________________
‘શકરાજ, અમારું લોહી વહાવવું ભૂંડું છે હોં !'
‘કંઈ ચિંતા નહીં. અમે પણ એટલા જ ભૂંડા છીએ.' શકરાજે મગરૂરીમાં કહ્યું અને વધ માટે તલવાર ઊંચી કરી.
દૂર દૂરથી દરિયામાં નાવોનો એક કાફલો તડામાર ચાલ્યો આવતો હતો. શકરાજની તલવાર ઊંચી થઈને નીચે ઊતરે, એ પહેલાં મહાત્માનો હાથ ઊંચો થયો. એમનો અવાજ આવ્યો, ‘થોભી જાઓ રાજનું !'
‘કાં ?’ શકરાજે પ્રશ્ન કર્યો.
‘મારું જમણું અંગ ફરકે છે.’ આર્ય કાલકે કહ્યું.
‘એટલે શું ?’ શકરાજે ઉગામેલી પોતાની તલવારને નિરુપાયે સ્થિર કરતાં પૂછ્યું. એમને આ દખલગીરી રુચિ નહીં.
‘આપણું શુભ થતું હું જોઉં છું. વાસુકિને અભયદાન આપો. એની ખાનદાની મને માન ઉપજાવે છે. એની મોત સામેની નિર્ભયતા મને ગમે છે. ભલભલો ભડવીર મોતને માથા પર જોઈ ઘેટા જેવો થઈ જાય છે.' મહાત્માએ શાંતિથી નિર્ણય આપ્યો.
‘રહેવા દો, મહાત્માજી ! દુશ્મન પરની દયા આપણને જ ભરખે છે.' શકરાજે કહ્યું. મહાત્મના છેલ્લા વાક્યના શબ્દો શકરાજને ખેંચી રહ્યા. એ પોતાના માટે તો વપરાયા નથી ને ! પણ અત્યારે એમણે ખમી ખાવામાં સાર જોયો.
‘મને માનશુકન થાય છે. આવતો નૌકાકાફલો આપણા મિત્રોનો છે.' આર્ય કાલકે, ભવિષ્યવાણી ભાખતા હોય તેમ કહ્યું .
‘અશક્ય મહાત્માજી ! આ દેશમાં કે શકદેશમાં, આપણે જે અહીં છીએ તેનાથી બીજા કોઈ આપણા મિત્ર નથી. આગ્રહ છોડી દો, અને આ ઝેરી સાપની કત્લ કરવા દો. આ લોકોની હત્યાથી આવતી લડાઈ અડધી તો ચપટીમાં જિતાઈ જશે.' શકરાજે ફરી વિનંતી કરી.
‘વાસુકિને અભયદાન !' મહાત્માએ ટૂંકામાં કહ્યું. એમાં આજ્ઞા હતી, ટંકાર હતો. કોઈ એ આજ્ઞાને ઉથાપવાની હિંમત કરી શકે તેમ નહોતું.
‘વાસુકિ ! તું મુક્ત, પણ આ બીજા લૂંટારાઓને તો...' શકરાજે આજ્ઞાનુવર્તી સેવકની જેમ પ્રશ્ન કર્યો.
યથા રાજા તથા પ્રજા. શકરાજ ! એ બધાને અભય. મારું જ્ઞાન કહે છે કે જે વિષને હણવા માટે આપણે નીકળ્યા છીએ, એને હણવા માટે આ વિષ ઉપયોગી છે. વિષનું ઔશધ કુશળ ધન્વંતરી વિષમાં જ જુએ છે. સહુને અભયદાન. ચિંતા ન કરો. આપણે નમાલા નથી. મિત્ર થશે તો મહોબ્બત કરીશું, દુશ્મન થશે તો ફરી યુદ્ધના દાવ ખેલીશું.'
