________________
એક દિવસ ભોજરાજા ધનપાળને સાથે લઈ શિવનાં દર્શન કરી બારણે નીકળતાં શિવના બ્રગી નામના દુર્બળ ગણને (સેવકને) જોઇ ધનપાળને પૂછ્યું કે આ સેવક આટલો બધો દુર્બળ કેમ થયો હશે ? તેના ઉત્તરમાં ધનપાળે કાવ્ય કહ્યું કે આ સેવકના અંતરમાં આ પ્રકારની નિરંતર ચિંતા બળે છે કે આ શિવ દિગમ્બર રહે છે, તેને કોઈ લુંટે એમ નથી તેમ છતાં પણ ધનુષ કેમ ધારણ કરે છે ? અને એમ કરતાં કદાપિ ધનુષ રાખે તો ભભૂતિ ચોળવાનું શું પ્રયોજન છે? અને કદાચિત્ ચંદન વિગેરે લેપથી વૈરાગ્ય પામીને રાખ ચોળે છે તો સ્ત્રીનું શું કામ છે ? ને એમ કરતાં એમને સ્ત્રી વિના ન ચાલતું હોય તો કામ દેવ સાથે દ્વેષ શું કરવા રાખે છે ? આ પ્રકારના પોતાના સ્વામીનું પરસ્પર વિરુદ્ધ ચેષ્ટિત દેખી તેની ચિંતામાં ને ચિંતામાં ગુંથાયેલો આ બિચારો સેવક, શરીરમાં નસો તથા હાડકાં દેખાય એવો દુબળો પડી ગયો છે. શિવ ત્યાગી છે કે ગૃહસ્થ એમ પૂછનારને ઉત્તર શો આપવો ? - વળી શિવના ભક્ત તો નવા ગ્રંથનો આરંભ આ પ્રકારની સ્તુતિ કરી કરે છે – “રાખ ચોળવાથી શોભતું શિવજીનું શરીર પાર્વતીનો હસ્ત મેલાપ કરતી વખતે રોમાંચિત થયું માટે તે ઉપર કવિ ઉસ્પેક્ષા કરે છે કે કામને બાળ્યો તે જ રાખ શિવજીએ શરીરે ચોળી હતી માટે પાર્વતીના હસ્ત સ્પર્શથી કામદેવ જાણે તે જ રાખમાંથી રોમરોમ ફુટી નીકળ્યો હોય તેમ જે શરીરનો દેખાવ પરણતી વખતે છે તે જયવંત વર્તો.
વિવાહ વિગેરે શુભ કાર્યમાં ગાયનું દાન, પૂજન, વંદન વિગેરે બહુમાન થાય છે એ પણ એક અંધ પરંપરા જ છે કેમકે હે રાજન્ કૂતરાની પેઠે અપવિત્ર એટલે વિષ્ટાનું પણ ભક્ષણ કરતી ને પોતાના પુત્ર સાથે અતિ આસક્ત થઈ કામસેવન કરતી ને ખરીયોથી તથા શિંગડાંથી જંતુનો નાશ કરતી, એમ ઘણા દોષથી ભરપુર ગાય કયા ગુણથી વંદન કરવા યોગ્ય છે ?
વળી દૂધ આપવાના બળથી ગાય વંદનીય હોય તો “ભેંશ કેમ વંદનીય ન હોય”. ભેંશથી લગાર પણ ગાયમાં વિશેષ ગુણ દેખાતો નથી. બન્નેમાં પશુ ધર્મ બરોબર છે.
ઇત્યાદિ સુંદર વાણીના ચાતુર્યથી રાજાને રંજન કરતો ધનપાળ કવિ બેસે છે એટલામાં કોઈક વહાણવટિયો વેપારી દ્વારપાળ સાથે પોતાની ખબર મોકલી આજ્ઞા પામી સભામાં આવી નમસ્કાર કરી મેણપટ્ટી (શિલા વિગેરે વસ્તુ ઉપર કોતરેલા અક્ષરો લેવા મેણથી કરેલી યુક્તિ વિશેષ તે)માં ઉતારેલાં પ્રશસ્તિનાં કાવ્ય રાજાને દેખાડ્યાં. તે જોઇ રાજાએ પૂછ્યું કે આ ક્યાંથી મળ્યાં છે. તે સાંભળી પેલો પુરુષ બોલ્યો કે હે રાજન્ ! સમુદ્રમાં મારું વહાણ ઓચિંતુ અટક્યું. તેનું કારણ શોધાવતાં ખબર પડી કે અતિશય ઉંડા જળની અંદર એક શિવ મંદિર હતું પણ તેને થોડો પણ જળ સ્પર્શ થતો નહિ. મહાપ્રતાપી તે મંદિરની ભીંત પર અક્ષરો લખેલા છે એમ સાંભળી ત્યાંથી મેણપટ્ટી વડે ગ્રહણ કરેલી સુંદર અક્ષર વાળી આ પટ્ટિકા છે. આ પ્રકારનો વૃત્તાંત સાંભળી રાજાએ તેના ઉપર માટીની બીજી પટ્ટિકા દબાવી તેમાં ઝીલાયેલ કાવ્ય પંડિતો પાસે વંચાવ્યાં. તેનો અર્થ : (૧) ગોવર્ધન સપ્તશતી ગ્રંથનું મંગલાચરણ.
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
૮૯