________________
તા. ૧૬-૮-૯૫
પ્રબુદ્ધ જીવન
કાર્ય-આરાધના D ‘સત્સંગી’
આજે શહેરોમાં રસ્તામાં તમને કોઇ મળે અને તમે તેની સાથે વાત કરવા ઇચ્છો તો તે થોભે, પરંતુ તમારી વાત સહેજ પણ લંબાય તો તે વ્યક્તિની ધીરજ ખૂટે છે. તે તરત કહી દે છે કે તેને સમય નથી. પટાવાળાથી માંડીને કલેકટર સુધી, નાની હાટડીવાળાથી માંડીને કારખાનું ચલાવનારા સુધી અને સામાન્ય કાર્યક૨થી માંડીને નેતાઓ સુધી કોઇને સમય નથી એવું વાક્ય આપણા કાન પર અવારનવાર અથડાયા કરે છે. આનો અર્થ એવો થયો કે સૌ કોઇ કર્તવ્યપરાયણ છે, કાર્યરત છે. જ્યારે બીજી બાજુથી ઓફિસોમાં નિકાલ થયા વિનાના કાગળોની સારી સંખ્યા રહે છે, અદાલતોમાં હાથ પર ન લઇ શકાતા કેસો સારા પ્રમાણમાં રહે છે, શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમો પરીક્ષાનો સમય આવે ત્યારે અધૂરા રહેતા હોય છે. સરકારી દવાખાનાઓમાં ડૉક્ટરો દર્દીઓની સારવારને પહોંચી શકતા નથી, અને મોટા વેપારીઓ, અમલદારો વગેરેને પોતાનાં કામ માટે દિવસના ૨૪ કલાક ઓછા પડે છે એવી તેમની ફરિયાદ રહેતી હોય છે. માણસને સમય નથી એમ કહી શકે તેટલો તે કાર્યરત છે છતાં કામ તો અધૂરું જ રહે છે, તેમ તે દીપી નીકળે છે એમાં હંમેશ કહી શકાય નહિ.
થોડા ભિન્ન પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો વર્તમાન સમયમાં મહાત્મા ગાંધીજી કે કવિવર ટાગોર, ગોખલે, રાનડે કે તિલક, સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નહેરુ કે ડૉ. રાધાકૃષ્ણન, અરવિંદ ઘોષ, મદનમોહન માલવીયા કે મહાદેવ દેસાઇ, નાનાભાઇ ભટ્ટ કે ગિજુભાઇ બધેકા જેવી પ્રતિભાઓની થોડી ઝાંખી કરાવે કે તેમનાં વ્યક્તિત્વનો મર્મ સમજીને તેમને માર્ગે ચાલવાનો પ્રયાસ રાખે એવી વ્યક્તિઓ ખાસ જોવા મળતી નથી. તેવી જ રીતે પહેલાં જેવાં પંડિતો, અભ્યાસીઓ, સાહિત્યકારો, કલાકારો, કારીગરો વગેરેની થોડી ઝાંખી થાય એવું પણ ઓછું જોવા મળે છે. ચાર દાયકા પહેલાં વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ લાવતા તેવી તેજસ્વિતા વર્તમાન સમયમાં પ્રથમ વર્ગ લાવનાર વિદ્યાર્થીઓમાં જોવા મળતી નથી. ઉત્પાદનના પદાર્થોની ગુણવત્તા સમયે સમયે ઘટતી રહે છે. પટાવાળો પણ જે દેશમાં કાર્યરત રહેતો હોય તે દેશમાં આવી કંગાળ ફળશ્રુતિ શી રીતે હોય ? કામ બેહદ વધી ગયું છે ? વસતિનો વધારો કામને પહોંચી વળવામાં નડતરરૂપ છે ? પ્રશ્નો એટલા બધા અટપટા છે કે કામનો નિકાલ ખૂબ સમય માગે? પ્રશ્નોની સંખ્યા એટલી બધી વધી ગઇ છે કે ૨૪ કલાક છેક જ થોડા પડતા રહે ?
વસતિ વધી છે એ સાચું, તેથી કામ વધ્યું છે એ સાચું; પ્રશ્નો અટપટા બન્યા છે એ સત્ય છે, તેમ જ પ્રશ્નોની સંખ્યા ઘણી મોટી છે એ પણ સાચું. માણસ ‘સમય નથી’ એમ સહજ રીતે બોલી જાય એટલો કામઢો બન્યો છે એ પણ સાચું. તો ખોટું શું ? તો કહેવાનું શું રહે છે ? ટૂંકામાં નિખાલસતાથી કહીએ તો મૂળ જ ખોટું છે. અર્થાત્ માણસે ધ્યેય જ ખોટું અપનાવ્યું છે; તે કાર્યરત રહે છે, પણ ધ્યેય છે પૈસા મેળવવાનું. અને જે કાર્ય હોય તેનું ધ્યેય ગૌણ બની ગયું છે. અથવા બોલવા પૂરતું જ છે. માણસ પોતાનાં સુખસગવડોના સરવાળા અને ગુણાકારમાં તલ્લીન, તન્મય રહે છે તેથી તેની પ્રવૃત્તિઓ કે કાર્યપરાયણતા સુખસગવડોની પ્રાપ્તિ માટે રહે છે. દાખલા તરીકે, તદ્દન શાંત જીવનવ્યવહાર ચાલતો રહે તો વકીલોની સલાહ લેવા કોણ જાય ? તેથી વકીલને જે માનવ સંપર્કો થાય તેમાં કજીયાની ચિનગારી તે મૂકે તો તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. શિક્ષકો નોકરીના સમય સિવાયના સમયમાં ટયુશનો માટે દોડાદોડી કરે પછી વર્ગમાં શીખવવા માટે તેમની શક્તિ તેમને કેટલો સાથ આપે ? પ્રાધ્યાપકો પાઠ્યપુસ્તકો કે માર્ગદર્શિકાઓ લખવામાં, ટ્યુશનોમાં, યુનિવર્સિટીનાં કાર્યક્ષેત્રમાં અને પરીક્ષણ કાર્યમાં ઓતપ્રોત રહેતા હોય પછી વિદ્યાર્થીઓને શીખવવાનો ઉત્સાહ કેટલો રહે ? આમ અમલદારો, મોટા ખેડૂતો, વેપારીઓ, સિને જગતના અભિનેતાઓઅભિનેત્રીઓ વગેરે સૌ કોઇ પૈસા પ્રાપ્તિનાં ધ્યેયને સર્વસ્વ ગણે છે ત્યાં પોતે સ્વીકારેલા વ્યવસાયનું ધ્યેય ગૌણ બની જાય છે. અથવા તો તેની સમૂળગી વિસ્મૃતિ થાય છે. ગાડી પાટા પર સીધી ચાલી જતી હોય તો
૫
તે નિશ્ચિત સમયે નિયત સ્થળે પહોંચે; પરંતુ ગાડી પાટા પરથી ઉતરી જાય તો ? જે ખોટું છે અથવા જે કહેવાનું છે તે એ છે કે ગાડી પાટા પરથી ઊતરી ગઇ છે.
ગાડી પાટા પર ચડે ખરી ? શી રીતે ચઢે ? ગાડી પાટા પર અવશ્ય ચડે, પરંતુ તેમાં માનસનો ધરમૂળથી ફેરફાર કરવો પડે. ઊલટી પરિસ્થિતિમાંથી સુલટી પરિસ્થિતિ બનાવવી પડે. બીજા શબ્દોમાં કહીએ તો
માણસ કાર્ય આરાધના છે-(Work is worship)એ સૂત્ર જીવનમાં ઊતારે તો ગાડી પાટા પર ચાલવા લાગે. અત્યારે જે પરિસ્થિતિ છે તે અંગ્રેજી ઇડિયમ ‘To put a cart before a horse’ પ્રમાણેની છે. અત્યારે આગળ ગાડી અને ઘોડો પાછળ અર્થાત્ પૈસા અને સુખસગવડો પહેલાં અને પછી કાર્ય એ સ્થિતિ છે. ખરી રીતે જોતાં પહેલાં કાર્ય અને પછી પૈસા, સુખ-સગવડો વગેરે આવે. પૈસા-સુખ, સગવડોનું સ્થાન પ્રેરક બળ તરીકે અવશ્ય રહે, પરંતુ અત્યારે તે અંતિમ કારણ તરીકે છે; આ નથી તો સત્ય કે નથી આવકારપાત્ર. માણસ જીવનમાં જે કાર્ય - સ્વીકારે છે તે મુખ્ય છે; માણસ કાર્યને વરેલો રહે તેમાં તેનાં સુખ અને શોભા છે.
