________________
'
પ્રબુદ્ધ જીવન
મેં તે જવાબદારી સ્વીકા૨વાનું પસંદ કર્યું ન હતું. ત્યારપછી કેટલેક વખતે શ્રી હરીન્દ્ર દવેને સાહિત્યની કોલમ સંભળાવવાનું મીનુ દેસાઇએ નિમંત્રણ આપ્યું હતું. ‘કલમની પાંખે' નામનો એ વિભાગ નિયમિત પ્રગટ થવા લાગ્યો હતો. સાહિત્યિક વર્તુળમાં એ ઘણી પ્રશંસા પામ્યો હતો. એ દિવસોમાં એક વખત હરીન્દ્રભાઇએ પોતાની કોલમમાં જંબુસ્વામી વિશેના કથાનકનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ એમાં કેટલોક વિગત દોષ રહી ગયો હતો. મેં હરીન્દ્રભાઇને એ અંગે પત્ર લખ્યો હતો. એમણે મારો એ આખો પત્ર ‘કલમની પાંખે'માં છાપ્યો અને પોતાની ભૂલનો એકરાર કરી લીધો હતો.
હું ઝેવિયર્સ કોલેજમાં જોડાયો અને હરીન્દ્રભાઇ જનશક્તિમાં જોડાયા હતા. ૧૯૫૫માં હું ખેતવાડીમાંથી પ્રિન્સેસ સ્ટ્રીટ રહેવા આવ્યો અને હરીન્દ્રભાઇ પણ એ અરસામાં પરાંમાંથી જૂની હનુમાન, ગલીમાં રહેવા આવ્યા. પત્રકાર તરીકેના વેતનમાંથી ઘર ચલાવવાનું એ કંઇ સહેલી વાત નહોતી, વળી સવારના દૈનિકના પત્રકાર તરીકે કામ કરતા હોઇએ ત્યારે રાતની પાળી કરવાનો વખત આવે અને બાર એક વાગે છાપું તૈયાર થઇ જાય તે પછી કાં તો પ્રેસમાં જ સૂવાની સગવડ રાખવી પડે. ઘરે આવતાં દોઢ-બે તો વાગી જ જાય અને પરામાં રહેતાં હોઇએ તો અઢી-ત્રણ પણ થાય. આ બધો અનુભવ મેં લીધો હતો. સમયની બચતને કારણે પરાંમાંથી શહે૨માં આવીને રહેવામાં અનુકૂળતા વધારે રહે, પણ મુંબઇ જેવા શહેરમાં જગ્યાની તંગી હોય એટલે નાની જગ્યામાં સમાવેશ કરવો પડે. હું અને હરીન્દ્રભાઇ નજીક નજીક રહેતા હોવાના કારણે પ્રિન્સેસ સ્ટ્રીટની ફૂટપાથ ઉપર કેટલીયેવાર અમે એકબીજાને મળ્યા હોઇશું. કોઇક વખત હરીન્દ્રભાઇ પોતાનાં પત્ની જયાબહેન અને સંતાનો સાથે પણ મળ્યા હશે. જયાબહેને એ રીતે ઘર નિભાવવાની અને સંતાનોને ઉછેરવાની જવાબદારી ઘણી સારી રીતે ઉપાડી લીધી હતી. કેટલાંક વર્ષ પછી હું પ્રિન્સેસ સ્ટ્રીટથી ચોપાટી બાજુ રહેવા ગયો અને હરીન્દ્રભાઇ તારદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલની સામે ફોરજેટ સ્ટ્રીટમાં નવયુગ નગરમાં રહેવા ગયા. એ પછી પ્રિન્સેસ સ્ટ્રીટના રસ્તામાં મળવાનું અમારું બંધ થઇ ગયું. વ્યવસાયના સ્થળની દષ્ટિએ પણ અમારું મળવાનું ઓછું થઇ ગયું. અલબત્ત અમારો સંબંધ ત્યારે પણ માત્ર ઔપચારિક જ રહ્યો હતો.
ર
ઝેવિયર્સ કોલેજના અધ્યાપક તરીકે વીસેક વર્ષ કાર્ય કર્યા પછી હું મુંબઇ યુનિવર્સિટીમાં ૧૯૭૦માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયો અને હરીન્દ્રભાઇ જનશક્તિ છોડી ભારતીય વિદ્યાભવનના ‘સમર્પણ' પાક્ષિકમાં જોડાયા. (જે પછીથી નવનીત-સમર્પણ માસિક થયું.) ત્યાર પછી તેઓ યુસિસમાં જોડાયા હતા. પરંતુ ત્યાર પછી હરીન્દ્રભાઇને જનશકિતના તંત્રી તરીકે જ જોડાવાની તક મળી. હવે અમારા બંનેની ઓફિસો નજીક નજીક હોવાથી ફરીથી મળવાનું ચાલુ થયું. હરીન્દ્રભાઇનો બહુ જ આગ્રહ રહ્યા કર્યો હતો કે હું જનશક્તિમાં કોલમ લખું. પરંતુ એ રીતે નિયમિત કોલમ લખવાનું કામના બોજાને લીધે અનુકૂળ નહોતું.
ઇ. સ. ૧૯૭૧માં મુંબઇ યુનિવર્સિટીએ ઇન્ટર આર્ટસની પરીક્ષા માટે ગુજરાતી વિષયમાં એક પાઠ્ય પુસ્તક તૈયા૨ ક૨વાનું ઠરાવ્યું અને તેના સંપાદક તરીકે મારી અને હરીન્દ્રભાઇની નિમણૂંક કરી. યુનિવર્સિટીનું એ નિમંત્રણ સ્વીકારી લેવા માટે મેં હરીન્દ્રભાઇને આગ્રહ કર્યો. ‘શબ્દલોક' નામના એ પાઠ્યપુસ્તકની તૈયારી માટે લેખો, વાર્તાઓ વગેરેની પસંદગી માટે અમારે ઘણીવાર મળવાનું થયું હતું. યુનિવર્સિટીમાં બેસીને અમે એ પાઠ્યપુસ્તક તૈયાર કરી આપ્યું. આ પાઠ્ય પુસ્તકને નિમિત્તે હરીન્દ્રભાઇને ઘણીવાર મળવાનું થયું. એથી અમારી વચ્ચે વિશેષ આત્મીયતા સધાઇ. વળી એમણે જ્યારે જાણ્યું હતું કે આ પાઠ્ય પુસ્તકના મારા સહસંપાદક તરીકે મેં જ હરીન્દ્રભાઇનું નામ સૂચવ્યું હતું ત્યારે તેમને મારા માટે વિશેષ આદરભાવ થયો હતો. આ સમયથી હરીન્દ્રભાઇ સાથેની મૈત્રી ઔપચારિક ન રહેતાં અનૌપચારિક અંગત થઇ ગઇ હતી.
ઇ. સ. ૧૯૭૩માં અમૃતસરમાં P.E.N.ની રાઇટર્સ કોન્ફરન્સ હતી. P.E.N.નો હું આજીવન સભ્ય હતો. એટલે મુંબઇ યુનિવર્સિટી
તા. ૧૬-૫-૯૫
તરફથી આ કોન્ફરન્સમાં ભાગ લેવાની મને તક મળી હતી. હરીન્દ્રભાઇ પણ એ કોન્ફરન્સમાં આવવાના હતા. ઉમાશંકર જોશી, ગુલાબદાસ બ્રોકર વગેરે પણ એમાં ભાગ લેવાના હતા. આ કોન્ફરન્સને નિમિત્તે હરીન્દ્રભાઇ સાથે અમૃતસર ટ્રેનમાં જવા આવવાનો તથા અમૃતસ૨માં સાથે રહેવાનો અવસર સાંપડ્યો હતો. પાછા ફરતાં હરીન્દ્રભાઇ દિલ્હી ઊતરી જવાના હતા. હરીન્દ્રભાઇ આ કોન્ફરન્સમાં આવ્યા હતા, પરંતુ તેમના ચહેરા ઉપર જોઇએ તેવી પ્રસન્નતા ન હતી. ટ્રેનમાં અમે પાછા ફરી રહ્યા હતા ત્યારે કંઇક વાત નીકળતાં તેમણે કહ્યું કે ‘૨મણભાઇ, હું બહુ જીવવાનનો નથી. આ મારું છેલ્લું વર્ષ છે.' મેં કહ્યું, ‘તમે શાના આધારે કહો છો ? તબિયતનો કોઇ પ્રશ્ન છે કે જ્યોતિષના આધારે કહો છો ? આવી આગાહી કરવાનું કારણ શું ?' તેમણે કહ્યું કે ‘તબિયતનું કોઇ કારણ નથી અને કોઇ જોશીની એવી આગાહી પણ નથી, પરંતુ મારા મનથી લાગે છે કે હું હવે જીવવાનો નથી,' મેં કહ્યું કે, ‘અચાનક હાર્ટ એટેક આવે કે કોઇ અકસ્માત થાય તો તે જુદી વાત છે, પરંતુ એ સિવાય આયુષ્ય પૂરું થવાનું કોઇ કારણ નથી. તમારા મનમાં તેવું ઊગી નીકળે છે એટલે એ વાતને હસવામાં કાઢી પણ ન શકાય, પણ આવી વાતથી આશ્ચર્ય થાય છે.' એમ છતાં હરીન્દ્રભાઇએ બે-ત્રણ વખત એ વાતને દોહરાવી કે પોતે છ-આઠ મહિના પણ કાઢશે કે કેમ તેની પોતાને શંકા છે.
