________________
૦ વર્ષ: (૫૦) + ૬ ૦ અંક ૭
તા. ૧૬-૭-૯૫
♦ ♦ ♦ શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
પ્રબુદ્ધ જીવા
♦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ
ભગવાન મહાવીરે કહ્યું છે કે જે પોતાનો પરિગ્રહ વધારતો જાય છે તે પોતાના તરફ બીજાઓનું વેર વધારતો જાય છે.
તંત્રી : રમણલાલ ચી. શાહ
परिग्गह निविट्ठाणं, वेरं तेसिं पवड्ढई ।
સામાન્ય લોકોનો સામાન્ય ખ્યાલ એવો છે કે જેમ માણસ પાસે ધનસંપત્તિ અને સુખ સગવડનાં સાધનો વધારે તેમ માણસ વધારે સુખી અને સમાજમાં તેને બહુ માનપાન મળે. સ્થૂલ ઉપલક ભૌતિક દૃષ્ટિએ આ કદાચ સાચું લાગે, પણ પ્રજ્ઞાશીલ વ્યક્તિ સૂક્ષ્મ તત્ત્વદૃષ્ટિથી વિચારે તો એને અવશ્ય પ્રતીતિ થશે કે પરિગ્રહ એ દુ:ખનું મોટું કારણ છે. અર્થ એ અનર્થનું મૂળ છે.
અપરિગ્રહ તથા પરિગ્રહ-પરિમાણ ઉપર જૈન ધર્મે જેટલો ભાર મૂક્યો છે તેટલો અન્ય કોઇ ધર્મે મૂક્યો નથી. ભગવાન મહાવીરે પંચ મહાવ્રતમાં અપરિગ્રહને યોગ્ય રીતે જ સ્થાન આપ્યું. એમાં શુદ્ધ નિશ્ચય દૃષ્ટિએ ઘણું બધું રહસ્ય રહેલું છે, પરંતુ સામાજિક અને વ્યવહારિક કક્ષાએ પણ અપરિગ્રહનું મૂલ્ય ઘણું મોટું છે. સાધુ ભગવંતો માટે અપરિગ્રહના મહાવ્રતનું પાલન કરવાનું હોય છે અને ગૃહસ્થોએ ‘પરિગ્રહ પરિમાણ’ના અણુવ્રતનું પાલન કરવાનું હોય છે.
♦ Regd. No. MH. By. / South 54. Llcence 37
પરિગ્રહ વિશે ઘણા જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારણા થઇ શકે, પરંતુ અહીં તો માત્ર પરિગ્રહ વધારનાર બીજાઓ સાથે જાણતાં, અજાણતાં કેવી રીતે વેર બાંધે છે એ એક પાસા વિશે વિચારીશું.
આહાર, મૈથુન, ભય અને પરિગ્રહ એ જીવની બળવાન સંજ્ઞાઓ છે. પોતાને ઇષ્ટ એવી વસ્તુઓ મેળવવી અને એનો સંગ્રહ કરવો એ જીવનું સામાન્ય લક્ષણ છે. આ કુદરતી સંજ્ઞાને અતિક્રમવા માટે ઘણા મોટા આત્મિક પુરુષાર્થની આવશ્યકતા રહે છે.
પરિગ્રહની સાથે તે ચોરાઇ જવાનો, લૂંટાઇ જવાનો, ખોવાઇ જવાનો કે બગડી જવાનો ભય સંકળાયેલો રહે છે. તે માટે સાવચેતીનાં વધુ પડતાં પગલાં લેવાથી બીજાના મનમાં શંકા, અવિશ્વાસ, અપ્રીતિ વગેરેના ભાવો જન્મે છે. પરિગ્રહની જાળવણી અને ગણતરીમાં માણસના જીવનનો અમૂલ્ય સમય વેડફાઇ જાય છે. પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં માણસને પોતાના વેડફાઇ ગયેલા એ સમયનું સાચું ભાન થાય છે અને ત્યારે પશ્ચાત્તાપનો પાર રહેતો નથી. સાદાઇથી જીવનારને પોતાની જિંદગીનો ઘણો બધો સમય પોતાને માટે મળે છે. એ નિજાનંદનું મૂલ્ય તો અનુભવે જેને સમજાયું હોય તે જ વધુ સારી રીતે કહી શકે.
દુનિયાનાં દુ:ખોનું, કલેશ-કંકાસ, વેરઝેર વગેરેનું પૃથક્કરણ કરવામાં આવે તો ઘણા કિસ્સાઓમાં તેનું મૂળ માલ-મિલકતની વહેંચણીના ઝઘડાઓમાં રહેલું જણાશે.
