________________
માટે આપ વ્યાજબી રીતે વિચાર કરી જુઓ કે સૂર્યના ખરા ભક્ત અમે છીએ કે રાત્રિએ ભોજન કરનારા આ બ્રાહ્મણો છે ? આ પ્રકારે જવાબ આપી તે બ્રાહ્મણનો પરાજય કર્યો.
વળી એક દિવસ રાજા દેવપૂજામાં બેઠા છે, તે વખતે હેમચંદ્રાચાર્ય પોતાના યશશ્ચંદ્રગણી નામે શિષ્ય સહિત આવ્યા. શિષ્ય બેસવાની જગાએ રજોહરણથી પૂંજીને કામળ પાથરી. તે ઉપર હેમચંદ્રાચાર્ય બેઠા. ત્યારે કુમારપાળે પૂછ્યું કે આવી ઉજવળ સ્વચ્છ ભૂમિને રજોહરણથી વાળવાનું શું પ્રયોજન છે? ત્યારે આચાર્ય બોલ્યા કે, કદાપિ કોઈ સૂક્ષ્મ જીવજંતુ હોય તો તે દબાવા ચંપાવાથી કષ્ટ પામી મરણ ન પામે, માટે અમારો એવો આચાર છે, કે જમીન પૂંજીને જ બેસવું. ત્યારે રાજા બોલ્યો કે હા એ ખરી વાત છે; પણ જો કોઈ જીવ જંતુ જોવામાં આવે ત્યારે એમ કરવું એ તો વ્યાજબી છે પણ કાંઈ પણ જીવજંતુ જોવામાં ન આવે તો પણ એવી રીતે પુંજીને બેસવું એ પ્રયાસ મિથ્યા છે. આ પ્રકારે રાજાનું વચન સાંભળી, હેમાચાર્ય રાજાને ખોટું ન લાગે એમ યુક્તિથી બોલ્યા કે રાજા લોકો હાથી, ઘોડા તથા લશ્કર વિગેરે જે રાખે છે તે શું જ્યારે કોઈ દુશ્મન સામો લડવા આવે છે ત્યારે જ રાખે છે ? ના, તેનો તો પ્રથમથી જ સંગ્રહ કરવો પડે છે. એ પ્રકારે જેમ રાજવ્યવહાર છે, તેમજ અમારા ધર્મ વ્યવહારમાં પણ પ્રથમથી જ સાવચેત રહેવું પડે છે; આ વચન સાંભળી રાજા ઘણો પ્રસન્ન થયો અને હેમચંદ્રાચાર્યના ગુણ દેખી હંમેશાં સ્નેહ વધારતો ગયો. ત્યાર પછી પૂર્વ અવસ્થામાં કુમારપાળે હેમચંદ્રાચાર્યને રાજય અર્પણ કરવાનું કહ્યું હતું, તે વાત સંભારી રાજા બોલ્યો કે હે મહારાજ આ રાજ તમે કરો તો હું તમારો સેવક થઈ રહું. ત્યારે આચાર્ય બોલ્યા કે, અમારે ત્યાગીને રાજ્ય લેવું એ સર્વ શાસ્ત્રથી વિરુદ્ધ છે. એમ કહી અન્યદર્શન તથા સ્વદર્શનના કેટલાંક પ્રમાણ આપી એક શ્લોક કહ્યો તેનો અર્થ શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન્ ! જેમ દગ્ધ થયેલાં બીજ ઉગતાં નથી તેમ રાજાનો પ્રતિગ્રહ કરનાર બ્રાહ્મણને ફરીથી બ્રાહ્મણપણું મળતું નથી અર્થાત્ રાજાનું આપેલું લેવાથી ઘણું પાપ લાગે છે.
આ મહાભારત તથા પુરાણનું વચન છે. વળી જૈન શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સાધુએ (રાજપિંડ) રાજાના ઘરની ભિક્ષા ન લેવી. બીજા ગૃહસ્થની લેવી. ઇત્યાદિક બોધ વચનથી રાજાના ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરતાં હેમચંદ્રાચાર્ય રાજાની સાથે પાછા પાટણ આવ્યા.
એક દિવસ કુમારપાળે હેમચંદ્રાચાર્યને પૂછ્યું કે હે મહારાજ ! મારો યશ કલ્પાંત કાળ (એટલે જગતનો પ્રલય) થાય ત્યાં સુધી સ્થિર રહે એવી યુક્તિ બતાવો ત્યારે હેમચંદ્રાચાર્ય બોલ્યા કે, વિક્રમ રાજાની જેમ જગતને રૂણ રહિત કરવાથી અને શ્રી સોમેશ્વર મહાદેવનો કાષ્ટમય પ્રાસાદ સમુદ્ર કિનારા ઉપર હોવાથી મોટા મોજાઓ વડે ખવાઈ ગયો છે તેનો જીર્ણોદ્ધાર કરવાથી આપની કીર્તિ યુગાંતકાળ સુધી રહેશે. આ પ્રકારે ચંદ્રના કિરણ જેવી હેમચંદ્રાચાર્યની શાંત વાણી સાંભળી કુમારપાળને ઘણો આનંદ થયો અને તે વખતથી એ મારા પિતારૂપ, ગુરુરૂપ તથા પરમ ઇષ્ટ દેવરુપ તથા મિત્રરુપ છે એમ માનવા લાગ્યો હવે એને બ્રાહ્મણોના વચન ઉપરથી આસ્થા ઉઠી ગઈ. પછી
૧૫૬
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર