________________
પ્રબુદ્ધ જીવન
કન્ફયૂશિયસની કેટલીક ખાસિયતો
E રમણલાલ ચી. શાહ
અઢી હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલા સુપ્રસિદ્ધ ચીની ફિલસૂફ કન્ફયૂશિયસના શિષ્યોએ કન્ફયૂશિયસની જે કેટલીક ખાસિયતો નોંધી છે તેમાંથી એમના વ્યક્તિત્વનું એક સુરેખ ચિત્ર નજર સામે તરવરે છે.
કન્ફયૂશિયસ દેખાવે કડક મુખમુદ્રાવાળા હતા, પરંતુ સ્વભાવે અત્યંત હસમુખા, વિનમ્ર, વિનયી અને ઉદાર હતા. તેઓ નિખાલસ હતા અને પોતાની ભૂલોનો કે પોતાના સ્વભાવના દોષોનો તરત સ્વીકાર કરી લેતા. તેઓ ઘમંડી નહોતા. એથી લોકો તેમને એટલી હદ સુધી ચાહતા હતા કે જાણે તેઓ સાક્ષાત ભગવાન ન હોય !
રાજા કે ઉમરાવ તરફથી મહેમાનોનું સ્વાગત કરવાનું અને એમની દેખભાળ રાખવાનું કામ જ્યારે એમને સોંપવામાં આવતું ત્યારે તેઓ તે ઉત્સાહ અને વિનયપૂર્વક કરતા. તેઓ શ્વેત ઝભ્ભો ધારણ કરતા. મહેમાનના સ્વાગત માટે બે હાથ પહોળા કરી તેઓ સામે જતા ત્યારે એ પ્રસારેલા બે હાથની ઝૂલતી શ્વેત બાંય જાણે પંખીની બે પાંખ હોય તેવી શોભતી. તેઓ મહેમાન વિદાય થાય ત્યાં સુધી હાજર રહેતા, મહેમાનોને વંદન કરતા અને એમનું વંદન ઝીલતા અને પછી રાજા પાસે આવી મહેમાનની મુલાકાતનો વિગતવાર અહેવાલ આપતા.
રાજદરબારમાં તેઓ જતા ત્યારે દરવાજો ઘણો ઊંચો હોવા છતાં તેઓ
પોતાનું રાજા તરફનું બહુમાન દર્શાવવા સહેજ વાંકા વળીને દાખલ થતા. તેઓ ઉંબરા ઉપર ક્યારેય પગ મૂકતા નહિ. રાજગાદી પાસેથી તેઓ પસાર થતા ત્યારે ત્યાં ઘૂંટણથી વાંકા વળતા અને પછી ઊભા થઇ આગળ જતા.
તેઓ રથમાં કે પાલખીમાં બેઠા હોય ત્યારે સીધી નજર રાખતા. ડોંક ફેરવીને આજુબાજુ કે પાછળ જોવાનો તેઓ પ્રયત્ન કરતા નહિ . વળી ત્યારે તેઓ પોતાની સાથે બેઠેલાઓ જોડે વાતચીત પણ કરતા નહિ. તેઓ નિયમપાલનમાં બહુ કડક રહેતા.
જ્યારે એમને રાજદંડ ઊંચકીને ચાલવાનું આવતું ત્યારે તેઓ વિનયપૂર્વક જરા વાંકા વળતા, દંડને પ્રથમ મસ્તક સુધી લઇ જઇ પછી સહેજ નીચે ઉતારી છાતી સુધી લાવીને પકડી રાખતા. દંડ સાથે ચાલતી વખતે તેઓ ઘીમાં ધીમાં નજીક નજીક ડગલાં ભરતા.
કોઇ જાહેર સ્થળે કે કોઇના ઘરે તેઓ ગયા હોય અને ત્યાં સાદડી વાંકીચૂકી પડી હોય તો એ સરખી કર્યા પછી જ તેઓ એના ઉપર બેસતા. (ચીન-જાપાનમાં ખુરશી ટેબલને બદલે જમીન ઉપર સાદડી પાથરીને બેસવાનો રિવાજ હતો, જે હજુ પણ ઘણે અંશે ત્યાં, વિશેષતઃ ગામડાંઓમાં ચાલુ છે.)
તેઓ કોઇની સાથે આડા પડીને કે સૂતાં સૂતાં વાત કરતા નહિ. વાત કરવી હોય ત્યારે તરત તેઓ બેઠા થઇ જતા.
