________________
ખંડ ત્રીજો
જાલિની જાણે એ ઉપદેશથી પીગળી ગઈ હોય અને આત્માના ઉદ્ધાર માટે વ્રત લેવા માગતી હોય એવો દંભ કર્યો. શિખી મુનિ પણ માતાને પ્રતિબોધવાના, ધર્મના માર્ગે ચડાવવાના જ અભિલાષ રાખી રહ્યા હતા. માતાને એમણે વિધિપૂર્વક ધર્મસંસ્કાર આપ્યો. શિખી મુનિ મનમાં ગમે તે માને, જાલિનીના ફાંસલાની રસીઓ ખેંચાતી હતી. પક્ષી હવે સપડાવું જ જોઈએ, એવી તેજથી પ્રેરાયેલી જાલિનીને પૂરી ખાતરી થઈ. શ્રમણ-જીવનના વિધિ તથા આચાર નહિ જાણનારી જાલિનીએ છેવટે કહેવા માંડ્યું : “આજે તો હવે મારા હાથનો આહાર કરતા જાઓ તો હું કૃતકૃત્ય થાઉં.” શિખી મુનિ કહે : “શ્રમણને માટે એ માર્ગ બંધ છે.”
જાલિની નિરાશ થઈ પણ ફરી એકવાર પોતે પ્રયત્ન કરશે, એવો નિશ્ચય કરી, તે દિવસે તો તેણીએ મુનિજીને બે હાથ જોડી વિદાય આપી.
એમ કરતાં કેટલાક દિવસો નીકળી ગયા. શિખી મુનિના વિહારનો દિવસ પણ છેક નજીક આવી ગયો : જાલિનીનો ગભરાટ વધવા લાગ્યો. ફાંસલામાં સપડાયેલું પંખી ઊડી જાય અને શિખીની સંસારી માતાની અપકીર્તિ અહોનિશ ગુંજતી જ રહે તે જોવા જાલિની અનિચ્છુક હતી.
ચતુર્દશીનો દિવસ ઊગ્યો. જાલિનીને લાગ્યું કે કાલે તો માસકલ્પ પૂરો થઈ જશે અને શિખી વિહાર કરીને છટકી જશે.
જાલિનીને અત્યારે અંતરમાં ઊંડો શોષ પડતો હોય, લોહી વેગથી ધસતું હોય એમ થયું. એની એ જ સ્થિતિમાં તેણીએ નિશ્ચય કર્યો કે ગમે તેમ કરીને આજે કામ પતાવી નાખવું જ જોઈએ. આ પાપકર્મમાં કોઈની મદદ મળે એવી તો મુદલ આશા નહોતી, જે કરવાનું હતું તે તેણીને એકલા જ કરવાનું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org