________________
૧૦
પ્રબુદ્ધ જીવન
માટે કન્ફયૂશિયસે પોતાનાં લખાણોમાં વારંવાર ખેદ વ્યક્ત કર્યો છે. પોતે પોતાના ચીન માટે આટલું બધું સરસ કાર્ય કર્યું હતું તે છતાં તે પૂર્વજોની સરખામણીમાં પોતે કશું કર્યું નથી એમ કહેવામાં કન્ફયૂશિયસની વિનમ્રતા રહેલી છે.
કન્ફયૂશિયસની પૂર્વે થઇ ગયેલા બીજા એક મહાત્મા તે ઝૂ ચેન હતા. ત્ઝ ચેન ઇ.સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં થઇ ગયા. તેઓ ચેંગ રાજ્યના મુખ્ય પ્રધાન હતા. તેઓ ઘણા કુશળ અને ઉમદા શાસનકર્તા હતા. તેમની સરસ રાજનીતિથી ચોરીલૂંટનું પ્રમાણ ઘટી ગયું હતું. રસ્તામાં પડેલી વસ્તુને પણ કોઇ અડતા નહિ. લોકો ઘરને તાળું મારતા નહોતા. ઝૂ ચેન માટે કન્ફયૂશિયસ કહે છે કે ‘તેમનામા ઉત્તમ માણસ માટે જરૂરી એવા ચાર સારા ગુણો હતાઃ (૧) પોતાના અંગત સંબંધો અને વ્યવહા૨માં તેઓ સ્વસ્થ અને ગંભીર ૨હેતા (૨) પોતાનાથી ચડિયાતા લોકો પ્રત્યે તેઓ પૂરો આદરભાવ ધરાવતા (૩) પ્રજાની દેખભાળ રાખવામાં તેઓ ઉત્સાહ અને પ્રેમ ધરાવતા અને (૪) રાજ્યનો વહીવટ કરવામાં તેઓ કાર્યદક્ષ અને ન્યાયપૂર્ણ રહેતા,
યુ
કન્ફયૂશિયસની પૂર્વે થઇ ગયેલા ચીનના બીજા એક શહેનશાહ મહાન હતા. એમણે નદીઓમાં વારંવાર આવતી રેલમાંથી પ્રજાને ઉગારવા માટે સતત આઠ વર્ષ સુધી ઘણી મહેનત કરી હતી. કન્ફયૂશિયસે કહ્યું હતું કે ‘યુમાં વ્યક્તિગત કોઇ દોષ મને જણાતો નથી. એમની રાજ્ય વ્યવસ્થામાં પણ કોઇ છિદ્ર જણાતું નથી. યુ જાડા કપડાં પહેરતા, ગરીબની જેમ પોતે સાદાઇથી રહેતા અને લોકોને વધુ સગવડો મળે એવી હંમેશા વ્યવસ્થા કરતા.’
કન્ફયૂશિયસની પૂર્વે થઇ ગયેલા અન્ય મહાન શહેનશાહોમાં યાઓ અને શહેનશાહ શુનના નામ મહત્ત્વનાં ગણાય છે. શહેનશાહ યાઓ ઇ. સ.પૂર્વે ૨૩૫૬ના ગાળામાં થઇ ગયા હતા અને શહેનશાહ શુન
ઈ.સ. પૂર્વે ૨૫૨૫ના ગાળામાં થઇ ગયા હોવાનું મનાય છે.
કન્ફયૂશિયસ પોતાની પૂર્વેના કાળના શહેનશાહ યાઓના રાજ્યશાસનનાં પણ હંમેશાં ખૂબ વખાણ કરતા. તેમનો શાસનકાળ ભવ્ય હતો. એમનું વ્યક્તિત્વ વિશાળ હતું. દેશને માટે એમણે ઘડેલા કાયદાઓ દીર્ઘદષ્ટિવાળા હતા.