રાજા તરફથી એમને જ્યારે જ્યારે મળવા માટેબોલાવવામાં આવતા ત્યારે રથ કે પાલખીની રાહ જોયા વિના તેઓ પગે ચાલતા નીકળી જતા.
તેઓ શિષ્ટાચાર સાચવતા. કોઇ પોતાને મિજબાની આપે ત્યારે નીકળતી વખતે પ્રસન્નતાપૂર્વક એનો આભાર માનતા, કોઇ લશ્કરી અમલદારને જુએ તો તેના તરફ આદરભાવ બતાવતા, કોઇ ગરીબ માણસ મળવા આવ્યો હોય અથવા રસ્તામાં કોઇ અંધ મનુષ્યને જતો જુએ તો તેઓ તેને સહાય કરવા ઊભા રહેતા અને તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા.
જેનાં કોઇ સગાં સંબંધી ન હોય એવી પોતાની કોઇ પરિચિત વ્યકિત ગુજરી જતી તો એની અંતિમ ક્રિયા તેઓ પોતે સંભાળી લેતા.
તેઓ કોઇ ઉત્સવ કે મિજબાનીમાં ભાગ લેવા જતા ત્યારે ત્યાં પધારેલા વડીલો જ્યાં સુધી વિદાય ન લે ત્યાં સુધી તેઓ ત્યાં બેસી રહેતા. તેઓ કોઇ મંદિરે દર્શન કરવા જતા ત્યારે ત્યાંના નાનામાં નાના કર્મચારીના પણ ખબરઅંતર પૂછતા અને કોઇને કંઇ મુશ્કેલી હોય તો સહાય કરતા કે કરાવતા.
પોતાનો જ્યાં જન્મ થયો હતો એ વતનમાં તેઓ જતા ત્યારે ત્યા અત્યંત સાદાઇથી રહેતા. ગામજનો આગળ પોતે મોટા માણસ હોવાનો કોઇ આડંબર કરતા નહિ. પોતાના વતનમાં પૂર્વજોના મંદિરમાં તેઓ પગે લાગવા અચૂક જતા. તેમની વાણીમાં સંયમ રહેતો.
તા. ૧૬-૧૧-૯૫
તેઓ જંગલી લોકોના પ્રદેશમાં જવા માટે જરા પણ અચકાતા નહિ, ડરતા નહિ. પોતાના જવાથી જંગલી લોકો સુધરશે એવી તેઓ આશા રાખતા. વાવાઝોડું થતું કે આકાશમા મેઘ ગર્જના અને વીજળીના કડાકા થતાં ત્યારે તેઓ ગંભીર બની જતા.
કોઇના શોકના પ્રસંગે જો તેઓ દિલસોજી દર્શાવવા ગયા હોય તો એ દિવસે ઘરે આવ્યા પછી તેઓ કોઇ મનોરંજનની પ્રવૃત્તિ કરતા નહિ. તેઓ ગીત ગાવા કે સંગીતના અભ્યાસ માટે પણ બેસતા નહિ.
કોઇના શોકના પ્રસંગે બેસવા જવાનું થયું હોય ત્યારે જો એ ઘરે ભોજન લેવાનો પ્રસંગ આવે તો તેઓ પેટ ભરીને જમતા નહિ,
તેઓ એકંદરે ઓછું ખાતા અને ખાતાં ખાતાં કોઇની સાથે વાતચીત કરતા નહિ. ભોજન વખતે થોડું પિતૃઓને અર્પણ કર્યા પછી જ તેઓ ખાતા. તેમને દારૂની ટેવ પ્રમાણમાં વધારે હતી, તો પણ નશો ચડી જાય એટલી હદ સુધી તેઓ પીતા નહિ.
કેન્ફયૂશિયસ પોતાના દોષોનો સ્વીકાર કરી લેતા, તેઓ એકરાર કરતાં કહેતા કે પોતાની એક બહુ જ ખરાબ નબળાઇ એ છે કે પોતે દારૂ પીવાનું છોડી શકતા નથી.
