________________
વેરનો વિપાક
કેટલાક દિવસનો ભૂખ્યો, થાકેલો શિખી એક દિવસ અકસ્માત્, વૃક્ષની છાયા નીચે, સૂકું તરણું પણ ન દુભાય એવી શાંતિથી બેઠેલા એક મુનિરાજનાં દર્શન પામ્યો. તપસ્વીના તપ-તેજથી વૃક્ષ ફરતું વાતાવરણ જાણે કોઈ દેવમંદિર હોય એવો ભાસ ઉપજાવતું હતું. શિખી પોતે નિર્મળ અંતરનો હતો. તપસ્વીની તેજસ્વિતા તેમજ પવિત્રતાથી આકર્ષાઈ, એમના ચરણ પાસે વિનમ્રભાવે બેસી ગયો.
૬૬
માનવસ્વભાવના પારગામી, અંતર-રોગના વૈદ્ય એ તપસ્વીને, આ કિશોર જોતાં જ, કોઈ જન્મ દુઃખી હોય એમ લાગ્યું. એના તપેલા તામ્રવર્ણ જેવા રંગાયેલા કપાળ ઉપર સૂર્યનાં પ્રખર કિરણ સિવાય કોઈનો મૃદુ, સ્નેહસુકુમાર હાથ ફર્યો હોય એમ ન લાગ્યું. અજાણતાં એની આંખમાંથી ઝરેલાં આંસુના ચિહ્ન પણ હજી તાજાં હતાં.
“વત્સ ! નાની ઉંમરમાં કંઈ બહુ દુ:ખ આવી પડ્યું ?'' વૈદ્ય જેવી જ તટસ્થતાથી તપસ્વીએ ચિકિત્સા શરૂ કરી.
પોતાનાં દુઃખ રડવાનો શિખીને અભ્યાસ નહોતો. એમાં તે પોતાની પામરતા સમજતો. પણ આજે સગા-સ્નેહીઓના તિરસ્કારનો પગલે પગલે પરોક્ષ પ્રહાર અનુભવતો, જરા રડવા જેવો થઈ ગયો.
“ભગવન્ દુ:ખી તો છું જ. પણ આમ કેમ બનતું હશે ? જે ચંદ્રમાંથી શીતળ જ્યોત્સ્ના ઝરવી જોઈએ તેને બદલે અંગાર કેમ વરસી જતા હશે ? માતાની ગોદ દુઃખિયાનો એક માત્ર વિસામો ગણાય, માત્ર મારા માટે જ એ તેલની ઊકળતી કડાઈ જેવો કેમ બની ગયો ? મેં કદી કોઈ અપરાધ નથી કર્યો, છતાં હું આટલો દુર્ભાગી ?' શિખીને પોતાનું સમસ્ત જીવનવૃત્તાંત કહી નાખવાનું મન થયું. એ રીતે હૈયા ઉપરના ભારને હડસેલવાની વૃત્તિ થઈ આવી. પરંતુ જે કહેવાનું હતું તે પૂરું કહેવાઈ ગયું, એમ લાગવાથી તે મૌન રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org