________________
પછી મહાવતે હાથીને દોડાવ્યો તે જોઇ પેલો ઉમાપતિ ઉચે સાદે બોલ્યો કે એક ક્ષણમાત્ર હાથીનો વેગ બંધ રાખ. મારે રાજાને કાંઇક કહેવું છે. પછી મને સુખેથી મારજે. આ પ્રકારનું વચન સાંભળી મહાવતે હાથી ઉભો રાખ્યો ત્યારે ઉમાપતિધર એક શ્લોક બોલ્યો. તેનો અર્થ :
સ્મશાનમાં શિવ નગ્ન રહે છે અને શરીરે રાખ ચોળે છે વળી પોઠીયા ઉપર ચડી બેસે છે, સર્પ સાથે લીલા કરે છે તથા લોહી નીતરતું હાથીનું ચામડુ ઓઢી નાચે છે. ઇત્યાદિ આચરણથી આચારભ્રષ્ટ છે તો પણ તે જ શિવ ઉપર જેમને રાગ બંધાયો છે તે કાંઈ કહી શકતા નથી એવા સપુરુષ જેના ગુરુ છે તેને આ કરવું ઘટે ? આ પ્રકારે ઉમાપતિના વચનરૂપી અંકુશ વડે રાજાનો મનરૂપી હાથી વશમાં આવ્યો. તેથી જ્ઞાન ઉત્પન્ન થયું. કે ગુરુહત્યા કરવી એ ઠીક નહીં એમ વિચાર કરતાં પોતાના નિંદિત આચરણનો પશ્ચાત્તાપ કરી હળવે હળવે તે વ્યસનને મૂકી પોતાના આત્માની ઘણી નિંદા કરી. રાજાએ તે જ ઉમાપતિધરને ફરીથી પ્રધાન પદવી આપી. આ પ્રકારે લક્ષ્મણસેન રાજા ને ઉમાપતિધર પ્રધાનનો પ્રબન્ધ પૂરો થયો.
કાશી નગરીમાં જયચંદ નામે રાજા, ઘણી રાજય લક્ષ્મીનું પાલન કરતો હતો પણ પંગુ (પાંગળો) એવું બિરુદ ધારણ કરતો. કારણ કે જેમ પાંગળો બે હાથમાં બે લાકડીઓનું અવલંબન કરે તેમ એ રાજાને લશ્કર ઘણું હોવાથી ગંગા નદી તથા યમુના નદીનું અવલંબન કર્યા વિના કોઈ જગ્યાએ જઈ શકાતું નહીં. ત્યાં કોઈ શાળાપતિ નામના પુરુષની સૂણવદેવી નામે, એવી તો રૂપાળી સ્ત્રી હતી કે જેની ઉપમા ત્રણ લોકમાં મળે તેમ ન હતી. તે સ્ત્રી, એક દિવસ ઉનાળાના સમયમાં જળક્રીડા કરી ગંગાજીને કાંઠે ઉભી ઉભી ચારે પાસ પોતાના ચંચળ નેત્રબાણ ફેંકતી હતી. તે વખતે સર્પના માથા ઉપર બેઠેલા ખંજન નામે પક્ષીને જોઇ, આ અસંભવિત શુકનનું ફળ, કોઈ બ્રાહ્મણને પૂછું. એમ વિચાર કરે છે, એટલામાં સ્નાન કરવા આવેલા કોઈ વિદ્વાન બ્રાહ્મણને દેખી તેના પગમાં પડી નમસ્કાર કરી તે શુકનનું ફળ પૂછ્યું ત્યારે તે બ્રાહ્મણ પણ જયોતિષશાસ્ત્રમાં ઘણો હોશિયાર હોવાથી એમ બોલ્યો કે, જો તું મારી આજ્ઞામાં નિરંતર રહે તો એ શુકન સંબંધી સઘળું ફળ તને કહી સંભળાવું. પછી તે સ્ત્રી, ચતુર હોવાથી એમ બોલી કે, મારા પિતા સમાન તમને ગણી, જે તમે આજ્ઞા કરશો તેને હું માથે ચડાવીશ. આ પ્રકારની પ્રતિજ્ઞા પૂર્વક તે સ્ત્રીનું વચન સાંભળી બ્રાહ્મણ બોલ્યો કે, તું આજથી સાતમે દિવસે આ જ નગરના રાજાની મોટી પટ્ટરાણી થઈશ. એમ કહી તે બ્રાહ્મણ તથા તે સ્ત્રી પોત પોતાના સ્થાનમાં ગયાં. હવે તે બ્રાહ્મણે નિશ્ચય કરીને કહેલા દિવસમાં એ નગરનો રાજા રાજપાટિકાથી પાછો વળતા કોઈ રસ્તા પર આભૂષણથી ઉભરેલી અપાર સુંદરતાથી ભરપૂર તે સ્ત્રીને દેખતાં જ રાજાનું ચિત્ત એટલું બધું આસક્ત થયું કે પોતાના દેહનું પણ ભાન વિસરી ગયો ને ચાકરને પૂછ્યું કે હું ક્યાં ઉભો છે? ઈત્યાદિ બોલ્યો. એ રીતે કામદેવની અવસ્થામાં પડેલા રાજાએ તત્કાળ એ સ્ત્રીને અંગીકાર કરી પોતાની અતિશય વ્હાલી પટરાણી કરી. ત્યાર પછી તે સ્ત્રીએ પેલા બ્રાહ્મણને પ્રતિજ્ઞાપૂર્વક કહેલું છે તે વાત સઘળી સંભારી રાજાને નિવેદન
જુદાં-જુદાં પ્રબન્ધો
૨૦૫