કન્ફયૂશિયસ ઘણીવાર મનન ચિંતન કરવા માટે એકાંતમાં દિવસોના દિવસો સુધી બેસી રહેતા. કેટલીક વાર તો તેઓ ખાવાનું પણ ભૂલી જતા. રાત્રે ચિંતન મનન કરતાં કરતાં કોઇવાર આખી રાત પૂરી થઇ જતી, છતાં તેમને થાક લાગતો નહિ કારણ કે તેમની શારીરિક અને માનસિક શકિત એટલી બધી હતી. જેમ ચિંતનમનનમાં તેમ સ્વાધ્યાયમાં પણ તેઓ એવી જ રીતે સતત લાગેલા રહેતા. તેમને અનુભવે એમ સમજાયું હતું કે ચિંતનમનન કરતાં સ્વાધ્યાય પોતાની પ્રકૃતિને વધુ અનુકૂળ છે અને એથી પોતાને વિશેષ લાભ થાય છે.
તેઓ દુઃખી માણસ પ્રત્યે દિલસોજી દર્શાવતા. કોઇ સરકારી અધિકારી મળવા આવે તો પોતે ઊભા થઇને સામેથી લેવા જતા અને આદરભાવ દર્શાવતા. અંધ માણસ હોય કે અપંગ માણસ હોય તો તેને મદદ ક૨વા ઝડપથી તેની પાસે પહોંચી જતા.
રાજાઓ કે ઉમરાવોની સાથે વાતચીત કરતી વખતે તેઓ પૂરી સ્વસ્થતાથી વાત કરતા. રાજાના મંત્રીઓ કે અધિકારીઓ સાથે જ્યાં જરૂર લાગે ત્યાં તેઓ શાંતિથી, સ્વસ્થતાથી, નિખાલસતાથી કે દ્રઢતાથી વાત કરતા.
કવિતા, ઇતિહાસ અને વિધિવિધાન એમના અત્યંત પ્રિય વિષયો હતાં. એના ઉપર તેઓ વખતો વખત પ્રવચનો આપતા.
સંગીત એમને બહુ પ્રિય હતું. તેમને વાજિંત્રો વગાડતાં આવડતું અને મધુર કંઠે સરસ ગાતાં પણ આવડતું. કોઈ ગવૈયાને બોલાવ્યો હોય અને પોતાને કોઇ ગીત ગમી જાય તો તે ફરીવાર ગાવાનું તેને કહેતા અને પોતે
પણ તેની સાથે ગાવા લાગતા.
દૈવી ચમત્કારો કે શારીરિક પરાક્રમોની વાતોમાં તેમને રસ પડતો ન હતો, સંસ્કારની વાતોમાં, જીવનની ઉન્નતિની વાતોમાં તેમને વધુ રસ પડતો.
પ્રચલિત રીત-રિવાજોમાં જે સ્વીકારવા યોગ્ય હોય તે તેઓ સ્વીકારતા અને જ્યાં ફેરફાર કરવા યોગ્ય હોય તેમાં ફેરફાર પણ કરતા. તેમનામાં જડતા નહોતી અને અવિચારી ક્રાંતિ પણ નહોતી; ધાર્મિક પ્રસંગોએ ત્યારે શણની ટોપી પહે૨વાનો રિવાજ હતો, પરંતુ ત્યારપછી રેશમી ટોપી આવી. એ ઓછી ખર્ચાળ હતી એટલે કયૂશિયસે શણની ટોપીને બદલે રેશમી ટોપી પહેરવાનું ચાલુ કર્યું હતું. એ જમાનામાં આવો ફેરફાર ઘણો મોટો હતો. જૂની પરંપરા પ્રમાણે રાજાને પ્રણામ કરવા લોકો આવ્યા હોય તો તે વખતે મંચની નીચે ઊભા રહીને પ્રણામ કરતા. પરંતુ તે વખતે કેટલાંક લોકો મંચનાં પગથિયાં ચઢી રાજાની પાસે જઇને પ્રણામ કરવા લાગ્યા હતા. તો પણ કન્ફયૂશિયસ કહેતા કે પોતાને નીચે ઊભા રહીને પ્રણામ કરવામાં રાજાનું વધારે ગૌરવ સચવાતું લાગે છે. અને એથી પોતે પ્રાચીન પરંપરાને વળગી રહેવા ઇચ્છતા. છે. આમ યોગ્યતા અનુસાર કન્ફયૂશિયસ જૂની પરંપરામાં ફેરફાર કરતા અને જ્યાં ફેરફારની યોગ્યતા ન હોય ત્યાં જૂની પરંપરાને વળગી રહેતા.
✰✰✰
માલિક – શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ... મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ – પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન ઃ ૩૮૨૦૨૯૬, મુદ્રણસ્થાન · રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮. લેસરટાઈપસેટિંગ ઃ મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨,