________________
‘હર્ષચરિત’ના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન ૦ ૨૩૫
તરત જ શોકનું સ્થાન ક્રોધે લીધું. તેમ જ તેનો ડાબો હાથ ક્ષત્રિયોચિત વીરવૃત્તિથી જમણી બાજુએ બાંધેલ કૃપાણની મૂઠ ઉપર પડ્યો. એ મૂઠ હસ્તિમસ્તકની આકૃતિના અલંકારથી સુશોભિત હતી. બાણ રાજ્યવર્ધનની એ ક્ષાત્રધર્મયોગ્ય વીરવૃત્તિનું ઉત્પ્રેક્ષાથી વર્ણન કરતાં કહે છે કે એનો ડાબો હાથ કોશ (મ્યાનબંધ) એવી બાહુશિખર ભુજાલી(કૃપાણ)ની મૂઠ કે જે દિનાગ-કુંભકૂટવિકટ અર્થાત્ વિશાળ હસ્તિમસ્તકથી શોભતી, તેના ઉપર પડ્યો. તે વખતે જાણે એમ લાગતું હતું કે ડાબો હાથ દર્પ અર્થાત્ વીરવૃત્તિના આવેગથી (પરાભ્રંશન્) કૃપાણને અડકતી વખતે નખમાંથી નીકળતાં કિરણોરૂપ જળના પ્રવાહો દ્વારા એ નાનાશા કૃપાણને પણ યુદ્ધભાર માટે સમર્થ છે એવી ધારણાથી અભિષેક કરતો ન હોય !
બાણ પહેલવહેલાં હર્ષના આમંત્રણથી એને મળવા ગયો ત્યારે એ હર્ષના દરબારમાં એની ચોથી કશ્યા—સૌથી પાછળના ભાગ—માં હર્ષને મળેલ છે. બાણે હર્ષના મહેલનું હૂબહૂ શબ્દચિત્ર સવિસ્તર આલેખ્યું છે. એ ચિત્રણમાં સેનાસ્થાન(છાવણી)થી માંડી નાની-મોટી અનેક ચીજો અને બાબતોનું પ્રચલિત પરિભાષામાં વર્ણન છે. શ્રીયુત અગ્રવાલે એ વર્ણન પૂરેપૂરું સમજાય અને એમાં આવેલી પરિભાષાઓ સ્પષ્ટ થાય તેટલા માટે બાણના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન એવાં રાજભવન-વર્ણનોની બાણના વર્ણન સાથે અતિવિસ્તૃત છતાં મનોરંજક અને જ્ઞાનપ્રદ ઐતિહાસિક તુલના કરી છે. વાલ્મીકિના સુંદરકાંડમાં આવેલ રાવણના ભવનનું વર્ણન, અયોધ્યાકાંડમાં આવેલ રાજા દશરથના ભવનનું અને રાજકુમાર રામના ભવનનું વર્ણન, મહાભારતના ઉદ્યોગપર્વમાં આવેલ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનાં ભવનોનું વર્ણન, શકરાજ કનિષ્કકાલીન અશ્વઘોષના સૌન્દરનંદ કાવ્યમાં આવેલ નંદના ભવનનું વર્ણન, ગુપ્તકાલીન પાદતાડિતકમાં આવેલ વારનિતાઓનાં ભવનોનું વર્ણન, કાદમ્બરીમાંના શૂદ્રક અને ચંદ્રાપીડના ભવનનું વર્ણન, મૃચ્છકટિકમાંના વસંતસેનાના ભવનનું વર્ણન, હેમચંદ્રના કુમારપાલચરિતમાંના રાજભવનનું વર્ણન, વિદ્યાપતિનું કીર્તિલતાગત વર્ણન, પૃથ્વીચંદ્રચરિતમાંનું મહેલનું વર્ણન, આમેરગઢના મહેલનું વર્ણન, દિલ્લીના લાલકિલ્લામાં આવેલ અકબર અને શાહજહાંના મહેલોનું વર્ણન અને લંડનમાંના હેમ્પ્ટન કોર્ટ મહેલનું વર્ણન, છેવટે રાષ્ટ્રપતિના રાજમહેલનું વર્ણન આપી પ્રભાકરવર્ધનના રાજભવન અને હર્ષના કુમારભવનના બાણે કરેલ વર્ણન સાથે તુલના કરી ચોવીસ બાબતોને લગતું એક સૂચક કોષ્ટક આપ્યું છે,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org