________________
ખંડ ચોથો
૯૩
પાદરદેવીના મંદિર તરફ ચાલી નીકળી. નૈવેદ્યની સામગ્રી પોતાના હાથમાં જ લઈ, દાસીને દૂર ઊભી રાખી, નોકરોને ચોકી રાખવાનું કહ્યું. પોતે મંદિરના આંગણામાં દાખલ થઈ
દેવીનાં દર્શન, પૂજન તો માત્ર બહાનું જ હતું. વસ્તુતઃ તે એક શ્રમણની શોધમાં જ અહીં આવી હતી. આજે સવારે એક મુનિને આહાર સામગ્રી વહોરાવ્યા પછી તેણીએ રાત્રિએ આ મુનિની સમીપે આવવાનો નિશ્ચય કરી રાખ્યો હતો. એ નિશ્ચયને લીધે જ તે બપોર પછી એટલી વિહ્વળ અને અસ્વસ્થ હતી.
દેવીના મંદિરમાં પગ મૂકતાં જ એનું કાળજું પ્રથમ તો ફફડી ઊઠયું. યક્ષ ને યક્ષિણીઓના ભયંકર ચહેરા અને તેમની પ્રલયકારી લીલા તેની નજર આગળ ખડી થઈ ગઈ. છતાં ગમે તે જોખમ ખેડવાની તૈયારી સાથે આવેલી આ કુળકામિનીને અત્યારે કોઈ અટકાવી શકે એમ નહોતું.
આટલામાં જ ક્યાંક હશે” એમ અસ્પષ્ટ સ્વરે બોલતી એ સ્ત્રી એકાકી મંદિરના આંગણામાં ઘૂમી રહી. એક સ્થળે એક શ્રમણ ધ્યાનમગ્ન મુદ્રાએ ઊભા હતા, નક્ષત્રોનો ક્ષીણ પ્રકાશ એમના ઉજ્જવળ વદન ઉપર રેલાતો હતો.
કોઈ પણ ભાવિક કે શ્રદ્ધાળુ સ્ત્રી-પુરુષનું દિલ આવી ધ્યાનાવસ્થિત મુદ્રા જોતાં જ દ્રવીભૂત અને ગદ્ગદ્ બની જાય. પણ આ અંધારી રાત્રિના આવરણ નીચે અહીં સુધી આવેલી આ નારીના દિલમાં ભક્તિના સ્થાને ખુન્નસના ભાવો ઊભરાઈ નીકળ્યા. થોડીવાર સુધી તો એ એક બાજુ ઊભી રહી. આ મુનિના મુખની રેખાઓ વાંચતી હોય તેમ સામે જોઈ રહી. પોતાના મનને મજબૂત કરતી અસ્કુટપણે બોલી : “આ જ ધનદેવ ! સવાર પડે તે પહેલાં તેનું અસ્તિત્વ ફરીવાર મીટાવી દેવું જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org