________________
ખંડ પહેલો
૨૯ સેનાપતિના કાને જેવી આ વાત ગઈ કે તરત જ તે પોતાના સૈન્યને તૈયાર થવાનો આદેશ આપી, કુંવર ગુણસેન પાસે આવ્યો. એ શહેરીઓની ચિંતા અને શંકાઓ વર્ણવતો હતો, એટલામાં મહામાત્યે મોકલેલા જ્યોતિષીઓ પણ આવી પહોંચ્યા.
વિનયમૂર્તિ ગુણસેન આ જંજાળમાંથી જેમ જેમ છૂટવા મથતો હતો, તેમ તેમ એ વધારે ગૂંચવાતો હતો. જ્યોતિષીઓએ કહેવા માંડ્યું : “મહારાજ, અત્યારનું ચોઘડિયું સર્વોત્તમ છે. અત્યારે જો પ્રસ્થાન કર્યું હોય તો પગલે પગલે વિજયના પડઘા પડે.”
એ જ વખતે અંતઃપુરમાંથી આવેલી એક પરિચારિકાએ બહુ જ ધીમે અવાજે કુંવરના કાનમાં કંઈક કહ્યું. જવાબમાં ગુણસને માત્ર એટલું જ ઉચ્ચાર્યું : “આવું છું.”
સંભવ છે કે નગરભરમાં જે ભય-આતંક છવાયો હતો, તેની હવા અંતઃપુરમાં પ્રવેશી હોય. આવા સંગ્રામના સમયે વધુમાં વધુ ભય જો કોઈને હોય તો અંતઃપુરવાસીઓને. પકડાયેલી રાજકુટુંબી સ્ત્રીઓની દુશ્મનો ભારે દુર્દશા કરતા.
જ્યોતિષીઓ કહેવા લાગ્યા : “મહારાજ ! અત્યારે એક પળનો પણ વિલંબ કરવા જેવું નથી. ચોઘડીયું ચાલી જાય છે. આપ ખુશીથી અંતઃપુરમાં જઈ આવો, પણ રણદુંદુભિ ગર્જી ઊઠે એવી આજ્ઞા આપતા જાઓ, એટલું પ્રસ્થાન અત્યારે બસ છે.”
ગુણસેનને એ પ્રકારના પ્રસ્થાન સામે વાંધો ન હતો. એ પોતે જ્યોતિષીઓ વગેરેને વિદાય આપી, અંતઃપુરમાં ગયો.
અંતઃપુરમાં એને જરા વધારે સમય લાગ્યો. એક તો મહારાણી અસ્વસ્થ હતાં, આસન્નપ્રસવા હોવાથી એમના મનનું સાંત્વન કરતાં ગુણસેનને થોડી વાર લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org