· અમૃતસરની કોન્ફરન્સમાંથી પાછાં ફરતાં વડોદરા થઇને અમે આજોલમાં યોજાયેલા સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં ભાગ લેવા ગયા. ત્યાંથી અમે મુંબઈ પાછા આવ્યા. ત્યાર પછી કેટલાક દિવસે હું મુંબઇ યુનિવર્સિટીમાં હતો ત્યારે ધરેથી સમાચાર આવ્યા કે હરીન્દ્રભાઇ અચાનક માંદા પડી ગયા છે અને તેમને ભાટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હું સાંજે ચાર વાગે મારાં પત્ની સાથે ભાટિયા હોસ્પિટલમાં પહોંચ્યો. હરીન્દ્રભાઇ પાસે કોઇને જવા દેવામાં આવતા નહોતા. જીવન-મરણ વચ્ચે તેઓ ઝોલા ખાતા હતા. મને થયું કે હરીન્દ્રભાઇએ કરેલી આગાહી જાણે સાચી પડી રહી છે. અચાનક શું થઇ ગયું એ જાણવા માટે પૂછ્યું તો નજીકના સ્વજનોએ કહ્યું કે કોઈ દવાનું ભારે રીએક્શન આવ્યું છે. અને હરીન્દ્રભાઇ બચે એવી બિલકુલ આશા નથી.
એ દિવસે સાંજે ફાર્બસ ગુજરાતી સભાની કાર્યવાહક સમિતિની અમારી મિટિંગ હતી. મેં મિટિંગમાં કહ્યું કે, ‘હરીન્દ્રભાઇની અચાનક તબિયત બગડી ગઇ છે અને તેઓ હોસ્પિટલમાં સિરિયસ છે.' આ સમાચાર સાંભળીને ચન્દ્રવદન મહેતા, ભૃગુરાય અંજારિયા, યજ્ઞેશ શુકલ, વિલોચન ધ્રુવ વગેરે સમિતિના સભ્યો શોકાતુર બની ગયા. એવામાં સભાના મંત્રી શ્રી જ્યોતીન્દ્ર દવે આવી પહોંચ્યા. તેઓ હરીન્દ્રભાઇ રહે તે જ મકાનમાં રહેતા હતા. મેં જ્યોતીન્દ્રભાઇને કહ્યું કે, ‘હરીન્દ્રભાઇ સિરિયસ છે એ સમાચાર તમે તો સાંભળ્યા જ હશે. એમણે કહ્યું, ‘હા, મને તો ઘટના બની કે તરત જ ખબર પડી ગઇ હતી. હું તે વખતે ઘરે જ હતો. અમે એક જ મકાનમાં રહીએ. અમારા બંનેની અટક દવે. એટલે મકાનના કેટલાક મારે ઘેર આવી પહોંચ્યા હતા. આ ઘટના બની ત્યારે તરત જ હું એમના ઘરે પહોંચી ગયો હતો.' પછી જ્યોતીન્દ્રભાઇએ કહ્યું કે ‘હમણાં આ વાતની જાહેર ચર્ચા કરશો નહિ, પરંતુ હરીન્દ્રભાઇ અને એમના પત્ની જયાબહેન વચ્ચે કંઇક બોલાચાલી થઇ અને તેને કારણે હરીન્દ્રભાઇએ ઝેરી દવા લઇને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો.' જ્યોતીન્દ્રભાઇની આ વાત સાંભળીને પહેલાં તો અમે માની શક્યા જ નહિ. જ્યોતીન્દ્ર દવેને રમૂજ કરવાની ટેવ એટલે પણ તરત વાત માનવામાં આવે નહિ. પરંતુ જ્યોતીન્દ્રભાઇએ એટલી જ ગંભીરતાથી કહ્યું કે ‘હું આ ઘટનાનો સાક્ષી છું. એટલે તે અસત્ય માનવાનું કોઈ કારણ નથી.' આ વાત સાંભળીને અમે બધા આશ્ચર્યચક્તિ થઇ ગયા.
હરીન્દ્રભાઇ બચે એવી આશા નહોતી પરંતુ બીજા દિવસે એમની ખબર જોવા હું હોસ્પિટલમાં ગયો ત્યારે જાણ્યું કે તેઓ જોખમમાંથી બચી ગયા છે, ભાનમાં આવ્યાં છે અને તબિયત ધીમે ધીમે સુધારા પર આવતી જાય છે. થોડા દિવસમાં તેમની તબિયત સારી થઇ ગઇ અને તેઓ ઘરે