________________
૮૨
प्रीत्यात्मवीर्यमविचार्य मृगो मृगेन्द्रं । नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ?
વેરનો વિપાક
છતાં જ્યારે માનવદેહધારિણી માતા પોતાના અહોનિશ આનંદના અને ધર્મનો ઝંડો ફરકાવતા પુત્રના ભોજનમાં નિષ્કારણ ઝેર ભેળવવા તૈયાર થાય ત્યારે તો પૂર્વભવનું કોઈ ઉગ્ર, સજાવેલી ધાર જેવું વેર કારણભૂત હોવું જોઈએ એવી પ્રતીતિ થાય છે.
આવું બધું જોતાં માણસ સૂકા તરણા જેવો હોય અને સંસારમાં અવારનવાર જે રાગ-દ્વેષ, વેર-વિખવાદનાં તોફાનો ચડી આવે છે તેના બળથી જ ધકેલાતો હોય. ઘડીભર લડી-ઝઘડી, ભેટી પાછો અદૃશ્ય થઈ જતો હોય એમ લાગે છે. જાણે કે એક અનંત નાટક ભજવાઈ રહ્યું છે. એનાં એ જ પાત્રો જુદા જુદા વેષ પહેરી ક્વચિત્ માતાપિતા રૂપે કે ક્વચિત્ સંતાનરૂપે પોતાના ભાગ ભજવી જતા દેખાય છે.
આ મહાન્ અભિનયમાં અગ્નિશર્માનો જીવ જાલિની માતાનો સ્વાંગ ધરીને આવ્યો હતો. શિખી ગુણસેનનો જીવ હતો. સંતાનના આહારમાં વિષ મેળવનારી જાલિની પોતે જ વેરના વિષથી સળગી રહી હતી. જેના રક્તના અણુ-અણુમાં વેરનું હળાહળ ઝેર ભર્યું હોય તે માતા પુત્રની હત્યારી બને એમાં શું આશ્ચર્ય છે ?
વેર-વિદ્વેષ છે, એટલે જ ઉપશમની આવશ્યકતા અને મહત્તા છે. થોડો ઉપશમ, થોડો ક્ષમાભાવ, વેરના કાષ્ઠને બાળીને ભસ્મ કરવાની તાકાત ધરાવે છે. એટલે જ કર્મના આઘાત-પ્રત્યાઘાતના પારગામીઓએ ઉપશમની આટલી મહત્તા ગાઈ છે. શિખી મુનિના દેહની આહુતિમાંથી પણ જાણે કે પ્રશમનો ધૂપ વહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org