વાર્ષિક લવાજમ રૂા. ૩૦
સગા ભાઇઓ વચ્ચે પણ કમાણીની અસમાનતા થાય અને એની સાથે સાથે પોત-પોતાની જુદી જુદી પરિગ્રહવૃત્તિ બળવાન બને તો ભાઇઓ ભાઇઓ વચ્ચે પણ દ્વેષ, ઇર્ષ્યા, મત્સર, વગેરે જન્મે છે. એમાંથી અનુક્રમે અણબનાવ, તકરાર, વેરભાવ, વગેરે જન્મે છે. માત્ર પૈસાની તકરારને કારણે જ બે સગા ભાઇઓ વચ્ચે કે ખુદ પિતા અને પુત્ર વચ્ચે બોલવાનો પણ વ્યવહાર ન રહે કે એક બીજાનું ખૂન કરવા પ્રેરાય એટલી હદ સુધીની ઘટનાઓ બનતી ઘણે ઠેકાણે જોવા મળે છે. . એક કુટુંબમાં જ જો આ રીતે બનતું હોય તો સમાજની ભૂમિકાએ તો તેમ બનવું અશક્ય નથી.
માલ-મિલકતનું લક્ષણ એવું છે કે સમય જતાં એની વહેંચણી કરવાના પ્રસંગો આવે છે. બીજી-ત્રીજી પેઢી આવતાં કે અચાનક કોઇનું અવસાન થતાં એવા પ્રસંગોની અનિવાર્યતા ઊભી થાય છે. વળી, માલ-મિલકતનું સ્વરૂપ જ એવું છે કે દરેક વખતે એની યથાર્થ વહેંચણી થઇ શકતી નથી. સંજોગો, વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની પાત્રતા, સરકારી કાયદાઓ વગેરેને કારણે કલેશ કે સંઘર્ષ થયા વગર રહેતો નથી. સ્પષ્ટ ન દેખાય તો પણ માનસિક કલેશ, ઇર્ષ્યા કે વેરભાવનાં બીજ વવાય છે. માણસ પોતાની હયાતીમાં જ ઉદાર ભાવે સમજણપૂર્વક પોતાનાં માલ-મિલકતનું વખતોવખત વિસર્જન કરતો રહે તો કલેશ-કંકાસનાં નિમિત્તો ઓછાં થાય, વાતાવરણમાં પ્રસન્નતા રહ્યા કરે અને પોતાની સામાજિક કર્તવ્યબુદ્ધિ અને અંગત ધર્મદૃષ્ટિ ખીલતી રહે.
મનુષ્યની પરિગ્રહવૃત્તિનો કોઇ અંત નથી. જેટલી સારી નવી વસ્તુઓ જોવા મળે તે બધી જ લેવાનું માણસને મન થાય છે. પછી તેનો ઉપયોગ કરવા માટે પોતાની પાસે ફુરસદ હોય કે ન હોય. સમૃદ્ધ લોકોના ઘરમાંથી પ્રતિવર્ષે કેટલીયે નવી ખરીદેલી વસ્તુ વપરાયા વગર જૂની થઇ જવાને કારણે કાઢી નખાય છે. કેટલીક એવી વસ્તુઓ તો સીધી કચરામાં જાય છે.
છેલ્લા ત્રણ ચાર દાયકામાં ચીજ-વસ્તુએનું ઉત્પાદન ઘણું જ વધી ગયું છે. તેથી માણસની પરિગ્રહવૃત્તિ વધતી ગઇ છે. રેડિયો, ટી.વી., કેમેરા, વિડિયો, ટેપરેકોર્ડ, ઘડિયાળ, કેલક્યુલેટર, કમ્પ્યૂટર, રેફ્રિજરેટર, એરકન્ડિશનર, મોટરકાર વગેરે પ્રકારનાં આધુનિક સાધનો બનાવતી કંપનીઓ વચ્ચે જે સ્પર્ધા ચાલી રહી છે તેને કારણે તથા એવી કંપનીઓની જે વેપારી નીતિ છે તેને લીધે પ્રતિવર્ષ તેઓ નવાં નવાં પ્રકારનાં મોડેલોનું ઉત્પાદન કરતી રહી છે. એથી જૂનાં મોડેલોના સ્પેર પાર્ટસ્ જાણી જોઇને ન આપવા કે જેથી જૂની વસ્તુઓ વપરાશમાં ઝાઝો