કન્ફયૂશિયસના પોતાના સમયમાં ચીનમાં સમ્રાટ ચાઉનું સામ્રાજ્ય હતું. પરંતુ ચાઉના પૂર્વજો જેટલી સ૨ળતાથી પોતાના સામ્રાજ્ય ઉપર સત્તા ભોગવી શક્યા હતા તેટલું ચાઉ માટે સરળ નહોતું. હવે ખંડિયા રાજાઓ કે ઉમરાવો આજ્ઞાનું ઉલ્લંધન કરવા લાગ્યા હતા. ચીનની અત્યંત વિશાળ ધરતીમાં ત્યારે છ હજાર જેટલાં નાના મોટાં રાજ્યો હતાં. તે બધાં ઉપર એક સમ્રાટની આણ વર્તતી હતી. પરંતુ સમ્રાટ ચાઉના વખતમાં એમની સત્તા નબળી પડતી જતી હતી. રાજ્યો વચ્ચે આંતરવિગ્રહ થવા લાગ્યા હતા. આંધાધુંધી ફેલાતી જતી હતી. રાજકીય
અસ્થિરતાને લીધે સામાજિક ક્ષેત્રે પણ અશાંતિ અને આરાજકતા આવી ગયાં હતાં. અપ્રમાણિકતા વધતી જતી હતી. ન્યાય અને નીતિ, શિસ્ત અને શિષ્ટાચારમાં પણ ઘણી શિથિલતા આવી ગઇ હતી. પ્રગતિ અટકી ગઇ હતી. ગરીબી અને બેકારી વધી હતી. કાયદાઓનું વારંવાર ઉલ્લંધન થતું. વિભિન્ન વર્ગના લોકો વચ્ચે કુસંપ, વિગ્રહ વગેરેની સ્થિતિ વર્તવા લાગી હતી. કેટલાંક રાજ્યોમાં દમન, જોર જુલમની સ્થિતિ પ્રવર્તતી હતી. કેટલાક લોકો એવા ત્રાસમાંથી બચવા સ્થળાંતર કરવા લાગ્યા હતા. આવી રાજકીય અને સામાજિક અસ્થિરતાના વાતાવરણમાં પ્રજાનું સામાન્ય શિક્ષણ પણ કથળવા લાગ્યું હતું.
કન્ફયૂશિયસનો જન્મ ઇ.સ. પૂર્વે ૫૫૧માં ચીનમાં લુ નામના રાજ્યમાં થયો હતો. લુ નામનો પ્રદેશ હાલ ચીનમાં શાન્ટંગ નામના પ્રાંતમાં આવેલો છે.
તા. ૧૪-૧૨-૧
કન્ફયૂશિયસ શાંગ (Shang) વંશના હતા. એમના પિતાનું નામ શુ-લિયાંગ હેઇહ (Shuh Liang Heih) હતું. તેઓ લશ્કરમાં સૈનિક તરીકે કામ કરતા હતા. તેઓ શરીરે સશત્ અને સુદઢ હતા. તેઓ સાહસિક અને પરાક્રમી હતા. તેમને નવ સંતાન થયાં હતાં, પણ તે બધી દીકરીઓ હતી. તેમની ઉંમર સિત્તેર વર્ષની થવા આવી ત્યારે તેમની પત્નીનું અવસાન થયું હતું. પોતાને એક દીકરો હોય એવી તેમને ઇચ્છા હતી. દરમિયાન તેમને યેન (Yen) કુટુંબની એક કુંવારી કન્યા સાથે સંબંધ થયો હતો. એનાથી તેમને એક દીકરો થયો હતો. એનું નામ પાડવામાં આવ્યું કુંગ સુ. પરંતુ એ દીકરાને તેઓ ‘ચિઉં’ (Chiu) કહીને બોલાવતા, કારણ કે એનું માથું મોટું હતું. આમ લાડમાં પાડેલું એમનું નામ પછી પ્રચલિત થઇ ગયું હતું. અને લોકો એમને ‘ચિ' કહીને જ બોલાવતા. આ ‘ચિઉ' તે જ કન્ફયૂશિયસ. ચીની ગ્રંથોમાં એમને માટે ‘ચિ’ શબ્દ વધુ વપરાયો છે.
