________________
૩૬૦ અનેકાન્ત ચિંતન
ભાવરૂપ પદાર્થ હોઈ કારણકોટિમાં ગણી શકાય તો ગુણ પણ કારણકોટિમાં ગણાવા યોગ્ય છે. ગુણને માત્ર દોષનો અભાવ કહીને તેનું નિરાકરણ કરવું યોગ્ય નથી; કારણ કે, તેમ કરીએ તો તેથી ઊલટું એમ પણ કહી શકાય કે દોષ, જે અપ્રામાણ્યનું ખાસ કારણ છે, તે પણ અભાવરૂપ કેમ ન હોય ? તેથી એમ જ માનવું યોગ્ય છે કે ગુણ અને દોષ બંને સ્વતંત્ર છે, અને તેથી જ જો સામગ્રી સાથે ગુણ હોય તો પ્રામાણ્ય અને દોષ હોય તો અપ્રામાણ્ય આવે છે. માટે જેમ અપ્રામાણ્ય ઉત્પત્તિમાં પરતઃ તેમ પ્રામાણ્ય પણ ઉત્પત્તિમાં પરતઃ મનાવું જોઈએ.
મીમાંસકો દોષને ભાવરૂપ માની તાત્ત્વિક માને છે અને તેથી તેની કારણકોટિમાં ગણના કરે છે, પણ ગુણને તેઓ તાત્ત્વિક કે ભાવરૂપ ન માનતાં માત્ર દોષાભાવરૂપ માને છે અને સાથે જ અભાવને તુચ્છરૂપ માની તેની કા૨ણકોટિમાં ગણના કરતા નથી; જ્યારે નૈયાયિક વગેરે પરતઃવાદીઓ ગુણને પણ દોષની પેઠે જ તાત્ત્વિક માની કારણકોટિમાં લે છે. તેઓ કહે છે કે જેમ સુખ-દુઃખ એ બંને એકબીજાથી સ્વતંત્ર છે, નહિ કે એકબીજાના અભાવરૂપે—જોકે એકના સદ્ભાવમાં બીજાનો અભાવ હોય છે, પણ તેથી તે બંને કાંઈ માત્ર અભાવરૂપ જ નથી—તેવી રીતે દોષ અને ગુણના સંબંધમાં પણ સમજવું જોઈએ. મીમાંસક મતનું તાત્યર્ય એ છે કે દોષ એ માત્ર આગંતુક છે, જો તે ન હોય તો સામગ્રીથી ઉત્પન્ન થતું જ્ઞાન સહજ રીતે જ શુદ્ધ જન્મે. જ્યારે નૈયાયિક વગેરેના મતનું તાત્પર્ય એ છે કે દોષની પેઠે ગુણ પણ આગંતુક છે અને તેથી તે સામગ્રીમાં હોય તો જ પ્રામાણ્ય જન્મે. જ્ઞાન ઉત્પન્ન થતી વખતે પ્રામાણ્ય અને અપ્રામાણ્ય એ બન્ને રૂપથી શૂન્ય હોતું નથી; કાં તો તે અપ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય છે અને કાં તો તે પ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય છે. હવે જો અપ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય ત્યારે અપ્રામાણ્યને દોષાધીન માની પરતઃ માનીએ તો પ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય ત્યારે પ્રામાણ્ય ગુણાધીન માની શા માટે પરતઃ ન માનવું ? મીમાંસકો માત્ર એટલું જ કહે છે કે પ્રામાણ્ય એ જ્ઞાનનું સાહજિક રૂપ છે. જ્યારે જ્ઞાન જન્મે છે ત્યારે તેમાં પ્રામાણ્ય સ્વતઃસિદ્ધ હોય છે. માત્ર અપ્રામાણ્ય એ જ્ઞાનનું સાહજિક રૂપ નથી; તેથી જ્ઞાન ઉત્પન્ન થયા પછી દોષને લઈ તેમાં અપ્રામાણ્ય દાખલ થાય છે.
જ્ઞપ્તિ : જ્ઞપ્તિમાં સ્વતઃવાદીઓનું કહેવું છે કે જ્યારે જ્ઞાન ભાસિત થાય છે ત્યારે તેનું પ્રામાણ્ય પણ સાથે જ ભાસિત થઈ જાય છે. જ્ઞાન અને તેના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org