________________
ખંડ પાંચમો
વસંતોત્સવ ઉજવવા રથમાં બેસીને નીકળેલો, ઉજ્જૈનીનો રાજકુમાર સમરાદિત્ય પણ જરા અને મૃત્યુની સહચરી જેવી વ્યાધિને મૂર્તિમંત નિહાળી, ઊંઘમાંથી ઝબકીને જાગતો હોય તેમ સહસા ચમક્યો. એની દૃષ્ટિ તોરણો-પતાકાઓને વીધી રસ્તાના દૂર દૂરના એક છેડા ઉપર પડી. નાગરિકોએ શહેરને સજાવેલા શૃંગાર જોવાના મૂકી દઈ સમરાદિત્યની આંખ ત્યાં દૂર દૂર શું નિહાળી રહી હશે ? સાથીઓ કુમારના મોં ઉપરનું, ઘેરાયેલા વાદળ જેવું ગમગીનીભર્યું ઔદાસીન્ય જોઈ આટલા બધા કાં મૂંઝાય છે ? “સારથિ, રથ જરા પેલી બાજુ લો.”
મહારાજ, હું ઉઘાન તરફ જ રથને હાંકુ છું.” સારથિ કુમારનો આશય સમજ્યા વગર બોલ્યો.
ઉદ્યાનમાં નથી જવું. ત્યાં પેલી બાજુ શું પડ્યું છે તે મારે જોવું છે.” એમ કહી કુમારે રથને જુદી જ દિશામાં વાળ્યો. રથમાંથી ઊતરી પાસે જઈને જોયું તો ત્યાં જીવતો છતાં મૃત જેવો, વ્યાધિઓથી ઘેરાઈ ગયેલો એક પુરુષ છેલ્લા શ્વાસ લેતો પડ્યો હતો. એનો આખો દેહ જાણે કે નીચોવાઈ ગયો હતો. મોં ઉપર મોટા ગૂમડા જેવાં લાલ ચાઠાં પડ્યાં હતાં. નસકોરાં ખવાઈ ગયાં હતાં. માખીઓ બણબણતી હતી.
કુમારને વધુ નજીક જતો જોઈને એક સાથી બોલી ઊઠ્યો : કુમાર, નજીક ન જતા, એ કોઢના રોગથી મરવા પડ્યો છે.” કોઢના ચેપી રોગના જંતુથી બચાવવાનો એનો ઉદેશ હતો. પણ સમરાદિત્ય એ ભાવ ન સમજ્યા.
“આની આવી દશા કોણે કરી ?” કુમાર એક નાના નિર્દોષ બાળકની જેમ બોલ્યા : આવી દશા કરનાર અપરાધીને સજા કરવા અણધાર્યો એમનો હાથ તલવારની મુંઠ ઉપર પડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org