________________
ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ના સંકલનની વેળાએ પ્રાસ્તાવિક
અનાદિ અનંતકાળથી ભવાટવીમાં ભ્રમણ કરતા જીવ માત્રની ઝંખના સુખ છે, પરંતુ જીવની કરુણ સ્થિતિ એ છે કે સાચું સુખ મળે ક્યાં તેની ખબર નથી માટે જ પરિભ્રમણ ચાલુ છે. પુણ્યસંયોગે આર્યદેશ-આર્યકુળમાં જન્મ પામતા ધર્મથી સુખ મળે છે. ધર્મ જીવનમાં કરવા જેવો છે વગેરે શબ્દો કાને અથડાતા. પરંતુ ખરેખર ધર્મ એટલે શું ? ધર્મ કોને કહેવાય ? What is the religion જીવની જિજ્ઞાસાને કા૨ણે થોડી થોડી સમજ આવતી ગઈ. ધર્મનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. ત્રણ લોકમાં પ્રતિષ્ઠિત ધર્મ છે. ધૃ' ધારણ કરવું. ધાતુ પરથી બનેલ ધર્મ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ શાસ્ત્રમાં ધારણ કરે તે ધર્મ અર્થાત્ દુર્ગતિમાં પતિત એવા આત્માને ધારણ કરી સદ્ગતિમાં સ્થાપન કરનાર ધર્મ' કરેલ છે. ભવોદધિતા૨ક તીર્થંકરે સ્થાપેલ ધર્મ. બે પ્રકારનો :- ૧. સાધુધર્મ, ૨. શ્રાવકધર્મ. પરંતુ વ્યક્તિભેદે, ભૂમિકા ભેદે, સંયોગભેદે - ધર્મના અનેક પ્રકારો થાય છે.
–
નિગોદથી નિર્વાણ અવ્યવહાર રાશિથી વ્યવહારરાશિમાં આવી, ચૌદ ગુણસ્થાનકના ક્રમારોહ સ્વરૂપે ચેતન એવા આત્માની આત્મકથાના નિરૂપણ દ્વારા સાંગોપાંગ મોક્ષમાર્ગનું કથન જે જૈનદર્શનમાં છે તેવું અન્ય દર્શનમાં ક્યાંય નથી. તીર્થંકરે અર્થની દેશના આપી અને ગણધરે જિનવચનને સૂત્રાત્મક રીતે દ્વાદશાંગીની રચના કરી આત્માના સાચા સુખને બતાવનાર અનુપમ શ્રુતજ્ઞાનની ભેટ ધરી. આ અમૂલ્ય અનુપમ શ્રુતવા૨સોને પ્રાચીન મહર્ષિઓ, વિશિષ્ટ શ્રુતધર - પૂર્વધરો - આપણા પૂર્વજોએ આપણા સુધી પહોંચાડી વર્તમાન પેઢી પર અનન્ય ઉપકાર કર્યો છે. પૂજ્ય જગદ્ગુરુ હીરસૂરિ મ.સા.ની પાંચમી પાટને શોભાવનાર શ્રી માનવિજયજી કૃત પ્રસ્તુત ગ્રંથ ધર્મસંગ્રહ...
“મૈત્ર્યાદિ ભાવોથી સંમિશ્ર અવિરુદ્ધ એવા વચનથી યથોદિત એવું જે અનુષ્ઠાન તે ધર્મ છે.” ગ્રંથકારશ્રીએ વ્યવહારનયથી ધર્મનું લક્ષણ કરી ચ૨માવર્ત યથાપ્રવૃત્તિકરણ પામેલ ભવ્યજીવે મોક્ષની મંઝિલ-મોક્ષમાર્ગ દ્વારા કઈ રીતે પ્રાપ્ત કરવી અર્થાત્ ક્રમસ૨ કઈ ભૂમિકા પ્રાપ્ત કરી સિદ્ધિ હાંસલ કરવી તેના નિરૂપણ માટે ગ્રંથકારશ્રીએ ચ૨માવર્ત ધર્મયૌવનકાલ, આદિધાર્મિક, અપુનર્બંધક, મૈત્ર્યાદિ દૃષ્ટિ, સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, પ્રમત્ત ગુણસ્થાનક, અપ્રમત્તગુણસ્થાનક સુધીના ક્રમારોહને આવરી લીધેલ છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મના વિભાગીકરણથી શ્રાવકધર્મ દ્વારા અને સાપેક્ષ યતિધર્મ - નિરપેક્ષ યતિધર્મ દ્વારા સાધુધર્મનું નિરૂપણ પ્રસ્તુત ગ્રંથમાં કરેલ છે. મૂળ ગાથા-૧૫૯ અને ઉદ્ધરણ સહિત ૧૪,૭૦૨ શ્લોક પ્રમાણ હોવાથી ગ્રંથકારશ્રીએ કૃતિનું નામ ‘ધર્મસંગ્રહ’ રાખેલ છે.
જિનવચનમાં અડગ શ્રદ્ધા ધરાવનાર સાધુધર્મનું પરિભાવન ક૨ના૨ નિઃસ્પૃહી બારવ્રતધારી સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ પોતાની આગવી સુંદર શૈલીથી તે તે ભૂમિકાના ભાવોને ખોલીને ધર્મનો મર્મ સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે.