________________
વેરનો વિપાક જેઓ તપસ્વીને થોડે ઘણે અંશે ઓળખતા તેઓ આશ્ચર્ય પામી પોતે જ પોતાને પૂછવા લાગ્યાઃ “હંમેશાં આટલામાંથી જ ભિક્ષા લઈ પાછા વળનારા તપસ્વી, આજે ધૂનમાં ને ધૂનમાં આમ દૂર ક્યાં જતા હશે?”
એક બે જણે હિંમત કરી, તપસ્વીને બે હાથ જોડી, પોતાને ત્યાં પધારવા આગ્રહ કરી જોયો. પ્રત્યુત્તરમાં એમને તપસ્વીના મંદ હાસ્યનો દુર્લભ પુરસ્કાર મળ્યો.
થોડે દૂર ગયા પછી રાજમહેલ દેખાયો. એ જ વખતે તપસ્વીના કાનમાં કોઈ છૂપો મંત્ર ફૂંકતું હોય એવો એમને ભાસ થયો. જાણે કે બીજું કોઈ ન સાંભળે તેમ તે કહે છે :
“તપસ્વી ! આમ ક્યાં રાજમહેલના ભોગ-ઐશ્વર્યના ભાગીદાર બનવા જાઓ છો ? તપસ્વીને તે વળી રાજમહેલના ભોગપભોગમાં ભાગ પડાવવો શોભે ? તમે તમારા અંતરને તપાસી જોયું છે ? રાજમહેલ તો પ્રલોભનો, લોભ-લાલચોનું માયામંદિર ગણાય. રાજવીનો સત્કાર, રાજવીનું આતિથ્ય એ તો કાચો પારો છે. પચાવી શકાય તો ખુશીથી જજો. નહિતર એ ખાંડાની ધાર ઉપર ચાલવાનું માંડી વાળજો.”
કોણ બોલે છે તે તપાસવા તપસ્વીએ આસપાસ જોયું. પણ નિર્જન જેવા લાગતા એ રાજમાર્ગ ઉપર પોતાની પાસે કોઈ ઊભું હોય એમ ન લાગ્યું.
ખાલી ભણકારા હશે એમ માની તપસ્વી આગળ ગયા. ગુણસેન હમણાં જ દોડી આવશે, જે ગુણસેને એક દિવસે પોતાની નિષ્ફર હાંસી કરી હતી તે ગુણસેન, પશ્ચાત્તાપથી પોતાના પાપને ધોઈ નાખતો, દોડતો આવીને બે હાથ જોડીને સામે ઊભો રહેશે. ગમે તેમ પણ ગુણસેન ભદ્રિક છે. એને પોતાના દોષો સમજાયા હશે. એટલે જ આટલા આગ્રહપૂર્વક આમંત્રણ કરી ગયો છે. નહિતર મારે અને આ રાજમહેલને લેવાદેવા જ શું હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org