________________
૧૩૮ ૦ અનેકાન્ત ચિંતન
આ પ્રથમ વ્યાખ્યાના ઉદાહરણ ઉ૫૨થી મૂલ આવશ્યકસૂત્રના કર્તા વિશે કશો જ પ્રકાશ પડતો નથી. બીજી વ્યાખ્યામાં અંગબાહ્યના ઉદાહરણ તરીકે આવશ્યકને મુખ્યપણે મૂકેલું છે, અને એને છૂટાછવાયા કે પ્રશ્ન વિનાના જ ભગવાનના ઉપદેશ ઉપરથી રચાયેલું કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી ગણધરને આવશ્યકના કર્તા તરીકે અસંદિગ્ધપણે સાબિત કરતો પ્રાચીન ઉલ્લેખ મળી ન આવે ત્યાં સુધી આવશ્યકસૂત્રને અર્થરૂપે તીર્થંકરકથિત માનવા છતાં તેને શબ્દરૂપે ગણધરકૃત કેમ માની શકાય ? અને વળી જ્યારે ઊલટાં અનેક વિરોધી પ્રમાણો આવશ્યકસૂત્રને ગણધરભિન્ન આચાર્યપ્રણીત બતાવનારાં મળતાં હોય ત્યારે એમ માનવું એ તો સ્પષ્ટ પ્રમાણોની અવમાનના કરવા જેવું થાય. અલબત્ત, સ્થવિર શબ્દ ગણધરને પણ લાગુ પડે છે, પણ તેથી આવશ્યકસૂત્ર ગણધરકૃત જ છે એમ કાંઈ ફલિત થતું નથી. મલધારીની ટીકાના ઉલ્લેખ ઉપરથી (તત્ત્વાર્થભાષ્ય આદિના ઉલ્લેખોને ધ્યાનમાં લઈ) અર્થ કાઢવા જઈએ તો સરલપણે એટલો જ અર્થ નીકળી શકે કે વગર પ્રશ્ન જ તીર્થંકરના ઉપદેશ ઉપરથી રચાયેલ જે આવશ્યક વગેરે શ્રુત તે અંગબાહ્ય, આટલો અર્થ આવશ્યકના કર્તા તરીકે કોઈ વ્યક્તિનો નિર્ણય કરવા બસ નથી. તેવા નિર્ણય માટે તો વિવાદગ્રસ્ત સ્થળમાં સ્પષ્ટ પ્રમાણો જોઈએ. જો તત્ત્વાર્થભાષ્ય આદિનાં ઉપર ટાંકેલાં ચાર સ્પષ્ટ પ્રમાણો આપણી સામે ન હોય તો મલધારીની ટીકાનો અધ્યાહારવાળો ઉલ્લેખ ગણધરને આવશ્યકના કર્તા તરીકે મનાવવા આપણને લલચાવત. ત્રીજી વ્યાખ્યા અને તેમાં ટાંકેલ ઉદાહરણ આપણને પ્રસ્તુત ચર્ચામાં કાંઈ ઉપયોગી નથી, તેથી તે પર વિચાર કરવો એ અસ્થાને છે. એકંદર ઉપર આપેલ મલધારી શ્રી. હેમચંદ્રની ટીકા આવશ્યકને ગણધરકૃત સાબિત કરવા કોઈ સ્પષ્ટ પુરાવો પૂરો પાડતી નથી. તેથી મૂલ નિર્યુક્તિ, તેનું ભાષ્ય અને મલધારીકૃત ટીકા એ બધાં, તત્ત્વાર્થભાષ્ય આદિના પ્રથમ ટાંકેલ ઉલ્લેખોને સંવાદી બને એ રીતે જ ઘટાવવાં જોઈએ.
છેલ્લે એક પ્રશ્ન રહે છે અને તે એ કે ભગવાન શ્રીમહાવીરે પ્રતિક્રમણધર્મ ઉપદેશ્યો. જ્યારે તેઓશ્રીએ પોતાના શિષ્યપરિવારને પ્રતિક્રમણનું વિધાન અવશ્યકર્તવ્ય તરીકે ઉપદેશ્યું ત્યારે તે શિષ્યપરિવાર એ વિધાનનું પાલન કરતી વખતે કાંઈ ને કાંઈ શબ્દો, વાક્યો કે સૂત્રો બોલતાં જ હશે. જો એ શિષ્યપરિવાર સમક્ષ પ્રતિક્રમણવિધાયી શબ્દપાઠ ન હોય તો તે પ્રતિક્રમણ કરે જ કેવી રીતે ? અને જો શબ્દપાઠ હોય છે તે પાઠ ગણધર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org