________________
૧. કુટુંબકથા
શ્રીમાળી વંશ
મારો જન્મ વૈશ્ય કુળની એક પેટાભેદ શ્રીમાળી જ્ઞાતિમાં થયેલો છે. શ્રીમાળી જ્ઞાતિ દશા અને વીસા એમ બે ભાગમાં વહેંચાયેલ છે. હું વીસા શ્રીમાળી છું. શ્રીમાળી લોકો મૂળે ભિન્નમાલ (જૂના ગુજરાતની એક વખતની રાજધાની અને મારવાડ જંકશનની પશ્ચિમ-દક્ષિણે આવેલું જોધપુર સ્ટેટનું અત્યારનું ભિન્નમાલ ગામ) થી ગુજરાતમાં ઊતરી આવેલા અને અણહિલપુર પાટણના અભ્યુદય કાળમાં તેઓ ચારે ત૨ફ વિસ્તરેલા. પાટણના મુંજાલ, ઉદયન, શાન્તુ જેવા ઘણા પરાક્રમી મંત્રીઓ શ્રીમાળી હતા. સંભવ છે કે એ પરાક્રમી શ્રીમાળીઓના પ્રભાવક્ષેત્ર કાઠિયાવાડ – ઝાલાવાડમાં એ જ જમાનામાં શ્રીમાળી લોકો ફેલાયા હશે. જેમ બધી જ્ઞાતિઓ વિષે સર્વત્ર ઇતિહાસમાં બનતું આવ્યું છે તેમ શ્રીમાળી જ્ઞાતિ વિષે પણ એમ બનવાનો સંભવ છે કે શ્રીમાળી વૈશ્ય યજમાનો જ્યાં જ્યાં વિસ્તરતા ગયા ત્યાં ત્યાં શ્રીમાળી બ્રાહ્મણ ગોરો પણ સાથે સાથે ગયા. શ્રીમાળી બ્રાહ્મણો અને શ્રીમાળી વૈશ્યોનો એવો નિકટ સંબંધ પરાપૂર્વથી ચાલ્યો આવ્યો છે કે શ્રીમાળી ગો૨ સિવાય બીજું કોઈ શ્રીમાળી વૈશ્યનાં લગ્ન કરાવી શકે નહિ. (જોકે હમણાં હમણાં નવીન પ્રથાએ એમાં ગાબડું પાડ્યું છે.) ક્યાંય શ્રીમાળી વૈશ્યોમાં લગ્ન હોય તો ગમે એટલે દૂર દૂરથી પણ શ્રીમાળી ગોરો આવવાના અને ‘દાપું’ વહેંચી લેવાના. દશેક વર્ષની ઉંમરનો હતો તે સમયનો એક પ્રસંગ યાદ છે કે વઢવાણ શહેરમાં એક ધનાઢ્ય યજમાનને ત્યાં ડોસીનું કારજ હતું. ત્યાંના લાગા અને દાપાજીવી સંપન્ન શ્રીમાળી બ્રાહ્મણોએ લાગા વિષે કાંઈક વાંધો પડતાં લાંઘણ શરૂ કરેલી અને ત્રાગું કરવાની ધમકી પણ આપેલી. હું તે વખતે એવા ભયથી બહુ થરથરી ગયેલો કે બ્રાહ્મણોનું લોહી પડશે તો શું થશે ? કારણ કે જન્મથી મન ઉપર એવા મૂઢ સંસ્કારની છાપ પાડવામાં આવેલી હતી કે બ્રાહ્મણોના લોહીનું ટીપું વંશનું સત્યાનાશ કાઢે છે. આ અને આના જેવા મૂઢ સંસ્કારોએ એક કાળે બ્રાહ્મણોની પ્રતિષ્ઠા અને આજીવિકામાં ગમે તેટલી વૃદ્ધિ કરી હશે છતાં તેથી એકંદરે યજમાન અને ગોર ઉભય પક્ષનું પતન થયું છે એની સાક્ષી જીવતો ઇતિહાસ પૂરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org