________________
‘છલ કરી છકાયની તુજ વાણી વિણશી રે
હું તો છું અનાડી અનાદિનો, હું તો મોટો મેવાસી રે
મુજ સરીખા મેવાસીને તારો... આ આત્મારામજી મ.ના શબ્દો છે. વિરતિ વિનાનો શ્રાવક તપેલા લોખંડની લોઢી જેવો છે. જ્યાં ત્યાં હિંસા કરે. પહેલા અંતરને પૂછો પછી ભગવાન બનવાની વાત કરજો.
‘રાતનો ભૂલ્યો માનવી, દિવસે માર્ગે જાય, પણ દિવસે ભૂલ્યો માનવી ફિર ફિર ગોથા ખાય' ત્રણ ગતિમાં ભૂલો પડેલો મનુષ્યગતિમાં આવે છે અને મનુષ્ય ગતિમાં ભૂલો પડેલો પણ જો ગોથા ખાય તો સદ્ગતિ બહુ મુશ્કેલ બને છે. શ્રાવકને કસાઇની દુકાન પાસે જવાની ના પાડી છે. કારણ કે રોજ નજર સામે કપાતા જીવો જોતા મનના પરિણામો કઠોર થશે. પ્રભુ શાસનની અદ્ભુત વાતો છે. એક લાકડાના થાંભલામાં ખીલી પણ લગાડતા દાંત કચકચાવવાની મનાઇ છે. લાકડાને તકલીફ નથી પણ જડ પ્રત્યે કઠોર થતાં વખત જતાં જીવ પ્રત્યે કઠોર થવાની શક્યતા છે.
‘પ્રીતિ અનાદિની દુઃખભરી પર થકીજે તોડે તે પરમાત્મા સાથે જોડે.' દરજી કપડામાં થી શર્ટ બનાવતા પહેલા પ્રથમ કાપે પછી સીવે છે. સોયનું ગૌરવ કેમ વધ્યું? સાંધે છે માટે. સોય સાંધે કે પહેલા કાણા પાડે. જગતમાં કાણા પાડવાની તાકાત એનામાં જ હોય જેમાં સાંધવાની તાકાત હોય. કપડાના ચીંથરા અને રોટલાના ટુકડા ભલભલાને ભૂલાવી દે છે. જેટલું જાણો એટલું જુઓ. જેટલું જુઓ એટલા મરો. ગુરુભક્તિ-સાધર્મિક ભક્તિ સાધ્યભક્તિ છે. કેળવવાની વાત છે. બાહ્યદષ્ટિ પણ કેળવ્યા વિના અંતરદષ્ટિ ખૂલી શકતી નથી. બહાર રખડતો આત્મા પોતાના ઘરમાં એનો પગ ન ટકે. ભગવાને ચારિત્રનો માર્ગ બતાવી વિરાધનાના કેટલા દરવાજા બંધ કરાવ્યા. અમારે આત્મા સિવાય શેની ચિંતા? તમારે તો ખાવા-પીવા–રહેવાની-પહેરવાની ચિંતા જ ચિંતા. અધ્યાત્મ કલ્પદ્રુમમાં મુનિસુંદરસૂરિ મહારાજે કહ્યું છે, કે સાધુ, તારી બધી ચિંતા કરનાર સંઘમાં તું આત્માની ચિંતા નહીં કરે તો શ્રાવક કરતાંય પણ તું નીચે ઉતરી જઇશ. જેન કુળમાં જન્મ થવાથી ઘણા દરવાજા બંધ થઇ જાય છે. બાકી જે ખુલ્લા હોય તે બંધ કરો. બહાર કચરો છે અંદરમાં ગુણો છે. આજે બધાને બહાર જોવું છે. એના કારણે પુણ્યના દરવાજા પણ બંધ થયા. એક શ્લોક સંસારથી વિમુખ થવા માટે પૂરતો છે. કસાઇના ઘરમાં જે બકરો તગડો થાય ને પહેલા હલાલ થાય. મળી ગયેલા માન-સન્માન કસાઇના ઘરમાં રહેલ તગડો બોકડા બરાબર છે. આપણું લક્ષ શું છે? શું હોવું જોઇએ? લક્ષ્ય વિનાની રમત નકામી છે, ચિત્તની શુદ્ધિ કરો અને આત્માની ઉન્નતિ કરો. ચિત્તની મલીનતામાં રાગ-દ્વેષ, મારું-તારું, રીસ છે ઇર્ષ્યા છે. આ મલિન તત્વોથી ગંધાવાનું નથી. કોઇપણ ઉપાયે આરાધક બનીએ. માનવ જન્મને સફળ કરીએ.
૧૭૬