનું અંગીકાર કર્યું. પછી પધશેખર રાજાએ આખા નગરમાં સર્વ લોકોને હુકમ કર્યો કે, “માર્ગમાં ઠેકાણે ઠેકાણે વીણા, વાંસળી અને મૃદંગ વગેરે વાજિંત્રો વગડાવો, અતિ મોહ ઉત્પન્ન કરનાર અને સુંદર વેષ ઘારણ કરનાર વેશ્યાઓના હાવ, ભાવ અને કટાક્ષપૂર્વક નૃત્ય ગાન વગેરે કરાવો, તથા સર્વ ઇંદ્રિયોને સુખ ઊપજે તેવા પ્રેક્ષકો (નાટકો) સ્થાને સ્થાને રચાવો.” રાજાની આજ્ઞા પ્રમાણે આખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org