________________
દૂર ભાગીએ તો ય નામાધ્યાસ મરે નહિ. વિજાતીય આકર્ષણ ઊભું રાખીને બ્રહ્મચર્ય પાળીએ તો ય લોભ તો ઊભો જ રહ્યો. કાદવથી કાદવને દૂર ન કરાય. અનાસક્તભાવથી દેહાધ્યાસ વગેરે ત્રણેને તોડવા ખૂબ જ કઠણ છે. કારણ કે દેહાધ્યાસ વગેરે સ્વરૂપ લોભને જીતવા માટે તે પહેલાં ક્રોધ-માન-માયા-આ ત્રણેય કષાયને જીતવા જ પડે. ક્ષપકશ્રેણીની પ્રક્રિયા યાદ છે ને ? ક્રોધાદિ ત્રણ રવાના થાય પછી જ લોભનો ક્ષય થાય છે. આથી દેહાધ્યાસ આદિના ત્યાગ માટે સરળતા + નમ્રતા + ઉપશમભાવ સહિત બિનશરતી હાર્દિક ગુરુશરણાગતિ જોઈએ.
ઉપશમશ્રેણીમાં ૧૧ મા ગુણઠાણે ચડેલાને પાડવાનું કામ લોભ કષાય જ કરે છે. માટે ઉપર જણાવેલી ગુરુશરણાગતિ આવે તો જ ઉપશમશ્રેણિને બદલે ક્ષપકશ્રેણિનો પ્રારંભ થાય. આમ ક્ષપકશ્રેણીનું સૂક્ષ્મબીજ બિનશરતી ગુરુશરણાગતિમાં છે. આ જો સમજાઈ જાય તો કેવા ગદ્ગદ્ભાવથી, આદરભાવથી, અહોભાવથી ગુરુને સમર્પિત થવું જોઈએ ? તે માટે કશો જ ઉપદશે આપવો ન પડે. શાસ્ત્રના કેવા નોખા અને સાવ અનોખા ગેબી ભાવો છે ! સાધુ પોતાના ગુરુમાં ગૌતમસ્વામીજીના દર્શન કરે, સાધ્વીજી પોતાના ગુરુમાં ચંદનબાલાજીના દર્શન કરે આવી વાત પણ શાસ્ત્રમાં આટલા માટે જ કરવામાં આવેલ છે.
-
આ પત્રમાં જે વાત કરી તેનાથી વધુ રહસ્ય સરળતા વગેરે આ ચાર વસ્તુની પાછળ છુપાયેલ છે. અને આ ચારેયની પ્રાપ્તિમાં પણ જીવ કેવો છેતરાય છે ? આ બધી ગુપ્ત, ગૂઢ, માર્મિક વાતો હવે પછીના પત્રમાં આપણે વિચારશું. તત્રસ્થ સર્વ સંયમીભગિનીઓને વંદનાદિ વિદિત કરશો.
૫૨