________________
થોડી વારમાં નૌકા પર સંચાર થતો જણાયો અને અશ્વ પર રાજકુમાર કોલક આવતો દેખાયો. કોઈ રાજવંશી આ રીતે ઉઘાડે છોગે અહીં ન આવતો; શરમની આ જગ્યાએ સહુ શરમાઈને આવતા.
પણ રાજકુમાર કાલકે આ સુંદરીના મોહમાં એટલી લજ્જા પણ તજી હતી ! એ અશ્વ પરથી ઊતરીને કોઈની પણ સહાય વગર નૌકા પર ચઢી ગયો.
અહીં આવતા રાજવંશી મહેમાનોને ઊંચકીને નૌકામાં લઈ જવા પડતા; કારણ કે મદિરાક્ષીને ભેટતાં પહેલાં તેઓ મદિરાને ભેટતા. મદિરા તેમને મદહોશ બનાવતી, ત્યારે જ તેઓ મદિરાક્ષી સમક્ષ હાજર થતા.
રાજકુમાર નૌકામાં પ્રવેશી મુખ્ય ખંડમાં આવ્યો.
સુનયના હજીય જેમ પડી હતી તેમ જ પડી રહી. પોતાના ખુલ્લા પગોને જરા ઝુલાવ્યા અને ઉત્તરીયને મનોરમ ઉરપ્રદેશ પર ઢાંક્યું. પણ એ પારદર્શક વસ્ત્ર ઉરપ્રદેશની મનોરમતા વિશેષ રૂપે પ્રગટ કરી. કોઈ પણ રસિયા વાલમને જખમી કરવા માટે આટલો અંગવિન્યાસ પૂરતો હતો.
યવનીઓ દારૂના પ્યાલાઓથી છલોછલ ભરેલો થાળ નીચે મોંએ આવીને મૂકી ગઈ. આસવભરેલાં અન્ય પાત્રો પણ એમાં ગોઠવેલાં હતાં.
રાજકુમારે કંઈ પણ બોલ્યા વિના એ થાળ ઊંચકીને બારી વાટે સરિતાના જળમાં ફેંકી દીધો, અને સુનયના તરફ જોઈને મૃદુ હાસ્ય કર્યું.
સુનયના હજીય એમ ને એમ પડી રહી; ન હાલી કે ન ચાલી. રખેને કુશળ રીતે સજ્જ કરેલો દેહસૌંદર્યના મિષ્ટાન્નનો થાળ અસ્તવ્યસ્ત થઈ જાય અને ગ્રાહક કદાચ પસંદ-નાપસંદનો પ્રશ્ન ઉઠાવે.
સુનયનાએ એ જ સ્થિતિમાં પોતાના કમળદંડ જેવા કોમળ હાથ પહોળા કર્યા ને મિષ્ટ સ્વરે બોલી : ‘પ્રિય ! ઠીક જ કર્યું. આ આસવોનું શું કામ ? આવ ! મારા સ્પર્શમાં જ શરાબ છે, આસવ છે.'
‘પ્રિય !’ રાજકુમારે એટલો જ જવાબ આપ્યો ને પોતાનાં અણિયાળાં નયન સુનયના પર ઠેરવી રહ્યો.
સુનયના પણ પોતાની ચંચળ પલકોને થંભાવી, રાજકુમાર કાલકને નીરખી રહી. અજબ નેત્રપલ્લવી રચાઈ રહી. કાવ્ય જાગ્યું, કવિતા જન્મી !
કહેવાય છે કે સ્ત્રી સુંદર નરને પસંદ કરતી નથી, પણ એ ભવ્ય પુરુષને વાંછે છે. એ જેટલું ભેટવાનું પસંદ કરે છે, એનાથી વધુ આશ્લેષ-બંધમાં કચડાવાનું પસંદ કરે છે. સ્ત્રી સુંદર છે, એ ભવ્ય નથી. પુરુષ ભવ્ય છે, એ સુંદર નથી. સ્ત્રી અને પુરુષનો સહયોગ એટલે ભવ્યતા અને સૌંદર્યની ફૂલગૂંથણી.