થોમસ કાર્લાઇલે આ સૂત્ર આપ્યું છેઃ-‘work is workship - કાર્ય આરાધના છે.’ આરાધના એટલે પૂજા. હિંદુ ધર્મમાં ઇશ્વરની પૂજા છે. જૈન ધર્મમાં તીર્થંકર ભગવાનની પૂજા છે. જેની પૂજા કરવાની છે, તેના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ એ સ્વીકૃત છે. તેમ છતાં ભયથી પૂજા થતી હોય તો સમય જતાં પ્રેમથી પૂજા થાય એ ખરી પૂજા છે. ઇષ્ટદેવની પૂજા કેવળ બાહ્યાચાર નથી, પરંતુ પૂજા હૃદયનો વિષય છે; તેમાં આભાર અને સમર્પણ બંને ભાવો રહેલાં છે. પૂજાનું ફળ તો અવશ્ય મળે, પણ ફળની તૃષ્ણા તેમાં ન હોય તો જ તે સાચી પૂજા બને છે. આવી રીતે પોતે સ્વીકારેલાં કાર્યને આરાધના-પૂજા ગણાવામાં આવે. અર્થાત્ કાર્ય પ્રત્યે આરાધના-પૂજાનો ભાવ રાખીને કાર્ય કરવામાં આવે તો અત્યારે શિક્ષણનો પ્રસાર સારી રીતે થયો હોવા છતાં માણસનાં જીવનની ગાડી પાટા પરથી ઊતરી ગઇ છે તે ફરી પાટા પર ચાલવા લાગે. દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે જે શરૂમાં પડેલી ટેવોને લીધે અત્યંત કષ્ટદાયી લાગે, પણ ભાવિ સૌને માટે સુખદ બને. આ સંબંધમાં મહાત્મા ગાંધીજીના મંત્રી મહાદેવભાઇનું ઉદાહરણ સ્વામી આનંદે આલેખ્યું છે તે મનનીય છે. ‘એમનું વાચન સાહિત્યિક અને તેટલું જ ચાલુ રાજદ્વારી પ્રવાહો, બનાવોની અદ્યતન માહિતીવાળું રહેતું. હિંદને લગતી દેશ-પરદેશની છેલ્લામાં છેલ્લી રાજદ્વારી ચાલો અને ચર્ચાઓની છેલ્લામાં છેલ્લી માહિતી એમની પાસેથી મળી શકતી. સભાઓમાં, કમિટીઓની બેઠકોમાં કાં દોડતી ટ્રેનોમાં કમ્પાર્ટમેન્ટને પાટિયે ચડીને ઠાંસોઠાંસ ભરેલા એમના મસમોટા થેલામાંનાં છેલ્લામાં છેલ્લાં છાપાં માસિકો, પુસ્તકો વાંચતા હોય; ‘યંગ ઇંડિયા', ‘નવજીવન'ના લેખો લખતા હોય. સતત મુસાફરી, સ્ટેશને સ્ટેશને દર્શનાર્થી ખલકતનાં ટોળાં, સભાઓ, મુલાકાતો, બેઠકો, ચર્ચાઓ, વાટાઘાટો વચ્ચે પોતે ક્યારે ખાતા, નાહતા, સૂતા કે દેહધર્મો આટોપતા, એની કોઇ ખબર ન પડે કે કલાકમાં
ચાર રહેતો.
કલાકનું પતાવે. કામમાં રાત ને દિવસ વચ્ચેનો ભેદ ભાગ્યે જ
માણસ જે કાર્ય સ્વીકારે તે કાર્ય તેને જીવનમાં ઉચિત સ્થાન આપે છે; તે કાર્ય સમાજ કે રાષ્ટ્ર પ્રત્યેનાં તેનાં યોગદાનનું ક્ષેત્ર બને છે. તે માત્ર વૈયક્તિક રીતે મહત્ત્વનું છે. એટલું જ નહિ પરંતુ તે સમાજજીવનને પણ ચોક્કસ સ્વરૂપ આપે છે. આ દૃષ્ટિએ ‘કાર્ય આરાધના છે’નો મર્મ સમજવો ઘટે, પહેલું તો એ કે જે કાર્ય માણસ સ્વીકારે તે કાર્ય માટે તેને પ્રેમ હોવો જોઇએ, તે કાર્ય ગમતું હોવું જોઇએ.
કે
નાછૂટકે સ્વીકારેલું અથવા ભૌતિક પ્રલોભનોથી સ્વીકારેલું કાર્ય વેઠ ધરેડ બને, પરંતુ તેમાં આરાધનાનો ભાવ આવી શકતો નથી. સામાન્ય રીતે યુવાનો જે નોકરી પસંદ કરે છે તેમાં પગાર, અન્ય ફાયદા અને સગવડોનો વિચાર ખાસ કરે છે, પરંતુ પોતાને તે કાર્ય કેવું અને કેટલું પ્રિય છે તેનો વિચાર ખાસ કરતા નથી. ઇજનેર, મ્યુઝિયમના ક્યુરેટર કે પછી આઇ. એ. એસ.ની ડીગ્રી મેળવ્યા બાદ વહીવટી વડા તરીકેની