Book Title: Prabuddha Jivan 1995 Year 06 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 116
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન આવી. ગાંધીજીના વિચારોનું એમાં ઘણું મોટું પ્રતિબિંબ પડેલું હતું. એટલે એ નવલકથાઓ એ જમાનામાં ઘેર ઘેર વંચાતી હતી. રમણલાલ દેસાઇની કથાશૈલી પણ એવી આકર્ષક હતી કે વાંચકને છેવટ સુધી જકડી રાખે. આ બે નવલકથાઓના વાંચન પછી કોલેજનાં વર્ષો દરમિયાન રમણલાલ દેસાઇની બધી જ નવલકથાઓ મેં વાંચી લીધી હતી. એની સાથે સાથે કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી અને ધૂમકેતુની પણ બધી જ નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓનું વાંચન રસપૂર્વક થવા લાગ્યું હતું. આથી કોલેજમાં પણ મેં એવો નિર્ણય કર્યો કે બી.એ.માં અર્થશાસ્ત્રનો વિષય ન લેતાં ગુજરાતી ભાષા અને સાહિત્યનો વિષય લેવો. એ પ્રમાણે બી.એ. અને એમ.એ.માં મેં મુખ્ય વિષય ગુજરાતી સાહિત્યનો રાખ્યો હતો . બી.એ. થયા પછી મેં બે વર્ષ ‘સાંજ વર્તમાન' નામના દૈનિકમાં અને એક વર્ષ ‘જનશક્તિ' નામના દૈનિકમાં પત્રકાર તરીકે કામ કર્યું. સાથે સાથે એમ.એ.નો અભ્યાસ પણ કર્યો. એમ.એ.માં મુંબઇ યુનિવર્સિટીમાં (આખા મુંબઇ ઇલાકામાં ત્યારે માત્ર એક જ યુનિવર્સિટી હતી) ગુજરાતી વિષયમાં પ્રથમ નંબરે આવ્યો અને બળવંતરાય ઠાકોર સુવર્ણચંદ્રક મને મળ્યો. એને પરિણામે મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે મારી નિમણૂંક થઇ. પત્રકારત્વનું ક્ષેત્ર છોડીને અધ્યાપનના ક્ષેત્રમાં હું આવ્યો. કાકાસાહેબ કાલેલકરે કોઇક સ્થળે લખેલું હજું યાદ છે કે માણસે જીવનમાં તક મળે તો થોડોક વખત પણ અધ્યાપનકાર્ય કરવું જોઇએ કારણ કે એથી એના જીવનનો અભિગમ વિકાસશીલ ૨હે છે. અધ્યાપક થવાના મારા સ્વપ્રમાં એ રીતે કાકાસાહેબ કાલેલકરનું પ્રેરક બળ રહ્યું હતું. અધ્યાપનક્ષેત્ર મળતાં લેખન અને વાંચન માટે ઘણો અવકાશ મળ્યો, જેણે મારા જીવન ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. ઇ. સ. ૧૯૫૫માં હું પૂ. પુણ્યવિજયજી મહારાજના સંપર્કમાં આવ્યો. એમની પ્રેરણાથી મધ્યકાલીન જૈન રાસાસ્કૃતિઓનો મેં અભ્યાસ કર્યો તથા ‘નળ દમયંતીની કથાનો વિકાસ' એ વિષય પર શોધ નિબંધ લખી મેં મુંબઇ યુનિવર્સિટીની પીએચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર પછી ૧૯૬૩માં ડૉ. હરિવલ્લભ ભાયાણીની ભલામણથી આચાર્ય હેમસાગરસૂરિજીએ ‘કુલવયમાળા’ નામના પ્રાકૃત ગ્રંથના અનુવાદનું કામ મને સોંપ્યું. બે વર્ષ એ કાર્ય ચાલ્યું. મહાન આચાર્ય ઉઘોતનસૂરિ કૃત ‘કુલવયમાળા' નામનો ગ્રંથ પ્રાકૃત ભાષાનો એક અદ્ભૂત ગ્રંથ છે. એ પ્રાકૃતમાં વાંચતાં અનેરો આહ્લાદ અનુભવ્યો. એની સાથે સાથે એ ગ્રંથે જૈન ધર્મના સૂક્ષ્મ સિદ્ધાંતો સમજવા માટેની પ્રેરણા મને આપી એથી કવિતા, નવલકથા, નાટકાદિ લલિત સાહિત્ય તરફથી હું જૈન સૈદ્ધાંતિક સાહિત્યના અધ્યયન તરફ વળ્યો. ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમનાં વચનોથી મહેંકતા ‘કુવલયમાળા’ ગ્રંથ દ્વારા મારા જીવનમાં એક નવો ઉઘાડ થયો. એ ગ્રંથનું ઋણ મારે માથે ઘણું મોટું છે. છેલ્લા ત્રણેક દાયકામાં જૈનદર્શન ઉપરાંત અન્ય દર્શનોના શાસ્ત્રીય ગ્રંથો વાંચવાની અભિરુચિ મને જે થઇ છે તેમાં ‘કુવલયમાળા’નું પ્રેરકબળ ઘણું મોટું રહ્યું છે . અલબત્ત શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી યશોવિજયજી, શ્રી સમયસુંદર, શ્રી આનંદધનજી, શ્રી દેવચંદ્રજી વગેરેની કૃતિઓએ પણ મારા જીવનમાં આ રસનું પોષણ કરવામાં મહત્ત્વનું કાર્ય કર્યું છે. આમ, ગાંધીજીની આત્મકથા, કાકા સાહેબના જીવનલક્ષી ગ્રંથો, રમણલાલ દેસાઇની નવલકથાઓ અને ઉદ્યોતનસૂરિ કૃત ‘કુવલયમાળા’ વગેરેનું મારા જીવનને ઘડવામાં ઘણું મોટું યોગદાન રહ્યું છે. એવું નથી કે માત્ર આ કૃતિઓથી જ જીવન ઘડાય. સામાજિક, કૌટુંબિક, વ્યાવસાયિક, આર્થિક ઇત્યાદિ સંજોગોનુસાર દરેકના જીવનને ઘડનાર જુદી જુદી કૃતિઓ હોઇ શકે. મનુષ્યનાં જીવનધ્યેય અને જીવનપથ ઉપર તેનો ઘણો આધાર રહે છે. તા. ૧૬-૧૦-૯૫ હું વ્યવસાયે આરંભમાં પત્રકાર હતો. પછી કોલેજમાં અને યુનિવર્સિટીમાં અધ્યાપક થયો એટલે વાંચનની પ્રવૃત્તિ મારા જીવનમાં અનિવાર્યપણે જોડાયેલી રહી છે. વ્યવસાયકાળના ચાર દાયકા અને નિવૃત્તિકાળનો લગભગ એક દાયકો એમ પાંચ દાયકામાં લાખો પૃષ્ઠનું વાંચન થયું હશે. (વિદ્યાર્થીઓના ઉત્તરપત્રોનું, કે પીએચ.ડી.ના શોધનિબંધોનું વાંચન તે જુદું) આટલા બધા વાંચન પછી ભૂતકાળ ઉપર દષ્ટિ કરતાં લાગે છે કે જેટલું કામનું અને ઉપયોગી વંચાયું છે તેના કરતાં બિનજરૂરી પ્રાસંગિક વાંચન ઘણું વધુ થયું છે. અને તેમાં કેટલુંક તો ફરજિયાત કરવું પડ્યું છે. શબ્દમાં અચિત્યશક્તિ છે. વાંચન જીવનને ઘડે છે એ નિર્વિવાદ કિકત છે. ખરાબ વાંચન માણસને બગાડે છે એ પણ એટલું જ સાચું છે. પોતાના જીવનઘડતર માટે વ્યક્તિઓએ અને એમના વડીલોએ આરંભથી જ યોગ્ય પસંદગી કરતા રહેવું જોઇએ. જે ગ્રંથ પ્રથમ વાંચને પણ પૂરા કરવાનું મન ન થાય એવા નિસ્તેજ ગ્રંથનો જીવન ઉપર બહુ પ્રભાવ પડે નહિ. જે