________________
૧૦
વેરનો વિપાક
આખું પ્રકરણ શું અગ્નિશર્માએ પોતાના જીવનમાંથી સાવ ભૂંસી નાખ્યું હશે ? ભૂંસી નાખ્યું હોય તોપણ એની આછી-ઘેરી કાલિમાં ત્યાં નહિ રહી જવા પામી હોય ? અગ્નિશર્મા જેટલા તપસ્વી હતા તેટલા ક્ષમાશ્રમણ નહોતા. ક્ષમા અને શાંતિની સાધના હજી એમનાથી અજાણી હતી. કાળ ઘણી વાતોને વિસારે પાડે છે. ગુણસેન પણ ઘણું કરીને વિસ્કૃતિના તળિયે જઈને બેઠો હશે. ઘણા ક્ષત્રિય પુત્રો, શ્રેષ્ઠીપુત્રો અને બ્રાહ્મણો આ આશ્રમમાં આવે છે અને તપસ્વીઓનાં દર્શન કરી કૃતાર્થ થાય છે. વસંતપુર શહેરનું આ તપોવન એક ગૌરવ છે.
એક દિવસે એક રાજકુંવર જેવો દેખાતો યુવાન વસંતપુરમાંથી આ તપોવનમાં અચાનક આવી ચડ્યો. એ જરા શ્રમિત અને તૃષિત દેખાતો હતો. એના સાથીઓ પાછળ રહી ગયા હતા. આશ્રમથી એ સાવ અજાણ્યો હતો. માત્ર અશ્વને ખેલાવતો, ભૂલથી અહીં આવ્યો હતો.
તપોવનની શાંતિ અને સાદાઈનું ઐશ્વર્ય જોઈ એ દિમૂઢ બન્યો. અહીં વસંતપુર આવતાં પહેલાં તે ઘણા દેશોમાં ફર્યો હતો, પણ તપોવન અને તપસ્વીઓના દર્શનનું સૌભાગ્ય તો એને આજે અહીં પહેલું જ લાધ્યું હતું. એક વૃક્ષ નીચે તે જરા આરામ લેવા બેઠો, એટલામાં કેટલાક તપસ્વીઓ ત્યાં આવ્યા અને કુંવરની પાછળ રહી ગયેલા સાથીઓ પણ આવી પહોંચ્યા.
ધીમે ધીમે કુલપતિ સુધી આ વાત પહોંચી. વસંતપુર રાજયની સીમાની અંદર પોતે શાંતિથી-નિશ્ચિતપણે આશ્રમ બાંધીને રહ્યા છે, તે રાજ્યના રક્ષણહાર રાજવીના નિકટના કોઈ સગા-સ્નેહી તપોવનમાં આવ્યા છે, એમ જાણી એના સ્વાગત માટે કુલપતિ સામે ચાલીને ગયા. કુંવરે પણ શ્રદ્ધાથી એમને વંદન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org