________________
તા. ૧૬-૧૨-૯૫
પ્રબુદ્ધ જીવન
કન્ફયૂશિયસ
C રમણલાલ ચી. શાહ
મહાત્મા કન્ફયૂશિયસને ચીની સંસ્કૃતિના પિતા તરીકે ઓળખાવવામાં આવે છે. ચીનની પ્રજાના ઇતિહાસમાં તેમના જેવી બીજી કોઇ વ્યક્તિ થઇ નથી. તેમના દ્વારા ચીની પ્રજાના સંસ્કારોનું જેટલું ઘડતર થયું છે તેટલું અન્ય કોઇ એક વ્યક્તિ દ્વારા થયું નથી. એથી જ ચીનની પ્રજાએ જેટલું માન મહાત્મા કન્ફયૂશિયસને આપ્યું છે તેટલું બીજા કોઇને આપ્યું નથી.
અઢી હજાર વર્ષ પૂર્વે ચીનની સંસ્કૃતિને ઘડવામાં બે મહાન વિભૂતિઓએ મહત્ત્વનું કાર્ય કર્યું. એ બે વિભૂતિઓ તે લાઓત્સે અને કન્ફયૂશિયસ. બંને સમકાલીન હતા. લાઓત્સે નિવૃત્તિમાર્ગી, એકાંતપ્રિય અને અધ્યાત્મવાદી હતા. તેઓ પ્રસિદ્ધિથી વિમુખ હતા. એમની તત્ત્વવિચારણા ઘણી ગહન હતી. કન્ફયૂશિયસ પ્રવૃત્તિમાર્ગી હતા. અનેક લોકોના સંપર્કમાં તેઓ આવ્યા હતા. રાજાઓ દ્વારા પ્રજાના જીવનને ઉન્નત બનાવવાનું તેમનું ધ્યેય હતું. તેઓ ચીનમાં ઘણે સ્થળે ઘૂમી વળ્યા હતા અને અનેક રાજાઓના અંગત સંપર્કમાં આવ્યા હતા. રાજ્યશાસન ચલાવવાની બાબતમાં તેઓ ઘણા જ કુશળ હતા. ચીનના રાજ્ય દરબારમાં લાઓત્સે અને કયૂશિયસ એમ બંનેનું ઘણું માન હતું, પરંતુ રાજદ્વારી કક્ષાએ અને લોકજીવનની ભૂમિકાએ કન્ફયૂશિયસે ઘણું મોટું, મહત્ત્વનું અને પાયાનું કામ કર્યું હતું.
ચીનમાં મુખ્ય ત્રણ ધર્મ છે ઃ (૧) તાઓ ધર્મ (૨) કન્ફયૂશિયસ ધર્મ અને (૩) બૌદ્ધ ધર્મ. આ ત્રણે ધર્મ એકબીજાના વિરોધી નહિ પણ ઘણે અંશે પૂરક જેવા રહ્યા છે. આથી જ ચીનમાં એ ત્રણે ધર્મને એકસાથે અનુસરતી વ્યક્તિઓ જોવા મળશે.
તાઓ ધર્મ અને કન્ફયૂશિયસનો નીતિ ધર્મ લગભગ એક જ કાળે પ્રચલિત બન્યા હતા. એ બંને ધર્મ વચ્ચે કોઇ વિરોધ કે વૈમનસ્ય નહોતું. ચીનમાં ત્યાર પછી ઘણા સૈકાઓ બાદ બૌદ્ધ ધર્મ આવ્યો. બૌદ્ધ ધર્મ ભારતમાંથી બ્રહ્મદેશ, થાઇલેન્ડ, વિએટનામ, કંબોડિયામાંથી પ્રસરતો પ્રસરતો ચીનમાં પહોંચ્યો હતો. અહિંસાદિ પંચશીલની ભાવના અને નીતિમય જીવનના ઉપદેશને કારણે ચીનમાં એને સારો આવકાર મળ્યો હતો. બૌદ્ધ ધર્મ બહારથી આવેલો હોવા છતાં તાઓ ધર્મ કે કન્ફયૂશિયસના ધર્મ સાથે સંઘર્ષમાં આવે એવો એ ધર્મ નહોતો. એથી જ ચીનમાં અને ત્યાર પછી કોરિયા અને જાપાન સુધી બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો હતો અને વર્તમાન સમય સુધી એ પ્રચલિત રહ્યો છે.
