Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 180
________________ આહુતિ આપવા આવી છું પણ એ દ્વારા મહાન સર્જન કરવા માગું છું. મને ખોટી રીતે ન સમજશો.' ‘તને ખોટી રીતે સમજું તો મને મારી જાતને ખોટી રીતે સમજવા જેવું માઠું લાગે. પણ એટલું યાદ રાખ કે આગને સ્નેહથી અડીએ કે દ્વેષથી અડીએ, બંનેમાં એ બાળે છે, મઘા ! તું મારી ભિંગની બને, મને બચાવ, મારા ભગીરથ કામને જાળવ, મારી પ્રતિજ્ઞાને પાળવાનું મને બળ આપ. નહિ તો તારી આ હીરાકટારી મારી છાતીમાં....' મહાત્માના શબ્દોમાં ભુકંપ હતો. મઘા બે ઘડી સ્થિર ઊભી રહી, એ પૃથ્વી ખોતરવા લાગી, ધીરે ધીરે અલંકારો કાઢીને નીચે નાખવા લાગી. મહાત્માના મનભર રૂપને જોતાં એ બોલી, ‘તમારી છાતીમાં હીરાકટારી મારું ? અરે, તો જે પાપને પૃથ્વી પરના પટલ પરથી ભૂંસી નાખવા માગો છો, ને સંસારની જે સરસ્વતીઓને બચાવવા માગો છો, ને જે ધર્મતેજને પ્રગટાવવા માગો છો, એનું શું થાય ? એ ન બને. હું મારો સંકલ્પ પાછો ખેંચી લઉં છું. હું પાછી વળું છું. આજથી તમારા કાર્યમાં હું મારું સર્વસ્વ અર્પણ કરું છું. તમારું કાર્ય તે મારું જીવનકાર્ય ! તમારો શબ્દ અને સામે મારો પ્રાણ !' મઘા બોલી. એ સ્વસ્થ થતી જતી હતી. આજ સુધી જાણે કોલસાની ખાણમાં કોલસા જ હતા, જરાક સંઘર્ષ જાગ્યો કે ભવ્ય ચમક લઈને તેજનો અવતાર હીરો હાથ લાગ્યો. એ અજબ રાતે ગજબ ઇતિહાસ સર્જ્યો. એ પછી મઘા અને મહાત્મા એકબીજાને અદ્ભુત દૈવી સ્નેહથી નીરખી રહ્યાં. આવો નીતર્યો નભોમંડળ જેવો નેહ મઘા જીવનમાં પ્રથમ વાર જ અનુભવી રહી. ઊંડા મધદરિયે જેનું વહાણ ખરાબે ચડ્યું હતું. જેના નાવને તોફાન શતશત ટુકડામાં વહેંચી નાખવા તૈયાર હતું. ત્યાં સ્વપ્રયત્ને બંને જણાં ઊગરી ગયાં. બંનેએ આત્માથી આત્માને તાર્યો. આ ક્ષણોના ઇતિહાસ કદી લખાયા નથી. છતાં એ ઇતિહાસની અમર સુવાસ કાળદેવતાના અનાદિ અનંત પથ ઉપર ફેલાયેલી પડેલી જ છે. હરકોઈ સુજ્ઞ પ્રવાસી એ સૂંઘીને સ્વસ્થ થઈ શકે છે. મહાત્માએ મઘા તરફ સ્નેહભાવથી નીરખતાં કહ્યું, ‘મઘા ! કેટલીક રાતો એવી આવે છે કે માણસની અંદર રહેલી વજ્રની પરીક્ષા થાય છે. જવલ્લે જ એવી રાતો આવે છે, પણ એ આવે છે ત્યારે કાં તો માણસને સાચો માણસ બનાવે છે, કાં એને સાવ કલંકિત કરી જીવતાં મરેલો બનાવી મૂકે છે. અનુકૂળતામાં હંમેશાં અધઃપતન થઈ જાય છે. માણસ દ્વેષથી છેતરાતો નથી, પણ સ્નેહ એને હંમેશાં છેતરી જાય છે.’ 338 D લોખંડી ખાખનાં ફૂલ આ શબ્દોમાં રાતના બનાવનું વિશ્લેષણ હતું. મહાત્મા આટલું બોલી પ્રાર્થનામાં બેસી ગયા. એ જાણતા હતા કે આવા પ્રસંગોમાં પુરુષાર્થનાં બણગાં ફૂંકવાં નિરર્થક છે, માણસ આમાંથી ભાગ્યે જ બચી શકે છે અને બચી શકે છે, તો તે માત્ર પ્રાર્થના દ્વારા સંચિત આત્મબળથી. સંસાર તરફ આંખીંચામણાં કરનાર એ નર નહોતો. એ જાણતા હતા કે નારીને પ્રકૃતિએ આકર્ષક શક્તિના રૂપમાં સરજાવી છે. એ શક્તિનું સ્થાન ગમે તેવા નરના હૃદયમાં જાણ્યું અજાણ્યું પણ હોય જ છે. નારી ત્યાં આવે છે, બેસે છે, રાજે છે, બિરાજે છે, નારી વિનાનો કોઈ નર ખાલી નથી; પણ ભૂમિકાભેદને લીધે એની નારી-સાધનાની દૃષ્ટિમાં ભેદ પડી જાય છે. કોઈ નારી નરની માતૃત્વ શક્તિ તરીકે આવે છે, ને એ નારીમાં નર માતૃત્વ જ જુએ છે. કોઈ નારી ભિંગની રૂપે આવે છે, અને નર એ સિવાય બીજા સંબંધનો ખ્યાલ જ કરી શકતો નથી. કોઈ નારી પત્ની રૂપે આવે છે, ત્યારે માણસ એને પોતાની પ્રેયસીના રૂપ સિવાય બીજી રીતે જોઈ શકતો નથી. આ રીતે ભૂમિકાભેદને લીધે માણસ નારી પ્રત્યેના સંબંધોમાં વિવિધતા નિહાળી લે છે. નારી શક્તિએ ધાર્યું ત્યારે ભલભલાને ડોલાવી દીધા છે, આખા ઇતિહાસ પલટી દીધા છે. આજની રાત એક અજબ ઇતિહાસ રચવા માટે આવી હતી, અને અજબ ઇતિહાસ રચીને પસાર થઈ ગઈ. મઘાનો ચહેરો અત્યારે તદ્દન જુદો લાગતો હતો. ભયંકર માંદગીમાંથી ઊઠી હોય, કોઈ ભેદી આઘાતમાંથી બચી ગઈ હોય, એવી રેખાઓ એના મુખ ઉપર ઊઠી આવી હતી, એ ધીરે ધીરે સ્વસ્થ થતી હતી. ફરી એનું તેજ ચમકવા લાગ્યું હતું. ફરી એ એના સ્વભાવમાં આવી રહી હતી. મહાત્મા પ્રાર્થનામાંથી ઠીક ઠીક સમયે ઊઠ્યા. એ બોલ્યા, ‘મઘા ! તેં પ્રાર્થના કરી ? પ્રાર્થનામાં જેવી શક્તિ છે, તેવી કશામાં નથી. અમારે ત્યાં એક કથા છે. એક જબરદસ્ત હાથી હતો. એ ગજેન્દ્રને એના બળનું ભારે અભિમાન હતું. એક વાર એ સરોવરમાં સ્નાન કરવા ઊતર્યો. ત્યાં રહેતા એક મગરે એનો પગ પકડ્યો. હાથીને પોતાના બળનું ગુમાન હતું, એણે વિચાર્યું કે હમણાં જ મગરને પીંખી નાખીશ. પણ કસોટી C 339

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249