________________
કુમારપાળરાજાનો પ્રબન્ધ
આ રાજાની ઉત્પત્તિ પણ મોટા ભીમદેવથી ચાલી આવેલી છે. જ્યારે મોટો ભીમદેવ અણહિલપાટણમાં રાજય કરતો હતો ત્યારે એ શહેર લક્ષ્મીથી ભરપુર હતું. તેમાં ચલાદેવી નામે એક પ્રસિદ્ધ વારાંગના રહેતી હતી. તે ઘણી રૂપાળી તથા ગુણવંતી હતી. જો કે તે ગણિકા હતી તો પણ ધર્મ મર્યાદા એવી પાળતી કે પતિવ્રતા સ્ત્રીને પણ અતિક્રમણ કરે. આ વાત લોકમાં ઘણી ચર્ચાવાથી, રાજાને કાને પડી. તેનો વિચાર કરી તે વાતની પરીક્ષા કરવા, રાજાએ સવા લાખ રૂપીઆની કટારી સેવકો સાથે મોકલી, એ ગણિકાને ગીરવે લીધી. પ્રાચીન કાળમાં ગણિકાઓનો વ્યાપાર બે પ્રકારનો ગણાતો હતો. એક બંધીનો તથા બીજો છૂટીનો. તેમાં બંધીનો ઉત્તમ ગણાતો હતો, કેમકે અમુક દ્રવ્યથી અમુક કાળ સુધી પોતાના આશકની જ આજ્ઞામાં રહે. એ પ્રકારે એ ગણિકાને ગીરવે રાખી. એ બંધી પ્રમાણે બરાબર વર્તે છે કે નહીં ? તેની ચર્ચા જોવા, ભીમદેવે પોતાનાં કેટલાંક ગુપ્ત માણસો તેની દેખરેખ માટે રાખ્યાં. તે જ રાત્રે એવો પ્રસંગ બન્યો કે, રાજાને માળવા જીતવાનું શુભ મુહૂર્ત સાધવા શહેર બહાર પ્રસ્થાન કરવાની જરૂર પડી અને બીજે દિવસે મોટા લશ્કર સહિત રાજા માળવે ગયો. માળવાનો રાજા પણ મહા પરાક્રમી હતો, તેથી યુદ્ધ બે વર્ષ સુધી જારી રહ્યું અને ભીમદેવથી પાટણ આવી શકાયું નહીં.
હવે ભીમદેવે ગીરવે રાખેલી ચલાદેવીએ બે વર્ષ સુધી, કોઈ પણ પુરુષ સામું ન જોતાં, પોતાનું શીળવ્રત પતિવ્રતાની માફક પાળ્યું. જ્યારે મહા પરાક્રમી ભીમદેવ માળવા જીતીને પાછો પાટણ આવ્યો ત્યારે, ચલાદેવીને ગીરવે રાખવાની વાત યાદ આવી, તેથી તેની દેખરેખ માટે રાખેલા સેવકોને તેના સમાચાર પૂછ્યા. તેઓએ તેનાં ઘણાં વખાણ કરી કહ્યું કે, એ ગણિકા આપની ઉપર જ નિષ્ઠા રાખી રહી છે. અમોએ કોઈ પ્રકારનો દોષ તેનામાં જોયો નથી. રાજાએ આવી રીતનું સેવકોનું કહેવું સાંભળવાથી તથા શહેરના લોકોમાં પણ તેની ઘણી કીર્તિ ચાલવાથી, રાજાનું મન ચલાદેવી તરફ વિશેષ ખેંચાયું, તેથી અત્તે તેને પોતાના અંતઃપુરમાં સ્ત્રી કરીને રાખી.
કુમારપાળરાજાનો પ્રબન્ધ
૧૪૭