________________
સંયમના બે પ્રાણ
સમાધિ અને સ્વાધ્યાય એ બે સંયમજીવનના ભાવ પ્રાણ છે. તીર્થંકરનામકર્મ બંધાવનાર વીસ સ્થાનક પદમાંથી એક પદનું નામ છે સમાધિપદ. આ પદની આરાધનામાં બીજાને સતત સમાધિ આપતા રહેવાનું અને અસમાધિમાં બીજાને નિમિત્ત બનવાનું કાયમ ટાળતા જવાનું. “મારું પુણ્ય અને શક્તિ પહોંચે તો જ્યાં ક્યાંય પણ તક મળે ત્યાં બીજાને સમાધિ આપવા હું ઉછળતા ઉલ્લાસથી પહોંચી જાઉં. ભમરો જેમ ઉલ્લાસ અને ઉમંગથી ગુલાબના ફૂલ પાસે પહોંચી જાય છે તેમ જેને સમાધિની, સહાયની આવશ્યકતા હોય ત્યાં ઉત્સાહથી હું પહોંચી જાઉં. તથા મારી પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ એટલી જાગૃતિ રહે કે ભૂલે ચૂકે પણ બીજાની અસમાધિમાં નિમિત્ત બની ના જવાય. હા, એ ખાતર અપમાનો સહન કરવા પડે તો એ ય સહન કરું, ગાળો ખાવી પડે તો ગાળો ય ખાઉં, ગોચરી-પાણીમાં કે વસ્ત્ર-પાત્રમાં કદાચ પ્રતિકૂળતા વેઠવી પડે તો એ ય વેઠી લઉં. વગર ભૂલે નાના કે મોટા તરફથી ઠપકાઓ ખાવા પડે તો ખાઈ લઉં. પરંતુ ક્યાંય પણ બચાવ તો ના જ કરું, પ્રતિકાર તો ના જ કરું.” આવી વિચારસરણી જીવનમાં કેળવાઈ જાય અને એને પ્રેક્ટીકલ રીતે અપનાવીએ તો તેમાં સ્થાયી અને સુદૃઢ સમાધિપ્રાપ્તિના અમોઘ બીજ પડ્યા છે. સંયમજીવનનો સાચો રસાસ્વાદ કરાવવાની તાકાત ધરબાયેલી પડી છે.
એક વાત ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે કે સમાધિદાનના ઈનામમાં જેમ તીર્થંકરનામકર્મ બંધાય છે તેમ સંયમીને અસમાધિદાનની સજામાં દુર્ગતિઓની અને બોધિદુર્લભતાની પરંપરા સર્જાય છે. સમાધિ આપીને સમાધિ મેળવવી કે મનની અનાદિની સ્વચ્છંદતાને આધીન થઈને અસમાધિની ખાઈમાં આત્માને ધકેલી દેવો ? તેનો નિર્ણય આપણે જાતે જ કરવાનો છે.
૭૬