________________
પ્રસિદ્ધિની ભૂખ હોય કે સ્વપ્રશંસાની ખણજ હોય... પરદોષદર્શનની કુટેવ હોય કે પરનિદાનું વ્યસન હોય... આત્માને સતાવતી પ્રત્યેક ચીજ પ્રત્યે લાલ આંખ થશે ત્યારે જ આત્મા તે ચીજનો સહજ રીતે ત્યાગ કરતાં આનંદ અનુભવશે... અન્યથા ત્યાગ થવા છતાં, વ્યવહારથી ત્યાગી બનવા છતાં તેનો રાગ નહિ છૂટે.
પૂર્વે ધન્ના અણગાર અને શાલીભદ્ર વગેરેને જે સંયમ મળ્યું, મૃગાવતી, ચંદનબાલાજી વગેરેએ જે સંયમજીવન પાળ્યું તે જ ચારિત્ર આપણને મળેલ છે. હવે જરૂર છે તેમાં ભાવોલ્લાસનો પ્રાણ પૂરવાની. વિધિ - યતના - ભક્તિ - સહિત સ્વાધ્યાયમાં ઉદ્યમશીલ બનજો. ખૂબ જ ઉત્તમ સંયમી ગ્રુપ અને સુંદર વાતાવરણ મળેલું છે, તેનો પૂરેપૂરો લાભ ઉઠાવીને આત્માને કર્મથી હળવો બનાવજો.
નમ્રતા બધા જોડે, નાના જોડે પણ રાખવી. સદા સરળ વ્યવહાર કરવો. સાથે રહેલા સંયમીના ગુણાનુવાદ કરવા અને સહુની સાથે મીઠી વાણી રાખવી. આ બધું તમારામાં છે. છતાં ખ્યાલ આપવાની ફરજથી લખ્યું છે. જે ખૂટે તે ઉમેરશો, વિકસાવશો. કારણ કે જે જે તારક તત્ત્વ ગેરહાજર હોય તે સર્વને લાવવાનો પ્રામાણિક ઉદ્યમ કરવો તે જ સાચો આરાધકભાવ છે. જે ગેરહાજર હોય તેને લાવીએ તો જ હાજર હોય તે ફળદાયક બને. તપેલી, ગેસ, દૂધ, ખાંડ, ચાની ભૂકી, એલચી હાજર હોય છતાં માચીસબોક્ષ કે લાઈટર ન હોય તો “ચા” તૈયાર ન થાય. દીવાસળીની ગેરહાજરીથી જે હાજર છે તે દૂધ, તપેલી, ગેસ વગેરે પણ “ચા” બનાવવામાં પાંગળા સાબિત થાય છે. દીવાસળી આવે તો તે તમામ પરિબળ સાર્થક થાય. માટે જે કલ્યાણકર તત્ત્વ ગેરહાજર છે તે જ તારક તત્ત્વને સ્યાદ્વાદમાં પ્રધાન ગણવામાં આવેલ છે, જેથી તેને લાવવાનો પુરુષાર્થ થાય. આ રીતે જ આરાધકભાવ બળવાન બને તથા હાજર હોય તે શક્તિનું અજીર્ણ, અભિમાન વગેરે ન થાય. આ રીતે શુદ્ધ સ્યાદ્વાદને અપનાવીએ તો જ સ્વાધ્યાય સફળ બને. આ સાવધાની રાખીને સ્વાધ્યાયમાં રોજ ઉત્સાહ વધારશો.
૭૯