પ્રાચીન સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતાં પૌરસ્ત્ય સંસ્કૃતિ વધુ વિકસેલી અને સમૃદ્ધ હતી. ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત ઘણું આગળ વધેલું હતું. પરંતુ બીજી બાજુ કેટલીક વ્યવહારુ કળાઓમાં ચીન ત્યારે મોખરે હતું. મધ્યકાળમાં કાગળ બનાવવાની બાબતમાં, મુદ્રણકલા એટલે કે છાપકામમાં, દારૂગોળો બનાવવામાં, રેશમ, મોતી અને સોનાની બાબતમાં ચીની પ્રજા પ્રથમ નંબરે આવતી હતી. એ કાળમાં પ્રાદેશિક સ૨હદો એટલી કડક નહોતી. એટલે પગરસ્તે તથા દરિયાઇ માર્ગે ચીનનો ભારત સાથે ઘણો વ્યવહાર ચાલતો હતો. ચીની પ્રવાસીઓ પ્રવાસ કરતાં કરતાં ઠેઠ ભારત સુધી આવી પહોંચતા હતા, કારણ કે કેટલીક બાબતોમાં ચીન કરતાં ભારત ઘણું સમૃદ્ધ હતું. બીજી બાજુ હજારેક વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મના ગુરુઓ, ભિખ્ખુઓ પ્રચાર કરતા કરતા ઠેઠ ચીન, કોરિયા અને જાપાન સુધી પહોંચતા હતા.
ચીનના પ્રવાસીઓ ભારતમાં આવતા હતા છતાં ભારતીય વિચારધારા ઉપર કન્ફયૂશિયસની વિચારધારાનો ખાસ પ્રભાવ પડ્યો
ન હતો, કારણ કે વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, જૈન આગમ ગ્રંથો અને બૌદ્ધ ત્રિપિટક ગ્રંથો તે પહેલાંથી અસ્તિત્વમાં હતા. એટલે હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મની તત્ત્વમીમાંસા અને જીવન મીમાંસા આગળ કન્ફયૂશિયસની વિચારધારા એટલી વિકસિત ન લાગે. અને એનો પ્રભાવ ભારતીય સંસ્કૃતિ ઉપર ન પડે એ સ્વાભાવિક છે.
યુરોપીય પ્રજાઓને કન્ફયૂશિયસનો પરિચય ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થયો હતો, ચારસો વર્ષ પૂર્વે કેટલાક દરિયાખેડુઓ યુરોપથી નીકળી દરિયાઇ માર્ગે ભારતના કિનારે કિનારે થઇ ચીન અને જાપાન સુધી પહોંચ્યા હતા. તેમની સાથે કેટલાક ખ્રિસ્તી મિશનરીઓ પણ ગયા હતા. તેઓ ત્યાંની રાજ્ય વ્યવસ્થા, ધર્મ, સંસ્કૃતિ વગેરે જે જે વિષયોથી પ્રભાવિત થયા તે તે વિષયોનો પરિચય તેમણે પોતાની યુરોપિયન પ્રજાને કરાવ્યો હતો. ઇ. સ. ૧૬૫૩માં ઇટાલીના પાદરી મેરિયો રિસાઇને ધર્મોપદેશ માટે ચીન મોકલવામાં આવ્યા હતા. તેમણે ત્યાં જઇ કન્ફયૂશિયસનાં વચનોનો લેટિન ભાષામાં અનુવાદ કરીને ઇટલી મોકલાવ્યો હતો. કન્ફયૂશિયસનાં વચનોનો યુરોપીય ભાષામાં આ પહેલો અનુવાદ હતો. ત્યારપછી ઇ. સ. ૧૬૮૭માં એક ફ્રેન્ચ લેખકે અને ઇ. સ. ૧૮૯૭માં એક જર્મન લેખકે કન્ફયૂશિયસના ગ્રંથોનાં ભાષાંતરો પ્રગટ કર્યાં હતાં. ત્યારપછી વીસમી સદીમાં, વર્તમાન સમય સુધીમાં, કેટલાયે ચિંતકોએ કન્ફયૂશિયસનાં ઉપદેશવચનોના અનુવાદો પ્રગટ કર્યાં છે અને એની સમીક્ષા પણ કરી છે.
‘કન્ફયૂશિયસ' શબ્દ ખ્રિસ્તી પાદરીઓએ પ્રયોજેલો શબ્દ છે. જ્યારે તેઓ ચીની પ્રજાના સંપર્કમાં આવ્યા ત્યારે ચીની ભાષાના શબ્દો ઉચ્ચારવા લાગ્યા હતા, પરંતુ પોતાના મુખના ઉચચારણના અવયવોની ખાસિયત અને મર્યાદાને લીધે તેઓ કેટલાક ચીની શબ્દો ચીની લોકોની જેમ ઉચ્ચારી શકતા નહોતા. ચીની ભાષામાં ગુરુવર્ય માટે શબ્દ છે કુંગ. બહુમાનપૂર્વક તે બોલવો હોય તો ‘કુંગ-ફુત્-સે’ એ પ્રમાણે બોલાય છે. પરંતુ આ ચીની શબ્દનો યુરોપીય ખ્રિસ્તીઓએ ઉચ્ચાર કર્યો ‘કન્ફયૂશિયસ’. વખત જતાં ‘કન્ફયૂશિયસ’· શબ્દ યુરોપમાં અને પછી આખી દુનિયામાં એટલો બધો પ્રચલિત અને રૂઢ બની ગયો કે ખુદ ચીનમાં પણ ‘કન્ફયૂશિયસ' શબ્દ અપરિચિત ન રહ્યો.
ચીનમાં કન્ફ્યૂશિયસ માટે બીજો એક શબ્દ પણ વપરાય છેઃ ‘ચુ ચી' એનો એક અર્થ થાય છે ‘પ્રાચીન કાળના મહાત્માઓના ઉપદેશને અનુસરનાર.’
ચારેક હજાર વર્ષ જેટલો જૂનો ચીનનો ઈતિહાસ છે. એ ઇતિહાસની વાતો મુખ પરંપરાથી ચાલી આવતી હતી. અઢી હજાર વર્ષ પૂર્વે કન્ફયૂશિયસે એ બધી વાતો ગ્રંથસ્થ કર લીધી. એને લીધે ચીનના પ્રાચીન ઈતિહાસની અને એના જીવનવ્યવહારની વાતો જળવાઇ રહી છે. જો કન્ફયૂશિયસે એ બધી વાતો જુદા જુદા ગ્રંથો રૂપે ન સાચવી લીધી હોત તો તે બધી કાળક્રમે નષ્ટ થઇ ગઇ હોત.
કન્ફયૂશિયસની પૂર્વે ચીન ઘણું સમૃદ્ધ હતું. એમની પૂર્વેના હજારેક વર્ષમાં, એટલે આજથી ત્રણ-સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વેના ગાળામાં ચીનમાં જે સમર્થ મહાન વ્યક્તિઓ થઇ ગઇ તેમાં પિંગત્સુ અને ચાઉ ફુગનાં નામ મહત્ત્વનાં છે. કન્ફયૂશિયસ માટે તેઓ આદર્શરૂપ હતા. તેઓએ પ્રજા કલ્યાણને માટે જે નીતિ નિયમો ઘડ્યા હતા તે સઘન હતા. એમના કાળમાં જેવું સમૃદ્ધ ચીન હતું તેવું ચીન ફરીથી બનાવવાની મહત્ત્વાકાંક્ષા યુવાન વયે કન્ફયૂશિયસ ધરાવતા હતા. પરંતુ વર્ષો પસાર થવા છતાં પોતે પોતાના પૂર્વજ મહાત્માઓ જેવું કાર્ય ન કરી શક્યા. એ