ગ્રંથનો પોતાના જીવન ઉપર ઘણો બધો પ્રભાવ પડ્યો હોય તે ગ્રંથ ફક્ત એક જ વાર વાંચીને માણસ સંતોષ માની ન શકે. જે ગ્રંથ પ્રથમ વાંચને જ પોતાનું તમામ રહસ્ય પ્રગટ કરી દે અને પછી એને ક્યારેય કશું નવું કહેવાનું રહે નહિ તે ગ્રંથનું મૂલ્ય બહુ આંકી શકાય નહિ. જે ગ્રંથ વારંવાર વાંચવાનું ગમે અને પ્રત્યેક વાંચને કશોક નવો અર્થ સંદર્ભ પ્રકાશે અને એની જૂની વાત પણ પ્રત્યેક નવા વાંચને તાઝગીસભર લાગે તે ગ્રંથની મૂલ્યવત્તા ઘણી વધારે હોય છે. આવા જીવનસ્પર્શી ગ્રંથો જ વ્યક્તિત્વના ઘડતરમાં ઘણું મોટું યોગદાન આપી શકે. [તાજેતરમાં પ્રગટ થનાર ડૉ. પ્રીતિબહેન શાહ-સંપાદિત ગ્રંથ ‘પીધો અમીરસ અનુભવનો' માટે લખેલો લેખ.] શ્રી મુંબઇ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૪. વાર્ષિક સામાન્ય સભા સંઘની વાર્ષિક સામાન્ય સભા બુધવાર તા. ૨૨-૧૧-’૯૫ના રોજ સાંજના ૬-૦૦ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળશે જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. (૧) ગત વાર્ષિક સામાન્ય સભાની મિનિટસ્ (૨) ૧૯૯૪-૯૫ના વૃતાંત તથા સંઘ તેમજ શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના ઓડિટેડ થયેલા હિસાબો મંજૂર કરવા. (૩) ૧૯૯૫-૯૬ વર્ષના અંદાજપત્રો મંજૂર કરવા. (૪) સંઘના પદાધિકારીઓ તેમજ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી. (૫) સંઘ તેમજ વાચનાલય-પુસ્તકાલયના ઓડિટર્સની નિમણૂંક કરવી. ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં જણાવવાનું સંઘનો વૃત્તાંત તથા સંઘ તેમજ વાચનાલય અને પુસ્તકાયલના ઓડિટ થયેલા હિસાબો સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. તા. ૧૫-૧૧-૯૫ થી તા. ૨૧-૧૧-૯૫ સુધીના દિવસોમાં બપોરના ૧ થી ૫ સુધીમાં કોઇપણ સભ્ય તેનું નિરાક્ષણ કરી શકશે. આ સામાન્ય સભામાં કોઇને પ્રશ્ન પૂછવાની ઇચ્છા હોય તો બે દિવસ અગાઉ લેખિત મોકલી આપવા વિનંતી. વાર્ષિક સામાન્ય સભામાં સર્વ સભ્યોને ઉપસ્થિત રહેવા વિનંતી છે. નિરુબેન એસ. શાહ ♦ પ્રવીણચંદ્ર કે. શાહ મંત્રીઓ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ - મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ ૩ પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪, ફોનઃ ૩૮૨૦૨૯૬. મુદ્રણસ્થાન · રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮. લેસરટાઈપસેટિંગ: મુદ્રાંકન, મુંબઈ-૪૦૦૦૯૨.

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138