________________
નિર્મમતા અને નિરગ્રંથતા એ તત્વદષ્ટિ છે.
છોડવાના વિચારો નીકળી જાય. સહજ ભૂલાઇ જવું જોઇએ. સામાયિકમાં સર્વ પદાર્થ ભાવો વિસરાય તો સમ્યકત્વ ભાવ આવે. નિશ્ચય ધર્મ પણ સરળ નથી. જે છોડીએ છીએ તેની સ્મૃતિ ભૂલવી જરૂરી છે. દીક્ષા લીધા પછી ઘર-સ્વજન ભૂલવા જ જોઇએ. આયંબિલ કરવું છે. છ વિગઇ છોડવી છે? પરમાત્માનું શાસન અદ્ભુત અને
અલૌકિક છે.
અધિકરણ છોડો, ઉપકરણ પકડો. ઉપકરણ છોડી છેલ્લે અંતઃકરણ પકડો અંતે તો અંતઃકરણ છોડી વિતરાગ ભાવમાં આવો. ભગવાનના ભક્ત બનવા આ જ જરૂરી છે. વીતરાગ બનવા રાગ છોડવો જ પડે. દેવ ગુરુને એટલા માટે પકડયા છે કે વીતરાગ બનીએ. છેક છેલ્લે તો એને પણ છોડવાનું છે. ગુણસ્થાનકનો વિકાસ વ્યવહારધર્મની સ્થાપનાથી શરૂ થાય છે. ચાર પ્રકારનો ધર્મ છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ.
એક ભાઇની ચાર દુકાન - શાકભાજીની દુકાન ન જામે તો કરિયાણાની દુકાન જામે એ ન જામે તો કાપડની દુકાન જામી જશે. છેવટે કાપડની ન જામી તો જ્વેલરીની દુકાનમાં કમાણી થશે. શાકની ખોટ કરિયાણાની દુકાન પૂરી કરે એની ખોટ કાપડની દુકાન ભરે, કાપડની ખોટ જવેરાતની દુકાન ભરે. સમ્યક્દર્શન જ્વેલરીની દુકાન જેવું છે. બધી ખોટ ભરપાઇ કરી દે. ચારિત્ર-તપ-જ્ઞાન ઘણીવાર કર્યા. સમ્યક્દર્શન પામવાની મહેનત કેટલી?
બધું ભલે જાય પણ સમકિતને ન જવા દેજો. દર્શન વિનાના ચારિત્રની કિંમત કેટલી? જાણવામાં આપણને રસ છે તેટલો જાણી ચૂક્યા છે તેને સમર્પિત થવામાં છે? સમર્પણ નથી તેથી થાપ ખાઇ ગયા છીએ. મનને ગમે અને કાનને ગમે તેવાં સાંભળનારા ઘણાં પણ અંતઃકરણથી ટચ થાય તેવું સાંભળનારા ઓછા. આપણી પાસે તત્વટષ્ટિ નથી ચામડીની દૃષ્ટિ છે. જે દૃષ્ટિથી આત્મા પર અનુરાગ થાય તત્વનો બોધ થયો છે એની દૃષ્ટિથી આપણે જોઇએ તે તત્વદષ્ટિ અને જે દૃષ્ટિથી જડ-પુદ્ગલ પર અનુરાગ થાય તે ચામડાની દૃષ્ટિ.
કોઇપણ નાનો બાળક અગ્નિ પાસે જતાં કોની દૃષ્ટિથી બચે? શરીરનો વિકાસ મા-બાપની દૃષ્ટિથી થાય છે જ્યારે જીવનનો વિકાસ ગુરુની દૃષ્ટિના કારણે થાય છે. આપણી પાસે દૃષ્ટિ જેવું કંઇ રહ્યું છે? ન જાણવા છતાં જાણવાનો ઢોંગ કરવો તે દંભક છે. મોટા દોષોથી ભરેલા હોઇએ તો ક્યારેય કોઇના લાઇન વગરના દોષોની ચર્ચા ન કરવી. દૃષ્ટિ સિમીત છે. પદાર્થનું સમ્યક્દર્શન અટકાવનારા બે પરિબળો છે.
૧) ઇષ્ટની મલિનતા
૨) દૃષ્ટિની મર્યાદા