138 D લોખંડી ખાખનાં ફૂલ
રાજકુમાર કાલક જેટલો દેખાવડો હતો, એનાથી વધુ ભવ્ય હતો. સુનયના એ ભવ્યતાને મનભર નીરખી રહી, જાણે ઝરણું પહાડને અભિષેક કરી રહ્યું.
સુનયના ઘણા રાજકુમારોના સંપર્કમાં આવી હતી. એમાં ઘણા સુંદર હતા, ઘણા શૂરવીર હતા, ઘણા નારીને રીઝવવાની કળામાં નિપુણ હતા; એમાંનું ઘણું ઘણું કાલકમાં નહોતું; છતાં ઘણું ઘણું એવું હતું કે જે કોઈમાં નહોતું. એને કારણે દૃષ્ટિમિલનની સાથે સુનયના પર કાલકે જાદુ કર્યું. એ વશીકરણની પોતાની અનેક કળાઓ વીસરી ગઈ, ને કલાધર ચંદ્ર સામે પોયણી એકીટશે જોઈ રહે એમ નીરખી રહી, સૌંદર્યભર્યાં અંગોને પ્રકટ કરવાં ને વળી છાવરવાં, ઓષ્ઠને તરસ્યા બતાવવાને ખુલ્લા બતાવવા, ઉરપ્રદેશને ધડકતો બતાવવો ને સ્થિર બતાવવો – એ બધી ચાતુરી એ એક વાર તો ભૂલી ગઈ !
સૌંદર્યનું તીક્ષ્ણ તીર લઈને શિકારે નીકળેલી રમણી પોતાના તીરથી પોતે જખમી થઈ ગઈ. એ આપોઆપ શરમાઈ ગઈ. એણે નિર્વસ્ત્ર અંગોને છાવરવાનો નિષ્ફળ પ્રયાસ કરવા માંડ્યો.
પહાડ ઝરણને પંપાળે એમ કાલક બોલ્યો : ‘રહેવા દે સુંદરી ! હું પંકજને પણ નીરખું છું, પંકને પણ પિછાનું છું. હું પેલા જંગલી હાથી જેવો નથી કે જે હાથણીને ભેટવા જતાં હરિયાળીથી છાયેલા ખાડાને ભૂલી જાય છે, જ્યારે જ્યારે સુંદર દેહ પર મોહ થાય છે, ત્યારે ત્યારે મારા ગુરુએ આપેલું કાવ્ય યાદ કરું છું.'
‘મને એ કહે, પ્રિય !’ સુનયના પોતાનાં અંગોને ઢાંકવા વ્યર્થ પ્રયત્ન કરતી
બોલી.
‘કહું છું. આવી એકાંતે મળ્યાં, તો હવે કંઈ અધૂરું નહીં રાખીએ.' કાલકે કહ્યું, અને મેઘગંભીર સ્વરે કાવ્યનું ગાન કરવા માંડ્યું,
ગોળ છે માંસ કૈરા સ્તન, પણ કળશો હેમના એમ કહ્યું,' ‘લાળે-થૂંકે ભરેલું મુખડું, પણ જનો ચંદ્રનું રૂપ આપે.' ‘મૂત્રાદિથી ભીંજેલું જઘન, પણ કરિ સૂંઢ સાથે પ્રમાણ્યું.'
‘નિંદાને પાત્ર આ છે સ્વરૂપ જનતણું,
ફક્ત કાવ્યે વખાણ્યું.'
‘મને શરમ આવે છે, કાલક !' સુનયના બે હાથે પોતાનો ઉરપ્રદેશ ઢાંકતાં
બોલી.
લોખંડી પુરુષ – 139