________________
સમજણનો ખંડ ખોલો...
દીવો જેમ દીવાસળીથી પ્રગટે છે અને તેલથી ટકે છે તેમ જીવનમાં ધર્મ સમ્યગ્દર્શનથી પ્રગટે છે અને સમ્યજ્ઞાનથી ટકે છે.
સાધના માટે સમ્યક્ આચારો જીવનમાં લાવવા પડે છે જ્યારે સમાધિ માટે મનને સમજણથી યુક્ત બનાવવું પડે છે.
જ્યાં સુધી દેહ વળગ્યો છે ત્યાં સુધી મોતનો ભય છે અને જ્યાં સુધી દોષ વળગેલા છે ત્યાં સુધી દુર્ગતિનો ભય છે.
વર્તમાનમાં જીવનમાં આવેલા જાલીમ દુઃખો ભૂતકાળના ભવોના ચિક્કાર પાપોની જાહેરાત છે.
સરોવરનું પાણી નદીમાં જવા તૈયાર છે પણ દિવાલ પ્રતિબંધક બને છે. તેમ આત્મા પરમાત્મા તરફ જવા તૈયાર છે પણ અહંકાર પ્રતિબંધક બને છે. સુખ માત્ર દેહ કેન્દ્રિત છે જ્યારે ગુણ માત્ર આત્મ કેન્દ્રિત છે. જીવનમાં વ્યાપેલા ઢગલાબંધ દોષો પાછળ બે મહત્વના કારણ કામ કરી રહ્યા છે. એક બાજુ જ્ઞાનની ઉપાસના નથી તો બીજી બાજુ જ્ઞાનની ચિક્કાર આશાતના છે.
• આપણી કરુણતા આ છે ઃ રોગ કાઢનાર ગમે છે પણ દોષ કાઢનારા પ્રત્યે હમદર્દીય જાગતી નથી.
શુદ્ધ અંતરંગ પરિણામ પામી મધ્યસ્થ બનો. ઉપાલંભ ન આવે એ રીતે રહો. બાલ્યાવસ્થાની ચપળતાનો ત્યાગ કરો.
પરમ કરુણા સભર, નજીકના સમયના મૂર્ધન્ય ગીતાર્થ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા ૧૬મા મધ્યસ્થતા અષ્ટક દ્વારા જીવન શણગાર-ગુણસત્કારની હિતશિક્ષા હિતોપદેશ રૂપે આપી ઉપકાર વરસાવી રહ્યા છે. જેને ચિત્તની સમાધિ રાખવી છે તેણે મધ્યસ્થ ભાવ કેળવવો જ પડશે. આખા જગતની ભાવના ‘સારા’ની હોય. બધાને સારું, જ ગમે છે. જગત પણ ‘સારા’નો ચાહક છે. પરમાત્મા પણ એ જ ઇચ્છે કે સારાને પકડો ને ખરાબ છોડો.
પરમાત્મા કહે છે કે તમારા અધ્યવસાય બગડ્યા છે માટે ખરાબ પકડો છો. ખરાબથી આત્માને બચાવતા રહો. મહાનિશીથ સૂત્રમાં જણાવ્યું છે કે જે પોતાના દોષની કબુલાત કરે છે તે વંદનીય છે. જે પોતાના પાપોનો ત્યાગ કરનાર છે તે પણ નમનીય છે અને જે પાપનો પાપ તરીકે સ્વીકાર કરે છે તે ય વંદનીય છે. આપણે આ ત્રણની કઇ સ્થિતિમાં, બોલો તો ખરા?
૧૧૫