________________
એકમોટા પ્રભાવક આચાર્ય વિહાર કરી આવેલા. ૧૦ વર્ષીય બાલમુનિના પોતાના દફતરમાંથી બામ કાઢી તેની માલિશ કરતા. આવતી કાલના જિનશાસનનો સાધુ પ્રભાવક બને એની પાયાથી કેવી માવજત! એક સૂરિરાજ રાત્રે દંડાસણ લઈ ઉપર-નીચે માળે જાય. કોઈ સાધુના ઉપકરણ અસ્ત-વ્યસ્ત હોય તેને સરખા કરી કપડું ઢાંકી દે. મારાજ ગુરુદેવ ગુણસાગરસૂરિમાં આ ગુણ ખૂબ વિકસેલો. શિખરજી ચાતુર્માસે કર્મગ્રન્થના પાઠમાંથી મને ઉઠવું પડ્યું. સખત કમર દુઃખતી હતી. આસને સૂઈ ગયો. ગુરુદેવે જોઈ લીધું. અનુમાન કરી પોતાના પાટથી ઉઠી પોતાનો દાંડો લઈ મારી પાસે આવ્યા. મને ઊંધો સૂવડાવ્યો. હેજ મલમ લગાડ્યો અને પોતાના દાંડાનો આધાર લઈ મારી કમર દબાવી કહે સાધુ નાનો હોય કે મોટો હોય, પંચ પરમેષ્ઠી છે. એની રોજ માળા ગણીએ સેવામાં પાછા પડીએ એ પરમેષ્ઠીની આશાતના છે. મુંબઈ-શિખરજીનો સંઘ નાસિક પાસે ભયંકર ઠંડી. અમારા તંબુમાં એક કચ્છ લુણીના શ્રાવક સાથે જ રહે. દરેક શ્રમણોને સહાયક બને. રાત્રે ઠંડીમાં ધ્રુજતો હતો. ગુરુદેવની આંખ ખૂલી ગઈ. પોતે ઓઢેલા એ ઠંડીના ઉપકરણને લઈ એને ચૂપચાપ ઓઢાડી આવ્યા. એક ગચ્છાદિપદે રહેલામાં સહાયક કેવો ભારોભાર.
મોટા બનવાનું સારું છે પણ મહાન બનવાનું અતિ સુંદર છે. • એક મુનિની એવી ટેવ વિહાર નાનો હોય કે મોટો સહુથી છેલ્લે જ નીકળવાનું.
બધા નીકળ્યા પછી દરેક મુનિની જગ્યા, ગોચરીની જગ્યા જોઈ લે, ક્યાંક કોઈની ચીજ-ઉપકરણ ભૂલી ગયા હોય તો લઈ પ્રેમથી એ મુનિને આપે. કહે મને આટલો લાભ તો મળ્યો? નેમિસૂરિ સમુદાયમાં એક શ્રાવકે દીક્ષા લીધી. ક્ષયોપશમ ઓછો. પણ એના અંતિમ નિર્ધામણામાં ખાસ્સા બસો સાધુઓ ઉપસ્થિત. વધેલી ગોચરી કોઇની પણ હોય વિગઇવાળી હોય કે આયંબિલવાળાની હોય તરત પ્રેમથી લઈ વાપરી જાય. શરીર બંધારણ ભલે સારું પણ આ સહાયતાએ અનેકોના દિલમાં સ્થાન જમાવ્યું. ૐકારસૂરિ સમુદાયના પં. શ્રી કલ્પજ્ઞવિજયજી જશવંતપુરાના સેવાનો અને સહાયકતાનો એવો ગુણ વિકસાવેલો જોઈ અનુભવ્યો. જે આજ દિવસ લગી એ મહાત્મા પ્રત્યે હૃદયમાં અહોભાવ છલકાતો રહ્યો છે મનેય થાય કે મારામાં આ ગુણ ક્યારે ખીલવીશ...