________________
૧૯૦ ૦ અનેકાન્ત ચિંતન
સમન્વયની ભૂમિકામાં જ્યારે શ્રદ્ધાજીવી વિચારકોએ તર્કવિદ્યાની પ્રતિષ્ઠા કરી ત્યારે તેનું પોષણ વધારે થવા લાગ્યું. પછી તો આધ્યાત્મિક કે ભૌતિક બધી જ શોધના ક્ષેત્રમાં તર્કવિદ્યાનો પણ અભ્યાસ વધ્યો અને તેનાં શાસ્ત્રો પણ રચાતાં ચાલ્યાં. કોઈ પરંપરાએ પહેલાં તો કોઈએ પછી, પણ તર્કવિદ્યાનાં શાસ્ત્રો રચવામાં ઓછોવત્તો ફાળો આપ્યો જ છે. પ્રમાણવિદ્યા અને ન્યાયવિદ્યાની બાબતમાં પ્રાચીન ફાળો મુખ્યપણે ન્યાયપરંપરાના પુરસ્કર્તાઓનો જ છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં કે ચરકર જેવા શારીરવિજ્ઞાનશાસ્ત્રમાં જે તંત્રયુક્તિને નામે સંગ્રહ થયો છે તે મૂળમાં મોટે ભાગે ન્યાયપરંપરાનો ફાળો છે. પૂર્વમીમાંસક કે ઉત્તરમીમાંસક, સાંખ્ય કે યોગ, બૌદ્ધ કે જૈન એ એક પરંપરાના પ્રાચીનતમ ગ્રંથોમાં પોતપોતાનું આગવું હોય તેવું ન્યાયવિદ્યાનું બંધારણ ઘડાયેલું મળતું નથી, જેવું કે એ પરંપરાઓનાં પાછળનાં શાસ્ત્રોમાં મળે છે.
ન્યાયવિદ્યાના તે કાળ સુધીમાં ઘડાયેલા નિયમ-પ્રતિનિયમો અને ન્યાયના અંગ-પ્રભંગોને પોતાની પરંપરામાં જેમના તેમ અગર થોડા ફેરફાર સાથે અપનાવનાર પરંપરાઓમાં સૌથી મોખરે બૌદ્ધપરંપરા આવે છે. અલબત્ત, કદાચ આયુર્વેદ અને અર્થશાસ્ત્ર આદિ અન્ય વિજ્ઞાનોએ બૌદ્ધપરંપરા પહેલાં પણ ન્યાયવિદ્યાના નિયમ-પ્રતિનિયમો અને અંગપ્રત્યંગોને પોતામાં સમાવ્યાં હોય, પણ બૌદ્ધપરંપરાની વિશેષતા એ છે કે તેણે પોતાની પરંપરામાં ન્યાયવિદ્યાને સ્થાન આપ્યું તે માત્ર સંગ્રહ પૂરતું અને શોભા પૂરતું જ નહિ, પણ એમાં સંશોધન કરવાની દૃષ્ટિ સુધ્ધાં હતી, જ્યારે ચાણક્ય કે ચરક આદિને સંગ્રહથી આગળ વધવું ઇષ્ટ ન હતું. એ જ સબબ છે કે ઉત્તર કાળમાં બૌદ્ધપરંપરામાં જેવું એક ન્યાયશાસ્ત્ર સ્વતંત્ર નિર્માણ થયું તેવું અર્થશાસ્ત્રની પરંપરા કે આયુર્વેદની પરંપરામાં કશું બન્યું નહિ. બૌદ્ધપરંપરાએ જે કામ પહેલાં શરૂ કર્યું તે જૈનપરંપરાએ પાછળથી શરૂ કર્યું. ઉપલબ્ધ સાહિત્યને આધારે તો એમ પણ કહી શકાય કે મીમાંસક અને વેદાંત પરંપરાએ પોતપોતાનું પ્રમાણ તેમ જ ન્યાયશાસ્ત્ર તેથીયે પાછળથી વ્યવસ્થિત કર્યું.
૧. અર્થશાસ્ત્ર ૨૪૧, (ત્રિવેન્દ્રમ LXXXII) પ્રકરણ ૧૮૦. વિદ્યાભૂષણ : History of Indian Logic, p. 24.
૨. વિમાનસ્થાન, અ. ૮.
History of Indian Logic, p. 28.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org