કન્ફયૂશિયસ ત્રણ વર્ષના થયા ત્યાં તો એમના પિતાનું અવસાન થયું. આથી બાળકોને ઉછે૨વાની જવાબદારી માતા ઉપર આવી પડી. પિતાનું અવસાન થતાં કુટુંબની આવક બંધ થઇ. તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમ છતાં માતાએ ચિઉને સારી રીતે ઉછેરવા માટે તનતોડ મહેનત કરી. માતા પોતે ઘણી હોંશિયાર હતી. માતાએ ચિઉને પ્રામાણિક, ચબરાક અને તેજસ્વી બનાવવા માટે ઘણો શ્રમ લીધો હતો. તે ચિઉને નવરાશના સમયે પોતાની પાસે બેસાડી ભણાવતી.
કન્ફયૂશિયસનું કુટુંબ ગરીબ છતાં ખાનદાન અને સંસ્કારી હતું. કુટુંબની ગરીબીને કારણે કન્ફયૂશિયસની માતા જાતજાતનાં ઘરકામ કરીને કુટુંબનું ભરણપોષણ કરતી હતી. કન્ફયૂશિયસે પણ નાની ઉંમરમાં ગુજરાન ચલાવવા માટે તરહે તરેહની મજૂરી કરી હતી. આથી તેમનામાં કેટલીક આવડત અને હોંશિયારી નાની ઉંમરથી જ આવી ગઇ
હતી. ગરીબીને કારણે તેમને કેટલીકવાર અપમાન પણ સહન કરવાનાં આવતાં.
કૌટુંબિક નબળી સ્થિતિને કારણે કન્ફયૂશિયસ શાળામાં બહુ અભ્યાસ કરી શક્યા નહોતા. બાર વર્ષની વયે તેઓ શાળામાં જવા લાગ્યા હતા. પરંતુ પછી આપબળે તેમણે વધુ અભ્યાસ શરૂ કર્યો હતો. તેમણે સંગીત, કાવ્યશાસ્ત્ર, ઇતિહાસ વગેરે વિદ્યાઓમાં ઘણો ૨સ હતો.
કન્ફયૂશિયસનાં લગ્ન ઓગણીસમે વર્ષે થયાં હતાં. એમની પત્નીનું નામ જાણવા મળતું નથી. પરંતુ એમને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન થયાં હતાં. એમનું દામ્પત્ય જીવન સુખી નહોતું. એથી થોડા વર્ષમાં જ પતિ-પત્ની જુદા રહેવા લાગ્યાં હતાં. કેટલાક વર્ષ પછી કયૂશિયસની પત્નીનું અવસાન થયું હતું. એ પ્રસંગે એમનો દીકરો બહુ રડ્યા કરતો હતો. એ વખતે કન્ફયૂશિયસે એને વધુ પડતું રડવા માટે ઠપકો આપ્યો હતો.
પોતાના પુત્રને ઉછેરવાની બાબતમાં કન્ફયૂશિયસ બહુ કડક હતા, કન્ફયૂશિયસના પુત્રનું નામ પો યુ હતું. એ કુંગ લાઇ તરીકે પણ ઓળખતો હતો. એક દિવસ કોઈકે પૂછ્યું ત્યારે પો યુએ પોતાના પિતાની વાત કરતાં કહ્યુંઃ ‘એક દિવસ મારા પિતા ઘરમાં એકલા હતાં. ત્યારે એમણે મને પૂછેલું કે ‘તે કાવ્યસંગ્રહનો બરાબર અભ્યાસ કર્યો છે?'
મેં કહ્યું, ‘ના, હજી નથી કર્યો.’
એમણે કહ્યું: ‘જો તું કાવ્યસંગ્રહનો અભ્યાસ નહિ કરે તો ભાષા ઉપરનું પ્રભુત્વ તું મેળવી નહિ શકે. એથી તું કોઇની સાથે સારી રીતે વાતચીત નહિ કરી શકે. એમણે આ પ્રમાણે શિખામણ આપી એટલે મેં કાવ્યસંગ્રહનો અભ્યાસ શરૂ કર્યો હતો.'
પછી બીજી એક વખત તેઓ ઘરમાં એકલા હતા ત્યારે એમણે મને પૂછ્યું, ‘તેં વિધિવિધાનના ગ્રંથનો બરાબર અભ્યાસ કર્યો છે ?'