392 – લોખંડી ખાખનાં ફૂલ
મહાત્મા આટલું બોલીને શાંત થઈ ગયા. શકરાજની અકળામણનો પાર ન રહ્યો. દુશ્મન પર દયા દાખવવામાં એમની રાજનીતિ નિષેધ ભણતી હતી. અલબત્ત, આર્યોની એ આગવી વિશિષ્ટતા હતી, પણ એમાં એમણે ઘણું સહન પણ કર્યું હતું. શકરાજથી ન રહેવાયું. એ બોલ્યા, ‘મહાત્માજી ! નીતિ, ધર્મ, દયા, ચારિત્ર્ય, એ બધું રણભૂમિની બહારની વસ્તુ છે.’
‘રાજન ! આર્ય માન્યતા એથી જુદી છે. ખરે વખતે જો શુભ સંસ્કાર ન સચવાય તો પછી એ બિલાડીના ટોપની જેમ નિરર્થક છે. જુઓ, નૌકાકાફલો નજીક આવી રહ્યો છે.’ મહાત્માએ કહ્યું, દ્વારામતીના સાગરતીરે ઊભેલી એમની દેહયષ્ટિ સ્વયં ધર્મમૂર્તિ જેવી લાગતી હતી.
‘તમારા હઠાગ્રહમાં બે તરફથી ભીંસ ઊભી ન થાય તો સારું ! તમારાં બંનેનાં સ્વપ્નાંની ખાખ ન જોવી પડે તો ઇષ્ટદેવની કૃપા !' શકરાજે મૂંઝાતાં મૂંઝાતાં કહ્યું.
શકરાજના યોદ્ધાઓ તો મહાત્માના પરમ સેવક હતા. મહાત્માના નિષેધને તેઓએ માથે ચડાવ્યો ને હવે આવતી નવી આફતને ખાળવા સજ્જ થઈ રહ્યા. ‘આ આફતનાં પડીકાંઓને ક્યાંક દૂર લઈ જઈએ તો !' શકરાજે નવી સૂચના કરતાં કહ્યું.
‘જરૂર એમ કરી શકો છો.’ મહાત્માએ કહ્યું.
આ બધાને મંદિરના પાછળના ભાગમાં આવેલા કોઠામાં પૂરી દો.’
‘શકરાજ ! દુશ્મનને પણ દિલ છે. એને જીતવા પ્રયત્ન કરવો ઘટે.' મહાત્માએ
કહ્યું .
‘તો આપે રાજા દર્પણસેનનું દિલ જીતવા પ્રયત્ન નહોતો કર્યો ? મહાત્માજી! આ તો બધી તત્ત્વજ્ઞાનીઓની બેજવાબદાર વાતો છે. જે મસ્તક તલવારને લાયક હોય એને પાઘડી ન પહેરાવાય.' શકરાજે બરાબર ઘા કર્યો.
ચર્ચા વધી જાત. એટલે મહાત્માએ ઇશારાથી શકરાજને સ્વકાર્ય કરવા સૂચવ્યું. થોડીવારમાં શકરાજની આજ્ઞાનો અમલ થયો. લૂંટારાઓ એક કોઠામાં પુરાઈ ગયા.
ફક્ત વાસુકિ ત્યાં બંધનાવસ્થામાં શેષ રહ્યો. ન જાણે કેમ પણ મહાત્મા એ ચાંચિયા તરફ રહેમ નજર રાખી રહ્યા હતા. શકરાજને શત્રુ પ્રત્યે આવો ભાવ ખૂંચતો હતો. વખતે કંઈ દગો ન હોય, મહાત્મા પોતાને ઊંડા કૂવામાં ઉતારી વરધ કાપતા ન હોય ! શકરાજ પળવાર શંકામાં પડી ગયા.
મહાત્મા શકરાજની આંખોમાં એ ભાવ વાંચી શકતા હતા. એમને એ આંખોમાં પળવાર રાજા દર્પણર્સનની તસવીર જાણે નાચતી દેખાઈ, પણ શકરાજ જેમ પરિસ્થિતિને વશ થઈ અપ્રિયને પ્રિય કરી રહ્યા હતા. એમ મહાત્મા પણ મઘા-બૈરુતનું અપહરણ – 393