Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
(૧) પાઠ
હસ્તપ્રતનું લખાણ સામાન્ય પણે માંગલિક શબ્દોમાં અને સંકેતોથી શરૂ થઈ માંગલિક શબ્દો અને સંકેતોથી પૂર્ણ કરવામાં આવે છે. કાળાંતરે લેખન શૈલીમાં પરિવર્તન થતું જોવા મળે છે. વિક્રમની ૧૪મી-૧૫મી સદીમાં પ્રતની મધ્યમાં ચતુષ્કોણિય ફુલ્લિકા-ખાલી સ્થાન જોવા મળે છે. જે મૂળ તો તાડપત્રોમાં દોરી પરોવવા માટે ખાલી જગા છોડવાની પ્રણાલીના અનુકરણરૂપે ગણાય. પછીથી આ આકૃતિ કાળક્રમે વાવનાં પગથિયાં જેવા આકાર ધારણ કરીને ધીરે ધીરે લુપ્ત થતી ગઈ છે. શૈલીની જેમ લિપિ પણ પરિવર્તનશીલ રહે છે. પડીમાત્રા, પૃષ્ટમાત્રાનું શિરોમાત્રામાં પરિવર્તન એ ખાસ તફાવત રહ્યો હોય તેમ જાણવા મળે છે. અભ્યાસના આધારે પ્રતના આકાર-પ્રકાર, લેખનશૈલી તથા અક્ષર પરિવર્તનના આધારે કોઈ પણ પ્રત કઈ સદીમાં લખાયેલ છે તે જાણી શકાય છે. (૨) પત્રાંક
તાડપત્ર અને તેના પછી કાગળની શરૂઆતના યુગમાં પત્ર ક્રમાંક બે પ્રકારે લખાયેલા જોવા મળે છે. ડાબી અને જમણી બન્ને બાજુ તેમ જ શતક, દશમ અને એકમ એમ સામાન્ય અંકોમાં પૃષ્ઠાંક લખાયેલ જોવા મળે છે.
(૩) પ્રત શુદ્ધિકરણ
પ્રત લખતી વખતે ભૂલ ન રહી જાય તે માટે જરૂરી સતર્કતા રાખવામાં આવતી હતી. પ્રત લખાયા બાદ તે પ્રતને પૂર્ણરૂપે વાંચીને અશુદ્ધ પાઠને ભૂંસીને સુંદર રીતે છેકીને કે છૂટી ગયેલ પાઠોને ‘હંસ પાદ’ વગેરે જરૂરી નિશાની સાથે પંક્તિની વચ્ચે અથવા બાજુના હાંસિયા વગેરે જગામાં ઓલી પંક્તિ ક્રમાંક સાથે લખી દેતા હતા. પાઠ ભૂંસવા માટે પીંછી, તુલિકા, હરતાલ, સફેદો, ગેરૂ વગેરેનો ઉપયોગ થતો હતો.
(૪) વાંચન ઉપયોગી સંકેતો
હસ્તપ્રતોના લખાણમાં શબ્દોની વચ્ચે-વચ્ચે અત્યારની જેમ ખાલી જગ્યા મુકાતી ન હતી, પણ સળંગ લખાણ લખવામાં આવતું હતું. વાચકોની સરળતા માટે પદો ઉપર નાની-નાની ઊભી રેખા કરીને પદચ્છેદ દર્શાવતા હતા. પ્રત વાંચનની સરળતા માટે ઝીણા અક્ષરો વડે શબ્દો પર નિશાની કરવામાં આવતી હતી.
અક્ષર
સામાન્ય પણે વાંચવામાં સુગમતા રહે એ રીતે મધ્યમ કદના અક્ષરોમાં પ્રતો લખાતી હતી, પણ પ્રતના અવસૂરિ, ટીકા વગેરે ભાગો તથા ક્યારેક આખેઆખી પ્રતો પણ ઝીણા સૂક્ષ્મ અક્ષરોથી લખાયેલ મળે છે, કે જેનું વાંચન પણ આજે સુગમ નથી. બારસા સૂત્ર જેવી પ્રતો મોટા-સ્થૂલાક્ષરોમાં પણ લખાયેલી જોવા મળે છે.
ચિત્રમય લેખન
કેટલીક પ્રતોમાં લખાણની વચ્ચે અનેક પ્રકારના ચોરસ, ત્રિકોણ, ષટ્કોણ, છત્ર, સ્વસ્તિક, અગ્નિશિખા, વજ્ર, ડમરું, ૐ, હ્રીં વગેરે આકૃતિ ચિત્રો દોરવામાં આવતાં હતાં. આવા પ્રકારનાં ચિત્રો
૧૨