________________
વેરનો વિપાક
આકરી તપશ્ચર્યા એ વસ્તુતઃ સિદ્ધિ નથી. શાંતિ, ક્ષમા, મૃદુતા, કરુણા કેળવવામાં સાધન માત્ર છે, એ વાત અગ્નિશર્માને પૂરેપૂરી નહોતી સમજાઈ. આચાર્ય કૌડિન્ય પણ એ વિષયમાં હજી વિદ્યાર્થી જેવા હતા. તપશ્ચર્યાના માહાત્ય કરતાં પણ મનઃસંયમ, અંતઃશુદ્ધિ વધારે મૂલ્યવાન છે અને શુભાશુભ ગતિમાં એ જ નિયામક છે, એ તરફ એમનું બહુ લક્ષ નહોતું. તેઓ ઉગ્ર તપશ્ચર્યાના અને સામાન્ય યમ-નિયમના માત્ર પૂજારી હતા.
અગ્નિશર્માની તપને લીધે પરમ શક્તિશાળી બનેલી મનોવૃત્તિને આજે ઉપશમાવવાની જરૂર હતી. એના દેહ તથા મને પરસ્પરના સહકારથી જે વિપ્લવ જગાવ્યો હતો, તેને પોતાના અંકુશમાં આણવાની જરૂર હતી. સદ્ભાગ્યે જો શર્માને અત્યારે એવા કોઈ સદ્ગુરુ સાંપડ્યા હોત તો શર્મા આખી બાજી જીતી જાત.
આશ્રમવાસીઓ આ વખતે અગ્નિશર્મા પાસે જવાનું કે ક્ષેમકુશળ પૂછવાનું પણ સાહસ કરી શક્યા નહિ. દૂરથી એમને જોતાં જ આશ્રમવાસીઓને ખાતરી થઈ કે રોજની શાંતિ, ક્ષમા, મૃદુતા આજે અગ્નિશર્મા ખોઈ આવ્યા છે. એમની આંખો આજે આગની વર્ષા કરતી હતી.
કોઈ રીતે પણ ગુણસેનને ખુવાર કરું.” મારી ઉપર વેર રાખનાર એ રાજવીને ક્યાંય સુખ-શાંતિથી રહેવા ન દઉં ! આ એક જ વૃત્તિ તપસ્વીના અંતરમાં કાળા નાગની જેમ ફૂંફાડા મારતી હતી.
ત્રણ ત્રણ મહિનાની અનાહારતા અને બીજી તરફ વૃત્તિઓમાં જાગી પડેલો આ સ્વછંદ સંક્ષોભ : એ બંનેનો સામનો કરવામાં અગ્નિશર્મા નિષ્ફળ નીવડ્યા. વેર ! વેરનો વિચાર કરતાં એ અર્ધનિદ્રામાં પડ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org