________________
૮૦
વેરનો વિપાક
ચતુર્દશીની બીજી એક અનુકૂળતા હતી. શ્રમણો મોટે ભાગે તે દિવસે આહાર વગેરેનો ત્યાગ કરી જ્ઞાન-ધ્યાન અથવા ક્રિયાકાંડમાં જ તલ્લીન હોય છે. શિખી સિવાયના બીજા સાધુઓ આ કારસ્તાનની આ અસરમાંથી બચી જશે, જેના અંતરમાં તીર મારવું છે તે જ તેનો ભોગ બની શકશે.
આવો વિચાર કરી જાલિનીએ ઝટપટ લાડવા તૈયાર કરી, તેમાં કળાય નહિ એવું કાતિલ વિષ મેળવી દીધું. બીજા મુનિઓ માટે કંસારનું પાત્ર જુદું રાખી લીધું.
આહાર સામગ્રી લઈને જાલિની પોતે મેઘવન ઉદ્યાનમાં ગઈ શિખીએ માતાને આહાર આદિ લઈને આવેલી જોઈને કહ્યું: “માતા, શ્રમણ મુનિથી આ આહાર ન લઈ શકાય. મુનિ પોતાને માટે તૈયાર કરેલું ભોજન નથી સ્વીકારતા. એવું ભોજન લેવું એ અમારા આચારવિરુદ્ધ છે.”
શિખી આ ભોજન નહિ સ્વીકારે ? ત્યારે શું બધી મહેનત, બધું કારસ્તાન નકામું જશે ? જાલિનીનો આખો દેહ ભય અને ચિંતાથી પ્રસ્વેદમય બની ગયો. લાચાર જેવી દેખાતી જાલિનીએ બની શકે એટલા દંભનો આશ્રય લઈ કહેવા માંડ્યું, “હું અબૂઝ, શ્રમણના આચારમાં શું સમજું ? મારી ભક્તિ સામે એકવાર કૃપા કરીને નિહાળો, બીજીવાર આવી ભૂલ નહિ કરું.”
શિખી મુનિને ઘડીભર પોતાની નબળાઈ સાલી. એક પગથિયું ભૂલે તો માનવી છેવટે પૃથ્વીતલ ઉપર જ પટકાય છે, એ સૂત્ર યાદ આવ્યું. પણ સ્નેહદુર્બળ બનેલો શિખી, થોડો અપવાદ વહોરીને પણ માતાને સંતોષવા તૈયાર થયો. પ્રમાદ તો જરૂર થાય છે, પરંતુ તેનું પ્રાયશ્ચિત્ત ક્યાં નથી થઈ શકતું ? માતાની ધર્મશ્રદ્ધાની અવગણના કરવાની એની હિંમત ન ચાલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org