________________
૨૫૬૦ અનેકાન્ત ચિંતન
એવા જૈન કે જૈનેતર તટસ્થ અભ્યાસી અને વિદ્વાનો દ્વારા પણ શ્રીમદ્ વિશે યથાર્થતાની દિશામાં પ્રકાશ નાખે એવાં ભાષણો થયાં. પરિણામે એક નાનકડા તટસ્થ વર્ગમાં શ્રીમદ્ વિશે યથાર્થ જાણવાની પ્રબળ જિજ્ઞાસા જન્મી, અને તે વર્ગ પોતે જ ‘શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તક વાંચી એ જિજ્ઞાસા શમાવવા લાગ્યો છે. આ વર્ગમાં માત્ર કુળજૈનો જ નથી આવતા, એમાં ખાસો જૈનેતર ભાગ છે, અને તેમાં પણ મોટે ભાગે આધુનિક શિક્ષાપ્રાપ્તેય છે.
મારી પોતાની બાબતમાં એમ થયું કે જ્યારે શરૂઆતમાં હું એક સાંપ્રદાયિક જૈન પાઠશાળામાં રહી કાશીમાં ભણતો, ત્યારે એક વાર રા. ભીમજી હરજીવન ‘સુશીલ’ શ્રીમનાં લખાણો (કદાચ ‘શ્રીમદ્ રાજચંદ્ર' જ) મને સંભળાવવા મારી કોટડીમાં આવ્યા. દરમ્યાન ત્યાં તે વખતે વિરાજતા અને અત્યારે પણ જીવિત—એ દુર્વાસા નહિ, ખરી રીતે સુવાસા જ—મુનિ અચાનક પધાર્યા, અને થોડીક ભાઈ સુશીલની ખબર લઈ મને એ વાચનની નિરર્થકતાનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી ઈ. સ. ૧૯૨૧ના પ્રારંભ કાળમાં જ્યારે હું અમદાવાદ પુરાતત્ત્વમંદિરમાં આવ્યો, ત્યારે શ્રીમદ્ની જયંતી પ્રસંગે કાંઈક બોલવાનું કહેવામાં આવતાં મેં એક દિવસ ઉપવાસપૂર્વક ‘શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તક આદરપૂર્વક જોઈ લીધું. પણ એ અવલોકન માત્ર એકાદ દિવસનું હતું. એટલે ઊડતું જ કહી શકાય. છતાં એટલા વાચનને પરિણામે મારા મનમાં જાણ્યે-અજાણ્યે પડેલા પ્રથમના બધા જ વિપરીત સંસ્કારો ક્ષણમાત્રમાં વિલય પામી ગયા; અને સર્વ દર્શનોનો એક વ્યાપક સિદ્ધાંત છે કે ગમે તેટલા કાળનું પાપ કે અજ્ઞાનઅંધકાર શુદ્ધિના તેમ જ જ્ઞાનના એક જ કિરણથી ક્ષણમાત્રમાં ઓસરી જાય છે, તે અનુભવ્યો. ત્યાર પછી ઈ. સ. ૧૯૩૨ સુધીમાં બે-ચાર વાર આવી જયંતી પ્રસંગે બોલવાનો અવસર આવ્યો, પણ મને એ પુસ્તક વાંચવા અને વિશેષ વિચારવાનો સમય જ ન મળ્યો, અગર મેં નુ મેળવ્યો. આ વખતે ભાઈ ગોપાલદાસનું પ્રસ્તુત જયંતી પ્રસંગે કાંઈક લખી મોકલવા સ્નિગ્ધ આમંત્રણ આવ્યું. બીજાં પણ કારણો કાંઈક હતાં જ. તેમાં જિજ્ઞાસા એ મુખ્ય. તેથી પ્રેરાઈ આ વખતે મેં ‘શ્રીમદ્ રાજચંદ્ર' કાંઈક નિરાંતે પણ સવિશેષ આદર અને તટસ્થભાવે લગભગ આખું સાંભળ્યું, અને સાથે જ ટૂંકી નોંધો કરતો ગયો. એ વિશે બહુ લાંબું લખવાની શક્યતા છતાં જોઈતો અવકાશ નથી; તોય પ્રસ્તુત નિબંધમાં એટલું તો નહિ ટૂંકાવું કે મારું મુખ્ય વક્તવ્ય રહી જાય અગર અસ્પષ્ટ રહે. આ કે તે કોઈ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org