________________
સંપાદકીય |
છેલ્લા થોડાં વર્ષોથી ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષમાં એક વખત ગાંધી વિશેષાંક પ્રગટ કરતું રહ્યું છે. પરંતુ ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે દળદાર ગાંધી વિશેષાંક પ્રગટ કરવાનું નક્કી કરી, એ અંકનું અતિથિ સંપાદક તરીકે મારે સંપાદન કરવું એવું ઠરાવીને, મને એ કામ સોંપ્યું, એ માટે હું શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને ‘પ્રબુદ્ધ જીવન' ના માનદ તંત્રી ડૉ. સેજલબહેન શાહનો ઋણી છું. હું એ સૌનો અંતઃકરણથી આભાર માનું છું. | આ વર્ષ એમની સાર્ધશતાબ્દીનું વર્ષ હોઈ અનેક સામાયિકો વિશેષાંકો અથવા વિશેષ લેખો પ્રગટ કરે એ સ્વાભાવિક છે. એ સંજોગોમાં ગાંધીજીના જીવન અને કાર્ય વિશે નવેસરખી પ્રકાશ પાડે એવા લેખો મેળવી આ અંકનું સંપાદન કરવું એમ વિચારીને મેં આ અંકમાં, કેટલાંક આગલી પેઢીના અને કેટલાંક હાલની પેઢીના લેખકોને વિનંતી કરીને, લેખો મેળવીને પ્રગટ કરવાનું ગોઠવ્યું છે.જેથી એની અધિકૃતતા અને પ્રમાણભૂતતા જળવાય. - આ હેતુથી ગાંધીજીના દામ્પત્યજીવન, કુટુંબ પ્રેમ અને નેતૃત્વ વિશેના લેખો એમના કુટુંબીજનો પાસેથી મેળવ્યા છે. ગાંધીજી અને વિનોબા વિશેના લેખ પણ એમના કુટુંબી પાસેથી મળયા છે. જ્યારે ગાંધીજી અને ટૉલ્સ્ટોય, ગાંધીજી અને રસ્કિન વિશેના લેખો ડૉ. દાંતવાલા, મનુભાઈ પંચોળી અને ચિત્તરંજન વોરા જેવા ગાંધી અભ્યાસીઓ પાસેથી મેળવ્યા છે. - ગાંધીજીના વિચારો અને ચિંતનને નવેસરથી મૂલવવા એ વિષયને સામાજિક ચિંતન, આર્થિક ચિંતન, શૈક્ષણિક ચિંતના, આરોગ્ય ચિંતન અને દાર્શનિક ચિંતન - એમ અલગ અલગ વિભાગમાં વહેંચીને ડૉ. વિદ્યુત જોશી, ડૉ. રોહતિ શુક્લ, ડૉ. શાસ્ત્રી જયેન્દ્ર દવે, શ્રી રમેશ સંઘવી જેવા વિદ્વાનો પાસે લેખો તૈયાર કરાવ્યા છે. એ લેખોમાં ગાંધીજીના એ વિષય વિશેના વિચારો શા હતા અને આજના સંદર્ભમાં એની પ્રસ્તુતતા કેટલી છે, એ સ્પષ્ટ થાય એવો દૃષ્ટિકોણ રાખ્યો છે.
ત્યારબાદ સાહિત્યકાર ગાંધી, પત્રકાર ગાંધી, કર્મયોગી ગાંધી, વકીલ ગાંધી એમ જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં એમણે કરેલી કામગીરી અને એમાં એમની લાક્ષણિકતા કેવી છે એ બાબત ઉપસાવવાનો ખ્યાલ રાખી યશવંત શુક્લ, ડૉ. સેજલબેન શાહ, ડૉ. મૃદુલાબેન મારફતિયા, ભાસ્કર તન્ના જેવા આરૂઢ અભ્યાસીઓની સહાય લીધી છે. - ગાંધીજીએ આપેલું રોજિંદા જીવનનું વ્યાકરણ, એમણે પ્રબોધેલા મહાવ્રતો, એમનો વિજ્ઞાન તરફને અભિગમ, એમનું ભાષાકર્મ, એમની સ્ત્રીઉન્નતિ અને શક્તિકરણની પ્રવૃત્તિ, એમની દષ્ટિએ વિશ્વશાંતિ સ્થાપવાનો માર્ગ વગેરે વિષયો ઉપર આચાર્ય નગીનદાસ પારેખ, મનસુખ સલ્લા, ડૉ. પંકજ જોશી, ડૉ. રમેશ ત્રિવેદી, ઉષાબેન ઠક્કર, ડૉ. બ્રહ્માનંદ સત્યથી જેવા વ્યુત્પન્ન વિદ્વાનોના લેખો સમાવ્યા છે. - ગાંધીજીએ કરેલા વિપુલ લેખનમાંથી ‘હિંદસ્વરાજ’ ‘સત્યના પ્રયોગો’ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' અને ‘મંગળપ્રભાત' જેવા ચાર અગત્યના ગ્રંથો વિશે ડૉ. અવધેશ કુમાર સિંહ, ડૉ. ચંદ્રકાન્ત શેઠ, અને ડૉ. હેમંત દવે જેવા મૌલિક વિચારકોના લેખો મેળવીને લીધા છે. | છેલ્લે ગાંધીજી વ્યક્તિમત્તા અને અધ્યાત્મદર્શન વિશે બે લેખો મેં લખ્યા છે પરંતુ ગાંધીજીના વ્યક્તિત્વ અને કૃતિત્વનો સમીક્ષાત્મક દૃષ્ટિએ પરિચય મળે એ હેતુથી મંજુબેન ઝવેરી અને બાર્નોલ્ડ ટોયલ્બીના લેખો સમાવ્યા છે. એમની દોઢસોમી જન્મજયંતિ આપણે સૌ ઉત્સાહપૂર્વક સાર્ધશતાબ્દી ઉજવીએ તો શા માટે અને કેવી રીતે ઉજવીએ એ વિશે ડૉ.ચંદ્રકાન્ત શેઠનો દ્યોતક લેખ સમાવ્યો છે. | છેલ્લે ગાંધીજીના જીવનની સાલવારી આપી છે અને એમનું કુટુંબવૃક્ષ પણ દર્શાવ્યું છે. ગાંધીજી વિશે સેંકડો પુસ્તકો અનેક ભાષાઓમાં લખાયાં છે, એટલે એ બધાં પુસ્તકોની વિસ્તૃત સૂચિ આપવાનું કામ તો ઘણું અધરૂં બને, એટલે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખાયેલાં કેટલાંક જૂનાં અને કેટલાંક નવાં ચૂંટેલાં પુસ્તકોની સૂચિ મૂકવાની ઇચ્છા હતી, પરંતુ સામાયિકની પૃષ્ઠસંખ્યાને લક્ષમાં લેતાં એ વિચાર પડતો મૂક્યો છે. - ગાંધીજીએ કરેલાં આંદોલનો, એમણે આપેલા રચનાત્મક કાર્યક્રમો, એમણે લખેલા પત્રો, એમણે યોજેલાં પ્રતીકો, એમના નેહરુ, સરદાર, જિન્હા, . આંબેડકર સાથેના સંબંધો, એમનો વૈશ્વિક પ્રભાવ વગેરે વિષયો વિશે પણ આ અંકમાં લેખો સમાવવા હતા. એ માટે કેટલાક વિદ્વાન મિત્રોને કામ પણ સોંપ્યું હતું. પરંતુ એક યા બીજા કારણસર તેઓ લેખ લખીને આપી શક્યા નથી.
(સત્ય-અહિંસા-અપરિગ્રહ
પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