________________
મહાત્મા તો નવા છે. એને ખબર પણ નથી કે પાત્ર બરાબર ધોવાયું નથી. ઉતાવળમાં હોવાથી કદાચ બરાબર સાફ નહિ થયા હોય.” જો આવી સમાધાનવૃત્તિ હોય તો સંયમમાં અપાર આનંદ આવે. જો આવી સમાધાનવૃત્તિ ન હોય તો જીવન સંકલેશના લીધે મસોતા કરતાં પણ કાળું બનતાં વાર ન લાગે.
સમાધાનની વૃત્તિ ન હોય તો સંકલેશ-તણાવ-ટોર્ચરિંગ-ટેન્શન અનુભવાય. બાહ્ય પરિસ્થિતિની વધુ પડતી ઝીલી લીધેલી અસર આપણને સંકલેશ-તણાવ વગેરેમાં ખેંચી જાય. “કર્મસત્તાએ ઉભી કરેલ બાહ્ય પરિસ્થિતિની અસર લેવી કે નહિ? તે માટે હું સ્વતંત્ર છું.” આવી સમજણ સમાધિની ચાવી છે. જો જીવને બાહ્ય પરિસ્થિતિની અસરો કાયમ ઉભી કરાવવા કર્મસત્તા સમર્થ હોય તો ગજસુકુમાલ મુનિને કેવળજ્ઞાન મળી ન શકત. “હું જ ગાંડો બની બાહ્ય પરિસ્થિતિની સાથે એકમેક થાઉં છું. વાસ્તવમાં તો “તેના કરતા હું અલગ જ છું - તેવું આત્મભાન નથી. માટે તેની અસર ઝીલીને હું સંકલેશ કરૂં છું.' આ રીતે પોતાના અપરાધીભાવની કબુલાત થવી જોઈએ.
સુદ પાંચમના દિવસે બધાને ઉપવાસ હોય અને પોતે જ પોતાની ગોચરી લઈ આવે. યોગાનુયોગ ગોચરીમાં વધારે આવી ગયું. વધુ વાપરવાથી તબિયત બગડી. અજીર્ણ થયું. પેટમાં દુઃખાવો થયો. તે દ્વેષ કોના ઉપર કરવાનો? પોતાની જાત તો સૌથી વધારે વહાલી જ હોય ને ! જ્યારે એ જ ગોચરી બીજા લાવે અને આપણને વધી ગયું, તબિયત બગડે તો મન કેવું રહે ? સામેના ઉપર દુર્ભાવ થાય ને કે “ભાન પડતી નથી. ગણાવ્યા કરતા બમણું લઈ આવે છે. અને વાપરવાનું મારે !....” પણ આવા સમયે જાગૃતિ હોય તો ખબર પડે કે “કર્મસત્તા મને રમાડે છે. એણે જે ભૂલ કરી છે તેના કરતાં મારી તેના પ્રત્યે દ્વેષ કરવાની ભૂલ બહુ મોટી છે.” જો આ વિચાર હોય છતાં કર્મવશ સામેની વ્યક્તિ ઉપર દ્વેષ જાગે તો પણ તેનો પાવર ઓછો થઈ જાય, દ્વેષમાં “પંકચર પડી જાય.
૩૯૯